કરન સિંહ ગ્રોવર છ વર્ષ બાદ ટીવીમાં પરત ફરશે, ‘કસૌટી જિંદગી કી 2’માં મિસ્ટર બજાજ બનશે

0
47

મુંબઈઃ બોલિવૂડ તથા ટીવી એક્ટર કરન સિંહ ગ્રોવર છેલ્લાં છ વર્ષથી ટીવી પર જોવા મળ્યો નથી. ચર્ચા છે કે હવે તે ટૂંક સમયમાં જ ટીવી પર જોવા મળશે. એકતા કપૂરની ટીવી સિરિયલ ‘કસૌટી જિંદગી કી 2’માં મિસ્ટર બજાજના રોલમાં જોવા મળી શકે છે. ઉલ્લેખનીય છે કે ‘કસૌટી જિંદગી કી’માં મિસ્ટર બજાજનો રોલ ટીવી એક્ટર રોનિત રોયે પ્લે કર્યો હતો.

પહેલાં કરન વાહીને લેવામાં આવ્યો હતો
સૂત્રોના મતે, થોડાં દિવસો પહેલાં કરન વાહીએ ટીવી શો ‘ધ વોઈસ’ના કેટલાંક એપિસોડ શૂટ કર્યાં હતાં. આ એપિસોડથી ચેનલ ઘણી જ ઈમ્પ્રેસ થઈ હતી. ચેનલ ઈચ્છતી હતી કે મિસ્ટર બજાજના રોલમાં કરન વાહીને લેવામાં આવે. જોકે, શોની પ્રોડ્યૂસરને કરન વાહી ‘મિસ્ટર બજાજ’ના રોલમાં યોગ્ય લાગ્યો નહીં. ત્યારબાદ એકતા કપૂરે કરન સિંહ ગ્રોવરનો સંપર્ક કર્યો હતો.

કરન સિંહ ગ્રોવરે લુક ટેસ્ટ આપ્યો
ચર્ચા છે કે કરન સિંહ ગ્રોવરે એકતા કપૂરની પ્રપોઝલ સ્વીકારી લીધી છે અને લુક ટેસ્ટ પણ આપ્યો છે. લુક ટેસ્ટ એકતા કપૂર તથા ચેનલના અધિકારીઓને ઘણો જ પસંદ આવ્યો છે. જોકે, હજી સુધી કોઈ પણ પ્રકારના લીગલ પેપર્સ સાઈન કરવામાં આવ્યા નથી.

કરન સિંહ ગ્રોવર 2013માં ટીવી પર જોવા મળ્યો હતો
2013માં કરન સિરિયલ ‘કુબૂલ હૈં’માં અસદ અહેમદ ખાનનો રોલ પ્લે કરતો હતો. ત્યારબાદ કરન સિંહે ટીવીમાંથી બ્રેક લઈ બોલિવૂડમાં નસીબ અજમાવ્યું હતું. કરને ‘અલોન, ‘હેટ સ્ટોરી 3’, ‘3 દેવ’, ‘ફિરકી’ જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. હાલમાં જ કરન પ્રોડ્યૂસર એકતા કપૂરની વેબ સિરીઝ ‘બોસ-બાપ ઓફ સ્પેશિયલ સર્વિસ’માં જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2016માં કરન સિંહે બોલિવૂડ એક્ટ્રેસ બિપાશા બાસુ સાથે લગ્ન કર્યાં હતાં. કરનના આ ત્રીજા લગ્ન છે. આ પહેલાં કરને ટીવી એક્ટ્રેસ શ્રદ્ધા નિગમ તથા જેનિફર વિન્ગેટ સાથે લગ્ન કર્યાં હતાં.

‘કસૌટી..’માં લવ ટ્રાયએન્ગલ
‘કસૌટી જિંદગી કી 2’માં કોમોલિકા (હિના ખાન)નું મોત થતાં મિસ્ટર બજાજની એન્ટ્રી થશે. હવે, પ્રેરણા (એરિકા ફર્નાન્ડિઝ), અનુરાગ (પાર્થ સમથાન) તથા મિસ્ટર બજાજ વચ્ચેની લવ સ્ટોરી પર ફોક્સ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here