કચ્છ : ક્રિક વિસ્તારમાં ડ્રગ્સ શોધવા પોલીસ, BSF અને કોસ્ટગાર્ડનું જોઈન્ટ સર્ચ ઓપરેશન

0
55

ભુજ: કરાંચીથી 1600 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે નિકળેલા પાકિસ્તાની શખ્સોએ ભારતની સુરક્ષા એજન્સીની ચુંગાલમાં ફસાતા પહેલાં 136 પેકેટ દરિયાની અંદર ફેંકી દીધા હતા. આ પેકટ શોધવા માટે દરિયાઇ વિસ્તારમાં જારી મથામણ ચાલી રહી છે. ત્યારે દરિયામાં ફેંકાયેલા પેકેટોને શોધવા માટે પોલીસ, કોસ્ટ ગાર્ડ અને બીએસએફ દ્વારા જોઈન્ટ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
સવારથી સર્ચ ઓપરેશન: સ્થાનિક પોલીસ, બીએસએફ અને કોસ્ટ ગાર્ડ દ્વારા ક્રિક વિસ્તારના 5થી 7 કિમી વિસ્તારને વિભાજીત કરીને જોઈન્ટ સર્ચ ઓપરેશન કામગીરી સવારે સાડા 6 વાગ્યાથી આરંભાયું છે. સર્ચ ઓપરેશન મોડી રાત સુધી ચાલવાની ધારણા છે. સર્ચ ઓપરેશનમાં કોસ્ટ ગાર્ડ અને બીએસએફના જહાજોનો ઉપયોગ થઈ રહ્યો છે.
શનિવારે પણ એક પેકેટ મળ્યું હતું: ચોથા દિવસે પેકેટ મળવાનો સીલસીલો યથાવત રહ્યો હતો. શનિવારે બોર્ડર સિક્યોરીટી ફોર્સની 108 બટાલીયનના જવાનોને કોટેશ્વર ક્રીક પાસેથી ડ્રગ્સનું એક પેકેટ મળ્યું હતું. જોકે હજુ પેકેટ મળ્યા બાબતે નારાયણ સરોવર પોલીસે કોઇ નોંધ લખાવાઇ નથી અને બીએસએફનું ક્રિક વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ જારી છે. જે 123 પેકેટ હજુ મળવાના બાકી છે તેમાંથી હજુ વધુ કેટલાક પેકેટ મળવાની સંભાવનાને સુરક્ષા ક્ષેત્રના જાણકારો નકારતા નથી.
ભરતી સમયે સામાન ક્રિક ખૂંચી જાય છે: દરિયામાં ભરતી હોય ત્યારે સામાન ક્રિકમાં ખુંચી જતો હોય છે અને ઓટ હોય ત્યારે ચેરિયાના જંગલમાં ફસાઇ જાય છે જે શોધવા સુરક્ષા દળના જવાનોને ભારે મહેનત કરવી પડતી હોય છે. ત્યારે સમગ્ર ક્રિક વિસ્તારને તલાશી અભિયાનમાં આવરી લેવાશે તેવું સુત્રો જણાવી રહ્યા છે.
પાકિસ્તાની માછીમારોએ પણ ડ્રગ્સની શોધખોળ આદરી: કિંમતી માછલીઓ પકડવાની લ્હાયમાં ઈન્ટરનેશનલ મરીન બાઉન્ડરી લાઈન (IMBL)માં ઘૂસીને માછીમારી કરતાં હોય છે. ત્યારે માછીમારોએ હવે માછલીઓ પકડવાની સાથે ડ્રગ્સના પેકેટ શોધતા નજરે પડતા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here