લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હારને લઈ કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ ખૂલીને પોતાની ભૂલો પર વાત કરી હતી. કોંગ્રેસની લિડરશીપને લઈ અનિશ્ચિતતા વચ્ચે પાર્ટીના નેતા આનંદ શર્માએ ચૂંટણી ઢંઢેરામાં પણ પણ ભૂલો ગણાવી હતી. તેઓએ સાફ કહ્યું કે, રાજદ્રોહ કાનૂનને ખતમ કરવો અને આર્મ્ડ ફોર્સ એક્ટમાં બદલાવ જેવી વાતોને ઘોષણાપત્રમાં સામેલ કરવાથી કોંગ્રેસને નુકસાન થયું હતું.
શર્માએ કહ્યું કે, પુલવામા હુમલો અને બાલાકોટ એર સ્ટ્રાઈક બાદ બીજેપીએ અતિ-રાષ્ટ્રવાદને પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યો અને તેનું રાજનીતિકરણ કર્યું અને પાર્ટી તેમાં સંતુલન ન બનાવી શકી. સાથે કહ્યું કે, પાર્ટીના ઘોષણાપત્રને બીજેપીએ ખોટી રીતે તોડી-મરોડીને રજૂ કર્યું હતું.
ચૂંટણી બાદ પાર્ટીમાં સંકટ હોવાની વાતનો સ્વીકાર કરતાં શર્માએ કહ્યું કે, આટલી મોટી હાર થશે, એ અમે ક્યારેય વિચાર્યું ન હતું. ત્યારથી અત્યાર સુધીના સમયમાં અનિશ્ચિતતા બની રહી છે. હવે સમય આવી ગયો છે કે, અમારે ઈમાનદારીની રીતે આગળ વધવું જોઈએ. સંગઠન અને પ્રચારમાં શું ખામીઓ હતી તેના પર વિચાર કરવો જોઈએ. કેમ કે, ચૂંટણી બાદ અમે ખતમ થવાના નથી.
શર્માએ કહ્યું કે, ઘોષણાપત્રમાં ત્રણ વસ્તુઓના ઉલ્લેખ-રાજદ્રોહ કાનૂનને ખતમ કરવો કે AFSPAમાં બદલાવ, જેને ખોટી રીતે જનતાની સામે મુકવામાં આવ્યો. હું તેના માટે આરોપ પણ લગાવી શકતો નથી, કેમ કે આ ચૂંટણી હતી. તો ત્રીજા મુદ્દા અંગે તેઓએ કહ્યું કે, તે મુદ્દો કાશ્મીરમાં સેનાની તહેનાતી સંબંધિત હતો.