કાલુપુર સ્વામી.મંદિરના હિસાબના ગોટાળા મુદ્દે બબાલ, આચાર્ય કૌશલેન્દ્ર સહિત 3 સામે ટ્રસ્ટીને માર મારવાની ફરિયાદ

0
66

અમદાવાદ: કાલુપુર સ્વામીનારાયણ મંદિરના હિસાબોના ગોટાળા મુદ્દે રવિવારે મળેલી ટ્રસ્ટીઓની બેઠકમાં સંસ્થાના ટ્રસ્ટી ગાંડાભાઈ પટેલને માર મારતા આ અંગે કાલુપુરમાં આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદ સહિત 3 સામે પોલીસ ફરિયાદ થઈ છે.

ત્રણ સામે કાલુપુરમાં ટ્રસ્ટીએ પોલીસ ફરિયાદ કરી
સમગ્ર ઘટના અંગે કાલુપુર પીઆઈ આર.જી. દેસાઈએ જણાવ્યું કે, ‘ગાંધીનગરના માણસા તાલુકાના ગુલાબપુરાના રહેવાસી ગાંડાભાઇ નારણદાસ પટેલ(66) માણસામાં સહજાનંદ ડેરી ફાર્મ ધરાવે છે અને તેઓ કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં ટ્રસ્ટી પણ છે.
રવિવારે સવારે મંદિરના હિસાબ બાબતે મળેલી મિટિંગમાં ગાંડાભાઇ હાજર રહ્યા હતા. લગભગ 9 વાગ્યે ગાંડાભાઇએ હિસાબમાં ગોટાળા બાબતે વિરોધ કરતા કૌશલેન્દ્રપ્રસાદ તેજેન્દ્રપ્રસાદ પાંડે, ચીમનભાઇ અને મનીષભાઇએ તેમની સાથે ઝઘડો કર્યો હતો.
ત્યારબાદ તેઓ બહારથી 6થી 7 માણસોને બોલાવીને અંદર લાવ્યા હતા. તે માણસોએ ભેગા મળીને ગાંડાભાઇને લાતો – ફેંટો તેમજ ગડદાપાટુનો માર માર્યો હતો.
તેમજ ટીંગાટોળી કરીને મંદિરની બહાર લઇ ગયા હતા અને ત્યાં પણ માર માર્યો હતો. જેથી ગાંડાભાઇ બેભાન થઇ જતા તેમને 108માં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા હતા.
હોસ્પિટલમાંથી મળેલા સંદેશાના આધારે અમે ત્યાં પહોંચ્યા હતા. જ્યાં ગાંડાભાઇએ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે ગુનો નોંધી જરૂરી પુરાવા એકત્રિત કરવા તજવીજ શરૂ કરી છે.
આ ઘટનામાં કોઈની ધરપકડ કરાઈ નથી. જરૂરી પુરાવા મળ્યા બાદ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here