Monday, January 24, 2022
Homeકાલે નરેન્દ્ર મોદી જામનગરમાં, સભા સ્થળે પોલીસ દ્વારા અભેદ્ય કિલ્લેબંધી
Array

કાલે નરેન્દ્ર મોદી જામનગરમાં, સભા સ્થળે પોલીસ દ્વારા અભેદ્ય કિલ્લેબંધી

જામનગર: જામનગરમાં સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને પગલે જિલ્લા વહીવટી તંત્ર સાથે પોલીસ તંત્ર પણ વ્યસ્ત બન્યુ છે. શહેરમાં જી.જી.હોસ્પીટલ પટાંગણ ઉપરાંત પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના સભા સ્થળે પોલીસ દ્વારા અભેદ્ય કિલ્લેબંધી ગોઠવવામાં આવી રહી છે. વડાપ્રધાનની જામનગરની મુલાકાતના પગલે રેન્જ આઇજી ઉપરાંત પાંચ જિલ્લાના એસ.પી. સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપરાંત કર્મચારીઓ, સીઆરપીએફ, હોમગાર્ડઝ જવાનો સહિતના ધાડા ઉતારીને ચૂસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવી રહ્યો છે. જ્યારે એસપીજી ટુકડીનું પણ જામનગરમાં આગમન થયું છે.

ડી-સેલીનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાશે

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જામનગરની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ દ્વારા જી.જી.હોસ્પીટલ ખાતે નવા બિલ્ડીંગ, રેડીયોલોજી વિભાગ ઉપરાંત આજી-3થી જામનગર સુધીની પાઇપ લાઇન યોજના સહિતના વિવિધ કામોનું લોકાર્પણ કરવામાં આવશે. 10 કરોડ લીટર પ્રતિદિન ક્ષમતાનો ડી-સેલીનેશન પ્લાન્ટ જામનગર જિલ્લાના જોડીયા ગામ ખાતે સ્થપાશે જેનું ખાતમુહૂર્ત મોદીના હસ્તે કરવામાં આવશે. જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમોના જુદા જુદા સ્થળો ખાતે આજે ફાઇનલ રીહર્સલ યોજાનાર છે. જામનગરમાં છેલ્લા બે દિવસથી પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્તની ફાળવણી સહિતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
કાર્યક્રમ સ્થળ પોલીસ છાવણીમાં ફેરવાયું
જામનગરમાં વડાપ્રધાનના કાર્યક્રમો સ્થળ પૈકી જી.જી.હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે. એસ.પી., ડીવાયએસપી, પી.આઇ. પીએસઆઇ સહિતના અધિકારી ઉપરાંત દોઢસો જેટલા પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત જાળવશે. જ્યારે પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના સભા સ્થળ ખાતે જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર સહિત પાંચ જિલ્લાના એસ.પી. સહિતના ઉચ્ચ અધિકારી રેન્જ આઇજી સંદિપસિંઘના માર્ગદર્શન હેઠળ બંદોબસ્તની બાગડોળ સંભાળશે. જેમાં પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડઝ જવાન સહિત સાડા સાતસોથી વધુનો કાફલો જોડાશે એવું સુત્રોએ જણાવ્યું છે. જ્યારે એસપીજીની ટીમ પણ તૈનાત રહેશે.
એસપીજીના કમાન્ડોએ સ્થળ નિરીક્ષણ કર્યું
જામનગરમાં વડાપ્રધાનની મુલાકાતને અનુલક્ષીને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એસપીજીના કમાન્ડોની ટુકડી પણ અત્રે આવી પહોંચી હતી. જે દિલ્હીથી આવેલા એસપીજી કમાન્ડોએ જી.જી.હોસ્પીટલ ઉપરાંત પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતેના સભા સ્થળની મુલાકાત લઇને સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular