ફેશનના જમાનામાં યંગસ્ટર્સ જાતજાતના નુસખા અજમાવે છે. કપડાં, મેકઅપ અને એવી ઘણી ફેશનની સાથે ઘણાં લોકો કોન્ટેક્ટ લેન્સ પહેરતાં હોય છે. કેટલીક છોકરીઓ ચશ્માની પળોજણમાંથી છૂટવા લેન્સ પહેરે છે તો કેટલીક આંખોનો રંગ જુદો થાય એ માટે લેન્સ ટ્રાય કરે છે. જો કે લેન્સ પહેર્યાં પછી મેકઅપ કરવામાં થોડી સાવચેતી રાખવી જરૂરી છે.
જો તમે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરતા હોવ તો ખાસ યાદ રાખો કે તમારે નાની નાની વાતોનું ધ્યાન રાખવું જોઈએ. એને લગાવતી વખતે તમારા હાથને માઈલ્ડ હેન્ડ વૉશથી સાફ કરવા જોઈએ. આમ કરવાથી હાથપર ચોંટેલા બધા બેક્ટેરિયા દૂર થઈ જાય છે, લેન્સપર કોઇ ડાઘ પણ નહી લાગે અને ઇન્ફેક્શનનું જોખમ પણ નહીં રહે. ખાસ યાદ રાખો કે મેકઅપ કર્યા પછી લેન્સ લગાવાની ભૂલ કદી ના કરશો, નહી તો ખંજવાળ અને બળતરાની સમસ્યા થઇ શકે છે.
તમે આઈ મેકઅપ કરતા હોવ તો ખાસ ધ્યાન રાખો કે કદી મેકઅપને આંખની અંદર ના લગાવો. ઘણી છોકરીઓને આંખની અંદર કાજળ લગાવવું ગમતું હોય છે પણ આનાથી નુકસાન થઇ શકે છે. એટલું જ નહીં લેન્સની સાથે મેકઅપ કરવા માટે હંમેશા ઓઈલ ફ્રી પ્રોડક્ટનો જ ઉપયોગ કરવો. આંખના મેકઅપની શરૂઆત પાવડરને બદલે ક્રીમ આઈ શેડથી કરશો તો તે લાંબો સમય ટકશે.