નવી દિલ્હીઃ સોમવારે લંડનમાં સાઈબર એક્સપર્ટ દ્વારા EVM અંગે કરેલા ઘટસ્ફોટ પર રવિશંકર પ્રસાદે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. આ તમામ ઘટનાઓમાં કોંગ્રેસનું ષડયંત્ર હોવાનો તેમણે આરોપ લગાવ્યો હતો. લોકસભા ચૂંટણી પહેલા EVM અંગે થયેલા ખુલાસામાં ભાજપ અને કોંગ્રેસમાં માહોલ ગરમાયો છે. મંગળવારે કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે EVM અંગે કોંગ્રેસ પર નિશાન સાધ્યુ હતુ. તેમણે કહ્યું કે, આ ઘટનાઓમાં કોંગ્રેસનો હાથ હોય તેવુ લાગી રહ્યુ છે. તેમણે દાવો કર્યો હતો કે, હેકરનાં તમામ આરોપો નિરાધાર છે, તેમની પાસે કોઈ પુરાવા નથી.
હેકરના આવા આરોપોથી ભારતનું લોકતંત્રને બદનામ થાય છે- રવિશંકર પ્રસાદ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રવિશંકર પ્રસાદે કહ્યું કે, હું પણ ઘણી વખત લંડન ગયો છું, પરંતુ ક્યારેય આશીષ રેનું નામ સાંભળ્યુ નથી. જે આમંત્રણ મોકલવામાં આવ્યું હતું તેમાં લખ્યું હતું કે, હેકર બધાની સામે EVM હેક કરીને બતાવશે, પરંતુ કાર્યક્રમ શરુ થયો તો તે મોઢા પર કપડુ બાંધીને બેસી જ રહ્યાં. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી 2019 ચૂંટણીમાં હારવાનું બહાનું શોધી રહ્યા છે. હેકર આ પ્રકારનાં આરોપો લગાવીને ભારતનાં લોકતંત્રને બદનામ કરી રહ્યાં છે.
વધુમાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, હેકરે ફક્ત આરોપો જ લગાવ્યા છે પરંતુ આ અંગેના કોઈ પુરાવા આપ્યા નથી. ન તો કોઈ સવાલનો જવાબ પણ આપ્યો હતો. કોંગ્રેસ કહી રહી છે કે ચૂંટણીમાં ગોટાળો છે, તો પછી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણી યોગ્ય છે?
2014માં યુપીએ સરકાર હતી તો અમે હેકિંગ કેવી રીતે કર્યુ- પ્રસાદ
કેન્દ્રીય મંત્રીએ સવાલ કર્યો કે, કપિલ સિબ્બલ ત્યાં શું કરી રહ્યા હતા? શા માટે તેઓ ત્યાં હતા.? 2014માં યુપીએ સરકાર હતી, EvMની ટેકનીક જોવા માટે 2010માં કમિટી બની હતી. તે સમયે અમે સરકારમાં ન હતા, 10 વર્ષ કોંગ્રેસ સત્તામાં રહી ત્યા સુધી EVM ઠીક હતુ. 2007માં માયાવતી , 2012મા અખિલેશ જીત્યા, મમતા બે વખત જીત્યા, કેજરીવાલ જીત્યા, અમરિંદર પંજાબમાં જીત્યા, કરેળમાં કમ્યુનિસ્ટ જીત્યા ત્યારે EVM બરાબર કામ કરતુ હતુ. EVMમાં ખરાબી અમારા જીત્યા પછી જ આવી હતી.
EVMમાં ગોટાળોએ 2014નાં મતદાતાઓનું અપમાન
કેન્દ્રીય મંત્રીએ ભારતના ચૂંટણી પંચ અને લોકતંત્રની દુનિયાભરમાં ચર્ચાઓ થઈ રહી છે. આજે ઘણાં દેશો ભારતના રસ્તે ચાલવા માંગે છે. જે પાર્ટી 58 વર્ષ સુધી શાસન કરી ચુકી છે તે આ પ્રકારનાં આરોપો લગાવી રહી છે. આ તો 2014નાં મતદાતાઓનું અપમાન છે.
ચૂંટણીપંચે એક્સપર્ટનાં દાવાઓને ફગાવ્યા
સાઈબર એક્સપર્ટનાં આ દાવાઓને ચૂંટણી પંચે નકારી દીધા છે. પંચે કહ્યું કે, EVM ‘ફુલપ્રુફ’ છે અને અમે ખોટા દાવા કરનારા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગેની વિચારણા કરી રહ્યા છીએ.