Tuesday, December 7, 2021
Homeકદાવર પાટીદાર નેતા નીતિનભાઈ પટેલની શું પડતીની શરૂઆત? જુઓ આ ફોટોગ્રાફ
Array

કદાવર પાટીદાર નેતા નીતિનભાઈ પટેલની શું પડતીની શરૂઆત? જુઓ આ ફોટોગ્રાફ

આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત ગ્લોબલ ટ્રેડ શૉ દ્વારા ગુજરાત ભલે વિકાસના સોપાનો સર કરે પણ ગુજરાતના એક કદાવર નેતાને તેમનું કદ દેખાડી દીધું છે. આ છે પાટીદાર નેતા નીતિનભાઈ પટેલ. જેઓ આજે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી ભલે હોય પણ આજે તે સાબિત થઈ ગયું છે કે આ પાટીદાર નેતાની પડતી શરૂ થઈ ગઈ છે. સરકારે સવર્ણો માટે 10 ટકા અનામત જાહેર કરી દીધા હાજ આ પાટીદાર નેતાની જરૂર ન હોય તેમ આ પાટીદાર કદાવર નેતાને ચા માંથી માખી કાઢીને નાખી દેવામાં આવે તેમ નાખી દેવામાં આવ્યા છે. નીતિનભાઈ પટેલે હવે સમજી લેવાની જરૂર છે. ભાજપના સંકટ મોચક હોવા છતાં ભાજપે આ ગ્લોબલ ટ્રેડ શોમાં તેમનો એકડો કાઢી નાખ્યો છે.

મોદી અને રૂપાણી બેઠા પણ નીતિનભાઈની અવગણના કરાઈ

ઇલેક્ટ્રીક ગાડીમાં ફક્ત મોદી અને રૂપાણી જ બેઠા

સૌ પ્રથમ વીએસ હોસ્પિટલમાં તેમનું આમંત્રણ પત્રિકામાં નામ ન હોવાનો કડવો ઘૂટ પી જનારા નીતિનભાઈ ભલે બચાવ કરી રહ્યાં હોય પણ મોદી ગુજરાતમાં આવ્યા ત્યારે એરપોર્ટમાં તેમની હાજરી ઘણાને ખૂંચી હતી. મોદી ગુજરાતમાં ક્યાંય પણ હોય ત્યાં સૌ પ્રથમ પહોંચી જતાં નીતિનભાઈ આજે અેરપોર્ટ પર પણ બાકાત હતા. મોદી ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ધઘાટન કરવા માટે રવાના થયા ત્યારે ઇલેક્ટ્રીક ગાડીમાં ફક્ત મોદી અને રૂપાણી જ બેઠા હતા. નીતિનભાઈને એકલા છોડી દેવાયા હતા. આખરે એક અધિકારી સાથે વાતો કરતા કરતા નીતિનભાઈ બહાર નીકળી ગયા. આ દર્શાવે છે કે તેમને કદ પ્રમાણે ભાજપ વેતરી રહ્યું છે. ભાજપની આ સ્ટાઇલ છે. નીતિનભાઈને અહેસાસ છે પણ તેઓ ચૂપચાપ બેઠા છે. આજે તેમનું અપમાન કરવામાં થોડી પણ કચાશ ન રખાઈ હોય તેવું કહેવું પણ યોગ્ય લેખાશે. નીતિનભાઈ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે. જેમનું કદ પણ ગુજરાતમાં ઊંચું હોવા છતાં તેમને કોરાણે મૂકાઈ દેવાયા હોય તેવી સ્થિતિ છે.

પીએમ મોદીને એરપોર્ટ પર રીસિવ કરવા માટે ન આવ્યા

ભાજપ દ્વારા સતત કરાઈ રહી હોવાનું પણ સર્વવિદીત

ગુજરાતમાં વિજય રૂપાણી અને નીતિન પટેલ વચ્ચે રાજકીય અંતર વધતું હોવાનું પક્ષના નેતાઓ, મંત્રીઓ અને અધિકારીઓ પણ જાણી ચૂક્યા છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી જાહેરમાં અેકબીજાનો બચાવ કરી રહ્યાં છે પણ તેમની નારાજગી હવે અામ પ્રજા વચ્ચે પણ છૂપી રહી નથી. નીતિનભાઈ પટેલ હાલમાં ભાજપની મજબૂરી છે કે ભાજપ પાસે વિકલ્પનો અભાવ છે. નીતિનભાઈ પણ અપમાનના ઘૂંટડા સહન કરીને ભાજપ સાથે જોડાઈ રહ્યાં છે.

એકલા પડતાં અધિકારીએ આપ્યો ચાલવામાં સાથ

કડીના ધારાસભ્યમાંથી મહેસાણાને હોમગ્રાઉન્ડ બનાવી હાલમાં રાજ્યમાં ઉચ્ચસ્થ પદે બીરાજતા નીતિનભાઈ માટે સોનેરી સમય છે પણ તેમની અવગણના ભાજપ દ્વારા સતત કરાઈ રહી હોવાનું પણ સર્વવિદીત છે. અામ છતાં અેક પાયાના કાર્યકરની જેમ નીતિનભાઈ ભાજપ સાથે જોડાઈ રહ્યાં છે. દર વખતે નારાજગીના સમાચાર વચ્ચે નીતિનભાઈ મીડિયામાં અાવીને ખુલાસો કરી દે છે. નીતિનભાઈ અે મીડિયાપ્રેમી માણસ હોવાથી હાર્દિક પણ અા બાબતે અનેકવાર જાહેરમાં ટોન્ટ મારી ચૂકયો છે. અમિતશાહને પણ નીતિનભાઈ સાથે ખાસ પ્રેમ ન હોવા છતાં પણ નીતિનભાઈને સાચવવા પાછળ પણ ઘણા કારણો છે.

નીતિનભાઈનું આમંત્રણ પત્રિકામાં નામ કપાયું

ગુજરાતમાં પાટીદાર એ મહત્વનું ફેક્ટર છે. નીતિનભાઈ પટેલ એ પાટીદાર નેતા ગણાય છે. હાર્દિકને એ ભલે નીતિનભાઈની અવગણના કરે પણ આજે પણ પાટીદારોમાં નીતિનભાઈનો પડ્યો બોલ ઝિલાય છે. ભાજપ પાસે પાટીદારો સામે આગળ કરી દેવાનું નીતિનભાઈ શસ્ત્ર છે. પાટીદાર આદોલન સમયે નીતિનભાઈનો ભાજપે ઘણો ઉપયોગ કર્યો છે. આનંદીબેનનું પણ પાટીદાર સમાજમાં ઘણું વર્ચસ્વ છે. તેમને પણ અમિતશાહ સાથે બારમો ચંદરમાં હોવાનું જગજાહેર છે. અમિતશાહની અવગણના છતાં નીતિનભાઈએ ભાજપનું પલ્લું પકડી રાખ્યું છે. ભાજપ પણ સારી રીતે જાણે છે કે, પાટીદાર આદોલન સામે બોલે તેવો એક માત્ર નેતા એ નીતિનભાઈ છે. ભાજપ આતરિક ગૂંચવણોમાં પ્રદિપસિંહ અને ભૂપેન્દ્રસિંહનો ઉપયોગ કરે છે પણ પાટીદારોના પ્રશ્ને નીતિનભાઇને આગળ કરાય છે. આમ જ્યાં સુધી પાટીદાર આદોલન ચાલુ છે. ત્યાં સુધી ભાજપ પાસે પણ નીતિનભાઈનો કોઈ ઓપ્શન નથી.
ગુજરાતમાં આનંદીબેન પટેલની સરકાર ગયા બાદ નવા મુખ્યમંત્રીની શોધ ચાલી રહી હતી. આ સમયે છેલ્લી ઘડી સુધી મુખ્યમંત્રી તરીકે નીતિન પટેલનું નામ ફાઇનલ હતું. પરંતુ દિલ્હીથી એવા પાસા પલટાયા કે છેલ્લા થોડાક જ કલાકોમાં નીતિન પટેલના બદલે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવી દેવાયા. નીતિનભાઈ પટેલ નારાજ ન થાય એટલે તેમને નાયબ મુખ્યમંત્રી બનાવી દેવાયા. એ સમયે પણ સૌ કોઈ આશ્ચર્યમાં પડી ગયા અને સમર્થકો ખૂબ નારાજ થઈ ગયા હતા. તે સમયે પણ નીતિન પટેલને અપમાનનો કડવો ઘૂંટડો પીવો પડ્યો હતો. આમ છતાં નીતિનભાઈએ આ અપમાનને સહન કરી લીધું હતું.
2017માં ગુજરાતમાં ફરીથી રૂપાણી સરકાર બની ત્યારે ભાજપના સિનિયર નેતા અને વર્ષોથી મંત્રી પદે રહી ચૂકેલા નીતિન પટેલને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પરંતુ તેમને નાણાં ખાતું ન આપતા નીતિન પટેલ નારાજ થઈ ગયા અને તે સમયે પણ તેમને અપમાન સહન કરવું પડ્યું હતું. પરંતુ પક્ષના કેટલાક નેતાઓની સમજાવટ બાદ નીતિન પટેલને નાણાં ખાતું આપવામાં આવ્યું હતું. આ સમયે નીતિનભાઈની નારાજગી એટલી હદે એ હતી કે તેઓ નવાજૂની કરે તે પૂર્વે ભાજપે શાનમાં સમજીને ખાતાની ફાળવણી કરી દીધી. આમ છતાં આજે પણ નીતિનભાઈના ખાતા વિજય રૂપાણી પાસે છે પણ નીતિનભાઈ ચૂપચાપ છે.
અપમાનના બે-બે ઘૂંટડાઓ પી ગયા બાદ તાજેતરમાં ફરીવાર નીતિન પટેલને આ જ રીતે વધુ એક અપમાન સહન કરવું પડ્યું છે. 26 જૂનના રોજ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈઝરાયેલના પ્રવાસે ગયા, ત્યારે તેમને કાર્યકારી મુખ્યમંત્રીનો ચાર્જ સોંપવામાં આવ્યો નહોતો. સામાન્ય રીતે મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ દરમિયાન કાર્યકારી મુખ્યમંત્રી પદ નાયબ મુખ્યમંત્રીને સોંપવામાં આવે છે પરંતુ રૂપાણીએ મુખ્યમંત્રી પદ નીતિન પટેલને સોંપવાને બદલે માત્ર છ દિવસ માટે વધારાના ત્રણ ખાતા આપીને રવાના થઇ ગયા છે. આમ 6 દિવસના મુખ્યમંત્રી બનાવવામાં પણ ભાજપ અને રૂપાણી તૈયાર ન થયા. આમ છતાં રૂપાણી સરકારના શાસનમાં અપમાન સહન કરી રહેલા નીતિન પટેલ સામે ભાજપના કાર્યકરો પણ વિચારી રહ્યા છે કે, આગામી દિવસોમાં નીતિનભાઇ પટેલ કંઈક નવાજૂની કરશે કે પછી હજુ પણ આ સરકારમાં સાથે રહીને અપમાનના ઘૂંટડાઓ પીતા જ રહેશે.
હાલમાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. પાટીદાર આદોલન અને પાટીદારોને નારાજ કરવા ભાજપને પણ પોષાય તેમ નથી. નીતિનભાઈ એ પાટીદાર નેતા છે. એટલે હાલમાં ભાજપ પાસે પણ નીતિનભાઈ સિવાય વિકલ્પ નથી કે નીતિનભાઈ પાસે પણ ભાજપ સામે પોતાનું ધાર્યું કરાવવાનું કોઈ કારણ નથી કારણ કે નાયબ મુખ્યમંત્રીનું પદ એ નીતીનભાઈ માટે નીચું તો નથી જ…..

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments