કાલુપુર શાકમાર્કેટની સમગ્ર કાયાપલટ થશે, બેઝમેન્ટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાશે

0
15

અમદાવાદ: અમદાવાદનું સૌથી મોટું હોલસેલ શાકમાર્કેટ એવું કાલુપુર શાકમાર્કેટ હવે સ્વચ્છ, સુવિધાપૂર્ણ અને શાંતિનું વાતાવરણ ધરાવતું આધુનિક શાકમાર્કેટ બનશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. કાલુપુર શાકમાર્કેટને આધુનિક બનાવ્યા બાદ તમામ ઝોનમાં એક આધુનિક શાકમાર્કેટ બનાવવામાં આવશે. આ સાથે બેઝમેન્ટ અને પાર્કિંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાશે.

વર્ષ 1960માં કોટ વિસ્તારના નાગરિકો માટે રાજ્ય સરકાર દ્વારા કાલુપુર શાકમાર્કેટ બનાવાયું હતું. સૌથી સસ્તું અને હોલસેલ માર્કેટ એવું કાલુપુર શાકમાર્કેટની વર્ષો જૂની પ્રતિષ્ઠા હોઇ શહેરભરમાંથી લોકો શાક ખરીદવા રોજેરોજ ઊમટે છે, જોકે આ શાકમાર્કેટમાં અન્ય શાકમાર્કેટની જેમ વેપારીઓ કે ગ્રાહકોને રોડ પર વાહન પાર્ક કરવા પડતાં હોઇ ટ્રાફિક જામની સમસ્યા પણ હંમેશાં હોય છે, તેમાં ગંદકી, રખડતાં ઢોરનો ત્રાસ પણ પરેશાની વધારે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાલુપુર શાકમાર્કેટની કાયાપલટ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં છે. કાલુપુર શાકમાર્કેટમાં તંત્ર દ્વારા ‘ટોટલ સ્ટેશન સર્વે’ હેઠળ અત્યાર સુધીમાં વિવિધ પુરાવાના આધારે 108 થડાને માન્ય કર્યા છે, જોકે કાલુપુર શાકમાર્કેટમાં પણ ગેરકાયદે થડાનું દૂષણ ફૂલ્યુંફાલ્યું છે. તંત્રના સર્વેની કામગીરી ચાલી રહી છે તેને જોતાં વધુ 150 થડા મળીને અંદાજે 258 થડાને મંજૂરી મળે શક્યતા છે.

કાલુપુર શાકમાર્કેટને હાઇજેનિક બનાવવાનું નક્કી કરાયું છે, જે હેઠળ શાકમાર્કેટમાં ખુલ્લી હવાની અવરજવરથી વાતાવરણ તાજગીભર્યું રહે, સ્વચ્છતા, પ્લાનિંગ સાથેના થડા બને, આંતરિક રસ્તા ડીબી પેવર વર્કથી અપટુડેટ બને, વેપારીઓ અને ગ્રાહકો માટે ટોઇલેટની સુવિધા ઉપલબ્ધ થાય, પાર્કિંગ જેવી બાબતોનો સમાવેશ કરતી ડિઝાઇન બનાવાશે. બિલ્ડિંગના બેઝમેન્ટમાં 250 ટુ વ્હિલર અને 30 ફોર વ્હિલરની પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાશે.

કાલુપુર શાકમાર્કેટની જગ્યા આશરે 8100 ચોરસ મીટર હોઇ સત્તાવાળાઓએ પાસેની તરુણ મિલ કમ્પાઉન્ડમાં આવેલી મ્યુનિસિપલ માલિકીની એલ આકારની આશરે 2000 ચોરસ મીટરની જગ્યા મળીને કુલ 10100 ચોરસ મીટર જગ્યામાં એલ આકારનું બેઝમેન્ટ વત્તા ગ્રાઉન્ડ ફલોક વત્તા પ્રથમ માળનું ભવ્ય બિલ્ડિંગ બનાવાશે. મધ્ય ઝોનના એડિશનલ સિટી ઇજનેર અમિત પટેલે જણાવ્યું હતું કે આધુનિક અને ગંદકી મુક્ત શાકમાર્કેટ બનાવવા કવાયત શરૂ કરવામાં આવી છે. વેપારી એસોસિએશન સાથે મળીને એસ્ટેટ વિભાગ દ્વારા આયોજન કરી ડિઝાઇન તૈયાર કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here