કેરળ સરકારે શુક્રવારે જાહેર કરેલા બજેટમાં પેટ્રોલ, ડીઝલ અને શરાબ પર સેસ લગાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જો કે સરકારના આ નિર્ણયનો વિરોધ શરૂ થયો છે. શનિવારે કોચીમાં યુથ કોંગ્રેસના કાર્યકરોએ સીએમના કાફલાની સામે પેટ્રોલ ડીઝલ પર સેસ લાદવાના પ્રસ્તાવનો સખત વિરોધ કર્યો હતો. કોચીમાં જ્યારે મુખ્યમંત્રી પી. વિજયનનો કાફલો સરકારી ગેસ્ટ હાઉસથી નીકળી રહ્યો હતો ત્યારે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ મુખ્યમંત્રીના મોટર કાફલાની સામે આવ્યા હતા અને કાળા ઝંડા બતાવ્યા હતા. કોંગ્રેસ કાર્યકર્તાઓ સરકાર પાસે નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહ્યા હતા. જો કે, પોલીસે તાત્કાલિક યુથ કોંગ્રેસના કાર્યકરોને કાબુમાં લીધા હતા અને મુખ્યમંત્રીનો કાફલો આગળ વધી ગયો હતો.
કોંગ્રેસ પાર્ટીએ લેફ્ટ સરકારના નિર્ણય વિરુદ્ધ શનિવારે રાજ્યમાં કાળો દિવસ મનાવ્યો હતો. કોંગ્રેસ સરકારને આ નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી રહી છે. આજે રાજ્યભરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિઓ દ્વારા પેટ્રોલ પંપ પર વિરોધ રેલી અને દેખાવો યોજાયા હતા. કોંગ્રેસના નેતૃત્વ હેઠળના યુડીએફના સંયોજક એમએમ હસને પેટ્રોલ, ડીઝલ અને શરાબ પર સેસ લાદવાના સરકારના પ્રસ્તાવની ટીકા કરી અને કહ્યું કે, કેરળના ઈતિહાસમાં આ સૌથી ખરાબ બજેટ છે. આ લોકો પાસેથી લૂંટ સિવાય બીજું કંઈ નથી.
કોંગ્રેસ આવનારા દિવસોમાં પોતાનો વિરોધ તેજ કરશે અને 9 ફેબ્રુઆરીના રોજ રાજ્યભરમાં જિલ્લા કોંગ્રેસ કમિટીઓ વિરોધસ્વરૂપ જિલ્લા કલેક્ટર કાર્યાલયો સુધી રેલી કાઢશે. શુક્રવારે કેરળ સરકારે બજેટનું એલાન કર્યું હતું. જેમાં નાણામંત્રી કેએન બાલા ગોપાલે કહ્યું કે, સામાજિક સુરક્ષા માટે ભારતમાં બનનારી વિદેશી શરાબ અને પેટ્રોલ-ડીઝલ પર સેસ લગાવવાનો પ્રસ્તાવ છે. જેથી સમાજના વંચિત અને પછાત વર્ગને આર્થિક મદદ આપી શકાય. બીજી તરફ સીપીઆઈ(એમ)ના રાજ્ય સચિવ એમવી ગોવિંદને કહ્યું છે કે, માત્ર સેસ લાદવાનો પ્રસ્તાવ છે અને તેના પર હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં નથી આવ્યો.