કચ્છ : હરામીનાળાથી બોટ સાથે પકડાયેલા બે પાકિસ્તાની ઘૂસણખોરોને પોલીસ હવાલે કરાયા

0
11

નારાયણ સરોવર: કચ્છના જખૌ પાસેના દરિયામાં કરોડોનું ડ્રગ્સ પકડાવાના પગલે દરિયાઇ અને જમીની સરહદ પર હાઇ એલર્ટ છે. તેવામાં જ હરામીનાળા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બીએસએફએ એક બોટ સાથે બે પાકિસ્તાની ઘૂસણખોરને પકડી પાડ્યા હતા. તો અગાઉની જેમ સાતથી આઠ પાકિસ્તાનીઓ ભાગી ગયા હતા. ત્યારે પકડાયેલા બંને ઘૂસણખોરોને દયાપર પોલીસને હવાલે કરાયા હતા. પોલીસે બંનેની વિધિવત ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ઘૂસણખોરી વધી: કેટલાક મહિનાથી કચ્છ સરહદે પાકિસ્તાની ઘૂસણખોર પકડાવાની ઘટનાઓમાં વધારો થયો છે. તેવામાં દરિયામાં ડ્રગ્સના બનાવના કારણે સરહદ પર હાઇઅલર્ટ રાખવામાં આવ્યું છે. ગુરૂવારે બપોરે બીએસએફના જવાનો પેટ્રોલિંગમાં હતા. ત્યારે 79 બટાલીયને પાકિસ્તાની બોટની મુવમેન્ટ જણાઇ હતી. હરકતમાં આવેલી બીએસએફએ તાત્કાલિક એક બોટને પકડી પાડી હતી. જેમાંથી બે પાકિસ્તાની ઘૂસણખોર મળી આવ્યા હતા. અહીંથી પાકિસ્તાન બિલકુલ નજીક હોવાથી બાકીના ઘૂસણખોરોને ભાગવામાં સફળતા મળી હતી. તપાસમાં પકડાયેલા શખ્સોના નામ લોગ મોહમ્મદ બલુ મોહમ્મદ ઉર્ફ લાઉંગ (ઉ.વ.35) તથા રાયબઅલી રહીમઅલી ઉર્ફ રિયાબ (ઉ.વ.15) રહે બન્ને જીરો પોઇન્ટ વિલેજ, પાકિસ્તાન) હોવાનું બહાર આવ્યું છે.

આ પહેલા પણ બે પકડાયા હતા: ગત તા.20/5ના પણ બીએસએફએ એક બોટ અને બે પાકિસ્તાનીઓને પકડી પાડ્યા હતા. ત્યારે પણ 9 પાકિસ્તાની ભાગી ગયા હતા. તેવામાં 10 દિવસમાં બીજી વખત ઘૂસણખોરી પકડાઇ છે. પકડાયેલા પાકિસ્તાનીઓની બોટની તલાશી લીધા બાદ કોઇ શંકાસ્પદ સામગ્રી મળી નથી. માછીમારીનો સામાન મળી આવ્યો છે. જે સામાન કસ્ટમને સોંપવામાં આવશે. બીએસએફ હાલ આ ઘૂસણખોરોની પૂછપરછ કરી રહી છે. શુક્રવારે સવારે દયાપર પોલીસ મથકને સોંપવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here