વર્ષ 2013માં ઉત્તરાખંડમાં આવેલા સંકટે સમગ્ર કેદારનાથ ખીણને બરબાદ કરી દીધી હતી. ત્યારપછી સરકાર અને સ્થાનિક લોકોએ આગળ આવીને કેદારનાથ ખીણને ફરી બેઠી તો કરી પરંતુ છ વર્ષ પછી ફરી કેદારનાથ પર સંકટ જોવા મળી રહ્યું છે.
હકીકતમાં 2013માં કેદારનાથ સંકટનું મુખ્ય કારણ બનેલું ચોરાબાડી તળાવ ફરી પુન:જીવીત થયુ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વાડિયા ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, ચોરાબાડી તળાવ ફરી ડેવલપ થઈ રહ્યું છે. ત્યારપછી એક ટીમ તળાવની તપાસ કરવા રવાના થઈ હતી.
જોકે વાડિયા ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોએ એવું પણ કહ્યું છે કે, જે નવુ તળાવ બન્યું છે તે ચોરાબાડી તળાવ નથી. જે તળાવ સર્જાયું હોવાની માહિતી મળી છે તે કેદારનાથ મંદિરથી 5 કિમી ઉપર છે જ્યારે ચોરાબાડી તળાવ કે જેનાથી કેદારનાથ બરબાદ થયું હતું તે મંદિરથી 2 કિલોમીટર ઉપર હતું.
વાડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ હિમાલય જિયોલોજીના ભૂવૈજ્ઞાનિક ડૉ.ડી.પી ડોભાલે જણાવ્યું કે, થોડા દિવસ પહેલાં રુદ્રપ્રયાગ જિલ્લા પ્રશાસને અમને માહિતી આપી તે પછી અમુક લોકો કેદારનાથથી 5 કિમી ઉપર ગયા હતા. જ્યાં ગ્લેશિયર વચ્ચે એક તળાવ બન્યું હોવાની માહિતી મળી છે. પરંતુ જે તળાવ બન્યું હોવાની વાત છે તે ચોરાબાડી નથી.
વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, કેદારનાથ મંદિરથી ભલે 5 કિલોમીટર ઉપર આ તળાવ બન્યું હોય. પરંતુ તળાવ 2 કિમી ઉપર હોય કે 5 કિમી ઉપર જોખમ તો વર્ષ 2013 જેટલું જ છે. તેથી ચોમાસામાં કોઈ સંકટ ન આવે તે માટે અત્યારથી જ કોઈ જરૂરી પગલાં લઈ લેવા જોઈએ.
આ નવા તળાવ વિશે સૌથી પહેલાં કેદારનાથ ધામમાં સ્વાસ્થ્ય કેમ્પ ચલાવતા ડોક્ટરને જાણ થઈ હતી. તેમણે દાવો કર્યો હતો કે, કેદારનાથ ધામથી 5 કિમી ઉપર ગ્લેશિયરમાં એક તળાવ બની રહ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ચોરાબાડી તળાવના બીજા ભાગમાં એક નવું તળાવ આકાર લઈ રહ્યું છે અને તે ધીમે ધીમે મોટું થઈ રહ્યું છે. નોંધનીય છે કે ચોરાબાડી તળાવને ગાંધી સરોવર પણ કહેવામાં આવે છે. આ તળાવ ઉત્તરાખંડમાં વર્ષ 2013માં થયેલી બરબાદીનું મોટું કારણ બન્યું હતું. જોકે ડિઝાસ્ટર પછી આ તળાવ ગાયબ થઈ ગયું હતું અને તે વિસ્તાર સમતળ જોવા મળ્યો હતો.
જે ડોક્ટરે અહીં તળાવ બન્યું હોવાની માહિતી આપી હતી તેમણે 16 જૂનના રોજ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ, પોલીસ અને જિલ્લા પ્રશાસનની એક ટીમ સાથે આ તળાવની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે જોયું હતું કે તળાવમાં પાણી ભરાઈ ગયું છે અને હાલના સમયે તળાવ લગભગ 250 મીટર લાંબુ અને 150 મીટર પહોંળુ છે. એક્સપર્ટની ટીમના જણાવ્યા પ્રમાણે વરસાદ, બરફ ઓગળવાના કારણે અને હિમસ્ખલનના કારણે તળાવમાં પાણી ભરાયું હોવાનું માનવામાં આવે છે.