શ્રાવણમાં ભગવાન શિવની આરાધનામાં જે મંત્રોનો જાપ કરવામાં આવે છે તેમાં મહામૃત્યુંજય મંત્ર મુખ્ય છે.આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને સાથે સાથે અકાળ મૃત્યુથી પણ બચી શકાય છે. આ વાતનો ઉલ્લેખ શાસ્ત્રો અને પુરાણોમાં કરવામાં આવ્યો છે.
પૌરાણિક કથાઓમાં કહેવામાં આવ્યુ છે કે મનુષ્ય આ મંત્રનો જાપ કરે તો મૃત્યુના મુખમાં જતા જતા બચી જાય છે. આ મંત્રથી મહાકાળ શિવની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે અને મનુષ્યનું આયુષ્ય વધે છે.
મહામૃત્યુંજય મંત્ર
ॐ भूर्भुवः स्वः ॐ त्रयम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उव्र्वारूकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात्।।
અર્થ- આપણે ભગવાન શિવની પૂજા કરીએ છીએ જેમને ત્રણ નેત્ર છે, પ્રત્યેક શ્વાસમાં જીવન શક્તિનો સંચાર કરે છે, જે સંપૂર્ણ જગતનું પાલન-પોષણ પોતાની શક્તિથી કરે છે, તે મહાદેવ શિવને અમારી પ્રાર્થના છે કે તે અમને મૃત્યુના બંધનોથી મુક્ત કરી દે, જેનાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે.
મંત્રનો જાપ કરતી વખતે રાખો આટલી બાબતોનું ધ્યાન
આ મંત્રનો જાપ કરતા સમયે એ ધ્યાન રાખવુ કે મંત્રનું ઉચ્ચારણ યોગ્ય રીતે કરવું. આ મંત્રનો જાપ કોઈપણ શિવ મંદિર અથવા જ્યાં ભગવાન શિવની મૂર્તિ અથવા શિવલિંગની સ્થાપ્ના હોય ત્યાં બેસીને પૂર્વ દિશા તરફ મોઢું રાખવું. શ્રાવણના સોમવારે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે. થઈ શકે તો કોઈ પંડિતથી શુભ મુહૂર્ત કઢાવીને અને જાપની વિધિ પૂછીને આ મંત્રનો જાપ કરવો.
મહામૃત્યુંજય મંત્રનું મહત્વ
– આ મંત્રના જાપથી સાધકના અકાળ મૃત્યુથી રક્ષા મળે છે.
– કંઈક ખરાબ થવાનો ભય કે આશંકા હોય તો આ મંત્રનો જાપ કરી તમે તે મુશ્કેલીને દૂર કરી શકો છો.
– શનિ ગ્રહના અશુભ પ્રભાવ જેમ કે શનિની સાડાસાતી અથવા ઢૈય્યાના પ્રકોપને ઓછો કરવા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે.
– રોગથી છુટકારો અને જીવનમાં પ્રસન્નતાની પ્રાપ્તિ કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ.
– જો તમારી કુંડળીમાં કોઈપણ પ્રકારના મૃત્યુ દોષ અથવા મારકેશ છે તો આ મંત્રનો જાપ કરવાથી તે દોષનો પ્રભાવ ઓછો થઈ જાય છે.
– કોઈપણ પ્રકારના પારિવારિક ક્લેશ, સંપતિ વિવાદ વગેરેથી બચવા માટે આ મંત્રનો જાપ કરવામાં આવે છે.
– આ મંત્રનો જાપ આર્થિક સમસ્યાને અને વેપારમાં નુકસાન થતું હોય તેને અટકાવે છે.