કેમિકલનું પ્રદૂષિત પાણી સીધાં ગટરમાં ઠાલવવાનું વ્યાપક કૌભાંડ

0
97

છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં ઓઢવ ગેસ ગળતર કાંડ ગાજી રહ્યો છે. પ્રિ મોન્સૂન એકશન પ્લાન હેઠળ ટાંકાની સફાઇ દરમ્યાન કેમિકલયુક્ત પાણીનાં કારણે ગેસ ગળતરથી ચાર મજૂરોનાં સ્થળ પર મોત નીપજ્યાં હતાં. આ મામલે જોકે તંત્ર રાબેતા મુજબ કોન્ટ્રાકટરને છાવરી રહ્યું હોઇ તેનો વિવાદ ઉગ્ર બન્યો છે.

આ સંજોગોમાં અમદાવાદ-વડોદરા એકસપ્રેસ-વે પાસેની નરોડાથી નારોલ જતી ગટરની મેઇન ટ્રંક લાઇનમાં આજે સવારે ભંગાણ પડતાં કેમિકલવાળાં પાણી ફરી વળતાં આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચ્યો છે. ઉદ્યોગોના હાનિકારક કેમિકલવાળાં પાણી બિન્ધાસ્તપણે ગટરમાં ઠલવાતાં હોવાનાં કૌભાંડનો આ જીવતોજાગતો પુરાવો છે.

ઓઢવ પંપિંગ સ્ટેશનના ટાંકાની સફાઇમાં કેમિકલવાળાં પાણીને કારણે ઝેરી ગેસ ઉત્પન્ન થતાં મજૂરોનાં મોત થવાથી તેમને સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન વિરુદ્ધ જઇને ટાંકામાં નીચે ઉતાર્યા હોવાની શક્યતા વધુ પ્રબળ બની હોઈ સમગ્ર ગેસ ગળતર કાંડમાં ભીનું સંકેલવાના પ્રયાસ થઇ રહ્યાના આક્ષેપ ઉઠ્યા છે. આ દરમિયાન પૂર્વ વિસ્તારના અનેક કેમિકલ ‌ઉદ્યોગોના કેમિકલવાળાં ઝેરી પાણીને આડેધડ રીતે સ્ટ્રોમ વોટર લાઇન કે ગટરલાઇનમાં ઠલવાતા રહ્યા છે.

જોકે મ્યુનિસિપલ તંત્ર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સત્તાવાળાઓ આવી નાગરિકોનાં જીવન સાથે ચેડાં કરનારી પ્રવૃત્તિ સામે ઇરાદાપૂર્વક આંખ મિચામણાં કરતાં હોઇ આ કેમિકલ માફિયાઓ બેફામ બન્યાનું ઉદાહરણ આજે સવારે એક્સપ્રેસ વે પાસેની ઘટનાથી પ્રકાશમાં આવ્યું છે.

આજે સવારે શહેરના સીટીએમ, જશોદાનગર વિસ્તારના અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે નજીકના સર્વિસ રોડ પર નખાતી ગટરની પાઇપલાઇન દરમ્યાન અચાનક કોઇક કારણસર ભંગાણ પડ્યું હતું. આ ભંગાણથી ગટરમાંથી ઝેરી કેમિકલવાળાં પાણી ઊછળી ઊછળીને બહાર આવી રસ્તા પર ફેલાઇ ગયાં હતાં.

સવારના સમયે છેક પ૦૦ મીટર દૂર આવેેલી જશોદાનગર પોલીસ ચોકી સુધી કેમિકલવાળા પાણી ફેલાતાં સ્થાનિક લોકો અચંબામાં મુકાઇ ગયા હતા. સામાન્ય રીતે ગટરલાઇનમાં ભંગાણ પડવાથી કેમિકલવાળા પાણી ન આવે પરંતુ કેટલાક હપતાખાઉ અધિકારીઓના કારણે ગટરલાઇનમાં ગેરકાયદે જોડાણ કરીને તે મારફતે કેમિકલવાળાં પાણી છોડાઇ રહ્યા હોવાના કારણે એકસપ્રેસ હાઇવે વિસતાર કેમિકલવાળા પાણીથી ગરકાવ થયો હોવાની ચર્ચા છે.

આમ તો એશિયાની સૌથી મોટી ડસ્ટબિન ખારીકટ કેનાલમાં ખુલ્લેઆમ કેમિકલ માફિયા ટેન્કરો મારફતે કેમિકલવાળા પાણી ઠાલવે છે. ભૂતકાળમાં તંત્રના ટેન્કર કેમિકલવાળાં પાણી ખારીકટ કેનાલમાં ઠાલવતાં પકડાયાં હતાં. મોટા ભાગે રાત્રીના સુમારે ખારીકટ કેનાલમાં કેમિકલવાળા પાણી ઠલવાતાં હોઇ આ મામલે તંત્ર કેમિકલ માફિયાઓ સામે કોઇ જ કડક પગલાં લેતું નથી.

ખારીકટ કેનાલને સમાંતર અાવેલ નરોડાથી નારોલ તરફ મેગા લાઇનમાં કેમિકલવાળાં પાણી ઠલવાતાં હોઇ તે અનેકવાર બહાર આવીને નિકોલ-ઓઢવ વગેરે વિસ્તારમાં ભય ફેલાવે છે. તે સમયે લોકોના ઘરનાં નળમાં કેમિકલવાળા પાણી આવતાં હોવાની ફરિયાદો ઊઠી છે. જોકે વડોદરા એકસપ્રેસ વે પરના સ્થાનિક વસવાટો માટે ની ગટરલાઇનમાંથી કેમિકલવાળાં પાણી બહાર આવે તે બાબત ‘અસામાન્ય’ હોઇ લોકો તંત્ર પર ફિટકાર વરસાવી રહ્યા છે.

દરમ્યાન દક્ષિણ ઝોનના એડિશનલ સિટી ઇજનેર હર્ષદ મહેતા આ અંગે કહે છે તંત્રના ડ્રેનેજ પ્રોજેકટ વિભાગ દ્વારા ઇન્દ્રપુરી ડ્રેનેજ પંપિંગ સ્ટેશનથી જશોદાનગર ચાર રસ્તા સુધી ગટરલાઇન નાંખવાની કામગીરી ચાલતી હોઇ મેનહોલ ઓવરફલો થવાની કેમિકલયુક્ત લાલ પાણી રોડ પર ફરી વળ્યાં હોવાનું લાગે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here