ઓલિમ્પિક રદ : જાપાનની 70% વસતિ ઓલિમ્પિક કેન્સલ થાય તેવું ઈચ્છે છે

0
3

ટોક્યો ઓલિમ્પિક્સને 67 દિવસ બાકી છે અને રોગચાળાને કારણે ગેમ્સ રદ કરવાની માગ દિવસેને દિવસે વધી રહી છે. જાપાનની 70% વસતિ ઓલિમ્પિક કેન્સલ થાય તેવું ઈચ્છે છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇઓસી) એ નક્કી કરેલું છે કે રમતો યોજાશે. ગયા અઠવાડિયે, વડા પ્રધાન યોશીહિદે સુગા પ્રથમ વખત લોકોના અભિપ્રાય સામે નમતા દેખાયા હતા.

તેમણે કહ્યું હતું કે સરકાર ઓલિમ્પિકને પ્રાથમિકતા નહીં આપે. પરંતુ અંતે નિર્ણય આઈઓસી પાસે રહેશે. જાપાન રમતોને રદ કરવાની વાત કેમ નથી કરી રહ્યું? ઓલિમ્પિક રદ કરવાની તાકાત કોની પાસે છે? અને શું રમતો રદ થવાની સંભાવના છે?

આઇઓસી પાસે રમતો રદ કરવાનો અધિકાર છે
આઇઓસી અને યજમાન શહેર વચ્ચે કરાર છે. આ અંતર્ગત, ફક્ત આઇઓસી ઓલિમ્પિક્સને રદ કરી શકે છે, યજમાન નહીં. આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ લોયર એલેક્ઝાંડર મિગ્યુઅલ મેસ્ટ્રે અનુસાર, ઓલિમ્પિક આઇઓસીની ‘વિશિષ્ટ સંપત્તિ’ છે.

ફક્ત આઇઓસી રમતના માલિક તરીકે કરાર સમાપ્ત કરી શકે છે. યુદ્ધ અથવા નાગરિક અવ્યવસ્થાની સ્થિતિમાં, ખેલાડીઓ જોખમમાં હોઈ શકે તેવું લાગે ત્યારે આઇઓસી રમતોને રદ કરી શકે છે. અલબત્ત, રોગચાળાને આ પ્રકારના ખતરા તરીકે જોઇ શકાય છે.

મોટું નુકસાન થશે
મેલબોર્ન યુનિવર્સિટીના પ્રોફેસર જેક એન્ડરસનના કહેવા પ્રમાણે, જો જાપાન એકપક્ષી રીતે કરાર પૂરો કરે તો તેને મોટું નુકસાન વેઠવું પડશે. પ્રસારણ પ્રાયોજીકરણમાં જાપાન અને આઇઓસી અબજો રૂપિયાની ભાગીદારી ધરાવે છે. એન્ડરસને કહ્યું, “આઇઓસી, સ્થાનિક આયોજન સમિતિ, પ્રસારણકર્તા અને પ્રાયોજક પાસે વીમો છે.”

વીમા આયોજકોના મોટા ખર્ચોને આવરી લેશે. પરંતુ તે પરોક્ષ ખર્ચને આવરી લેશે નહીં. જેમ કે હોટલ અને રેસ્ટોરન્ટ ખર્ચ અથવા નવીનીકરણ ખર્ચ પ્રવાસીઓને આકર્ષવા માટે. દેશના પર્યટન ક્ષેત્રને પણ નુકસાન થશે.

રમતોને જાપાનના રિવાઇવલ તરીકે જોવામાં આવી રહી છે
ઓલિમ્પિક રદ થવાથી જાપાનની વિશ્વસનીયતા પર અસર થશે. આગામી વર્ષ વિન્ટર ઓલિમ્પિક છે. જાપાનના પ્રાદેશિક હરીફ ચીન દ્વારા આ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. એન્ડરસનને કહ્યું, “જાપાને છેલ્લે 1964માં ઓલિમ્પિકનું આયોજન કર્યું હતું.

જાપાન લાંબા સમયથી આર્થિક સ્થિરતાની સ્થિતિમાં છે. ટોક્યો ગેમ્સને સુનામી-ન્યૂક્લિયર ડિઝાસ્ટરથી ઊભા થઈ રહેલા જાપાનના રિવાઇવલ રૂપમાં જોવામાં આવે છે. વધતા જતા વિવાદ છતાં, ઘણા નિરીક્ષકો સહમત છે કે ઓલિમ્પિક્સ યોજાશે. પરંતુ કયા આકારમાં કે સ્વરૂપમાં છે, તે હજી સ્પષ્ટ નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here