કેન્દ્ર સરકારની નિતીઓના વિરોધમાં ટ્રેડ યુનિયનોની બે દિવસની હડતાળ, વડોદરામાં નીકળી વિશાળ રેલી

0
48

વડોદરા: કેન્દ્ર સરકારની નિતીઓના વિરોધમાં આજે એક સાથે ટ્રેડ યુનિયનો, બેંકો, પોસ્ટ વિભાગ અને ઇન્કમટેક્ષ વિભાગના કર્મચારીઓએ બે દિવસ હડતાળ પાડીને સરકાર સામે મોરચો માંડ્યો છે. ટ્રેડ યુનિયન અને સયાજી હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી.

સંયુક્ત કામદાર સમિતિના નેજા હેઠળ વડોદરા શહેરના ગાંધીનગર ગૃહથી કામદારોની વિશાળ રેલી નીકળી હતી. આ રેલીમાં ઇન્ટુક, આઇટુક, સીટુ, એચ.એમ.એસ., ઉટુક સહિતના 10 જેટલા સંગઠનોના કર્મચારીઓ બેનર્સ અને પોસ્ટર્સ સાથે જોડાયા હતા. વડોદરાના માર્ગો પર નીકળેલી વિશાળ રેલીના પગલે ટ્રાફિક વ્યવહારને અસર થઇ હતી. ગાંધીનગર ગૃહથી નીકળેલી રેલી કલેક્ટર કચેરી ખાતે રેલી પહોંચ્યા બાદ સંગઠનો દ્વારા પડતર માંગણીઓનો ત્વરીત નિકાલ લાવવાની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપ્યું હતું.

સંગઠનો દ્વારા ભાવ વધારો નાથવા માટેના પગલા લેવા, કોમોડિટી માર્કેટમાં સટ્ટાખોરી બંધ કરવા, રોજગારી માટે પગલાં ભરવા, કામદારોને સામાજિક સુરક્ષા પૂરી પાડવી, કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવી, કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કર્મચારીઓ જેટલો પગાર આપવો જેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી છે.

ઇન્કમટેક્ષના 300 જેટલા કર્મચારીઓ પણ પોતાની પડતર માંગણીઓ સાથે દેશવ્યાપી હડતાળમાં જોડાયા હતા. ઇન્કમટેક્ષ કચેરી ખાતે કર્મચારીઓ દ્વારા સરકાર વિરોધી દેખાવો અને સૂત્રોચ્ચારો કરવામાં આવ્યા હતા. ઇન્કમટેક્ષ વિભાગના કર્મચારીઓ દ્વારા નવી પેન્શન નિતી રદ્દ કરવા, જુની પેન્શન નિતી ચાલુ રાખવા, પ્રાદેશિક સ્તરે ભરતી કરવા જેવા પ્રશ્નો હલ કરવા માંગણી કરવામાં આવી છે.

દેશવ્યાપી બે દિવસીય હડતાળમાં એસ.બી.આઇ., બી.ઓ.બી., અને આઇ.ઓ.બી.ને બાદ કરતા વિજય બેંક, દેના બેંક બી.ઓ.આઇ. બેંક ઓફ ઇન્ડિયા, ઓરીએન્ટલ બેંક સહિત જાહેર ક્ષેત્રની 15 બેંકોના કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. બેંક કર્મચારીઓની હડતાળને પગલે ગ્રાહકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.

ઇન્ટુકના પ્રમુખ નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સામે મજૂરો, કર્મચારીઓનો રોષ વધી રહ્યો છે. વિવિધ 12 માંગણીઓ સાથે કર્મચારી સંગઠનો આજથી બે દિવસની હડતાળ ઉપર ઉતર્યા છે. સરકારે સત્તા મેળવવા માટે જે વચનો આપ્યા હતા. તે તમામ વચનો ઠાલા પુરવાર થઇ રહ્યા છે. બેરોજગાર યુવાનોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ખેડૂતો પરેશાન છે. શિક્ષણમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. સરકાર તમામ મોરચે નિષ્ફળ પુરવાર થઇ હોવાથી આજે સંગઠનોને સરકાર સામે બાયો ચઢાવવાનો વખત આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here