ઓસ્ટ્રેલિયા : મોટલમાં ફાયરિંગ, 4નાં મોત; અજાણ્યા હુમલાખોરે મોટલના દરેક રૂમમાં જઇ ગોળીબાર કર્યો

0
25

ડાર્વિનઃ ઓસ્ટ્રેલિયાના ડાર્વિન શહેરમાં એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરતા હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોનાં મોત થયા છે. સાક્ષીઓના જણાવ્યા અનુસાર, શહેરના ઉપનગરીય વિસ્તારની એક મોટલમાં બંધૂકધારી દાખલ થયો અને તેણે અનેક રૂમમાં ફાયરિંગ કર્યુ. ત્યારબાદ તે ત્યાંથી ભાગી ગયો. ઘટનાની જાણકારી મળ્યા બાદ સ્થાનિક સમયાનુસાર સાંજે છ વાગ્યે પોલીસ ઘટનાસ્થળે પહોંચી. અંદાજિત એક કલાક બાદ સંદિગ્ધ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને કહ્યું કે, ફાયરિંગની ઘટનાનો આતંકવાદ સાથે કોઇ સંબંધ નથી. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોર એકલો હતો અને તેઓ આ ઘટનામાં કોઇ અન્ય સંદિગ્ધની તપાસ નથી કરી રહ્યા.

એક કલાક સુધી સિટી સેન્ટર બંધ

પોલીસ અધિકારી લી મોર્ગને હુમલામાં જાનહાનિની પુષ્ટિ કરી છે. તેઓએ જણાવ્યું કે, બે લોકો ઘાયલ પણ થયા છે. વુલનર વિસ્તારમાં ગોળીબારી બાદ હુમલાખોર ફરાર થઇ ગયો, તે સમયે એક કલાક માટે સિટી સેન્ટરને બંધ કરી દેવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર, સંદિગ્ધ હુમલાખોરની પાસે શોટગન હતી અને લોકોએ 20 ગોળી ચાલવાનો અવાજ સાંભળ્યો.

પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે, પામ્સ હોટલમાં હુમલાખોરે એક મહિલાના પગમાં ગોળી મારી, પામ્સ મોટલથી એક વ્યક્તિ મહિલાને પકડીને દોડતો આવ્યો. આ મારી હોટલની નજીક છે. આ વ્યક્તિએ મહિલાને અમારી સામે ફૂટપાથ પર છોડી દીધી. હું દોડીને ટૂવાલ લાવ્યો અને તેના પગ પર લપેટ્યો. તેના પગમાંથી લોહી નિકળી રહ્યું હતું.

જ્હોન રોઝ નામના અન્ય એક સાક્ષીએ જણાવ્યું તેઓએ હુમલાખોરને શોટગનની સાથે મોટલમાં આવતા જોયો. તેણે તમામ રૂમમાં ગોળીબાર કર્યો. તે દરેક રૂમમાં ગયો જેથી ત્યાં મોજૂદ લોકોને જોઇ શકે અને જે સામે મળે તેને નિશાન બનાવી શકે. ત્યારબાદ તે ટોયટા પિકઅપમાં ભાગતા જોવા મળ્યો.

ઓસ્ટ્રેલિયાની ન્યૂઝ વેબસાઇટ અનુસાર, પોલીસ પામ્સ મોટલની ઘટનાને મુખ્ય કેન્દ્ર ગણીને તપાસ કરી રહી છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિસ્તારના કેટલાંક અન્ય સ્થળો પરથી પણ જાનહાનિ અંગે જાણકારી મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here