કાંકરિયા દુર્ઘટના : ઘાયલ કિશોરનો ડાબો પગ કાપવો પડ્યો, જમણામાં સળિયા નખાયા

0
0

અમદાવાદઃ કાંકરિયામાં રાઇડ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ કલોલના 15 વર્ષીય કિશોરની સોમવારે એલજી હોસ્પિટલનાં 8 ડોક્ટરોની ટીમે 4 કલાક સર્જરી કરી હતી. પરંતુ, દુ:ખની વાત એ છે કે, કિશોરનો જીવ બચાવવા માટે ડોક્ટરોએ તેનો ડાબો પગ કાપવો પડ્યો છે. જ્યારે જમણા પગની સર્જરી કરી સળિયા નાખ્યા છે.

એલજીના એક ઉચ્ચ અધિકારીએ નામ નહીં લખવાની શરતે જણાવ્યું કે, રવિવારની દુર્ઘટનામાં કલોલના ભાવસાર પરિવારનો એક માત્ર પુત્ર તીર્થ, બહેન બીજલ અને રૂપાંગી સોમાણીને ઇજા થઇ હતી. તીર્થનો ડાબા પગનો ઘૂંટણથી નીચેનો ભાગ છૂંદાઇ ગયો હતો, અને જમણા પગે પણ ફ્રેક્ચર તેમજ માથા અને છાતીમાં ગંભીર ઇજા થઇ હતી.

તીર્થના પગમાંથી વધુ પડતું લોહી વહી જતાં પલ્સ પણ પકડાતી ન હતી. તેને વેન્ટિલેટર પર રાખીને 8 ડોક્ટરોની ટીમે જહેમત કર્યા પછી રાત્રે 12.30 કલાક બાદ તેની પલ્સ આવી હતી. પરંતુ પગમાંથી વહેતું લોહી રોકવા 4 કલાકની સર્જરી બાદ તીર્થ થોડો પ્રતિભાવ આપતો થયો છે, પણ હજુ 48 કલાક તેના માટે ક્રિટિકલ ગણાય. તે ઓપરેશન ટેબલ પર મૃત્યુ પામવાની શક્યતા 90 ટકા હતી.

સત્તાધીશોની બેદરકારી, નિર્દોષ લોકોના મોત અને ઈજાનું કારણ બની
કાંકરિયા દુર્ઘટનામાં 2નાં મોત પાછળ પૂર્વ કોર્પોરેટરનો દીકરો, ભાઈ અને તેના પુત્ર તેમજ કર્મચારીઓ સામે બેદરકારીનો ગુનો નોંધ્યો છે પણ આ રાઈડના જરૂરી પ્રમાણપ્રત્ર આપનાર લેક ફ્રન્ટના ડાયરેક્ટર, આર એન્ડ ડી વિભાગના બે ઈજનેર પોલીસના લાઈસન્સ ખાતાના જવાબદાર અધિકારી અને મોનિટરિંગ નહીં કરનાર મેયર પણ એટલા જ જવાબદાર છે. આ તમામ જરૂરી પ્રમાણપત્રો ઈશ્યૂ કરી દીધા પરંતુ તેની ચકાસણીની કોઈ તસ્દી નહીં લેતા રવિવારે દુર્ઘટના બની.

બીજલ પટેલ,મેયર
બેદરકારી શું: 20 વર્ષની લીઝનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. જેમાં વાર્ષિક 10 ટકા નફો પણ મ્યુનિ. રળે છે. ત્યારે અેમ્યુઝમેન્ટ પાર્કની એકપણ રાઈડની ચકાસણી મ્યુનિ. દ્વારા કરાતી નથી.

ઘનશ્યામ પટેલ, એમ.ડી. સ્ટાર એમ્યુઝમેન્ટ 
બેદરકારી શું: તેઓ કંપનીના એમડી છે. દરેક રાઈડનું સમયાંતરે મેઈન્ટેનન્સ થાય છે કે નહીં તે જોવાની જવાબદારી તેમના માથે હોય છે પણ આ ઘટનામાં આ અંગે બેદરકારી દાખવી છે.

ભાવેશ પટેલ,સંચાલક એમ્યુઝમેન્ટ પાર્ક
બેદરકારી શું: સંચાલક તરીકેની જવાબદારીમાં તેણે પ્રત્યેક રાઈડમાં મુલાકાતી બેસે તે પહેલાં રાઈડની ચકાસણી કરવાની હોય છે. આ પછી સૂચનાના આધારે રાઈડ શરૂ કરાય છે.

આર.કે.શાહુ, ડાયરેકટર ઓફ ઝુ 
બેદરકારી શું: એમ્યુઝમેન્ટ પાર્કની દરેક રાઈડનો રિપોર્ટ 1થી 10 તારીખમાં ડાયરેક્ટર ઓફ ઝુને કોન્ટ્રાક્ટર સોંપે છે. આ કિસ્સામાં 6 તારીખે રિપોર્ટ સોંપ્યો હતો છતાં પણ તેને ધ્યાને લેવાયો નહતો.

યશ ઉર્ફે વિકાસ, ઓપરેટર, એમ્યુઝમેન્ટ 
બેદરકારી શું: રાઈડની મરામતની ખાતરી પછી ઓપેરટર રાઈડ શરૂ કરી શકે છે. રાઈડ સંપૂર્ણ ફીટ હોય તો જ મુલાકાતીને બેસાડી શકાય. ડિસ્કવરી અનફિટ હતી છતાં રાઈડ ચલાવાઈ.

કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ 
બેદરકારી શું: પાર્કની દરેક રાઈડના ફિટનેસ સર્ટિફિકેટ માર્ગ-મકાન વિભાગના નાયબ અને અધિક મદદનીશ ઈજનેર આપે છે. કાંકરિયામાં શરતો ભંગ થયા છતાં આ સર્ટિ ઈશ્યૂ કરાયું.

પોલીસ વિભાગ, લાઈસન્સ શાખા
બેદરકારી શું: માર્ગ-મકાન, ફાયરના સર્ટિફિકેટનો અભ્યાસ કરીને પોલીસની લાઈસન્સ શાખા પાર્કને લાઈસન્સ આપે છે. આ કિસ્સામાં શરતોનો ભંગ છતાં 1 વર્ષનું લાઈસન્સ ઈશ્યૂ કરાયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here