કોલકાતા : મમતાના ભત્રીજાના મતક્ષેત્રમાંથી બે ચૂંટણી અધિકારીઓને હટાવાયા

0
15

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ગુરુવારે પણ ચૂંટણીપંચે અનેક કડક નિર્ણયો લીધા. પંચે રાજ્યમાં 7મા તબક્કાની ચૂંટણી પહેલાં ડાયમન્ડ હાર્બર બેઠક પરથી બે ચૂંટણી અધિકારીઓને ફરજ પરથી હટાવી દીધા. તૃણમૂલ કોંગ્રેસનું ગઢ મનાતી આ બેઠક પર સીએમ મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી ચૂંટણી મેદાનમાં છે. પંચે ગુરુવારે સાંજે એસડીપીઓ-ડાયમન્ડ હાર્બર મિથુનકુમાર ડે અને ઓફિસ ઇન્ચાર્જ એમહર્સ સ્ટ્રીટ કૌશિક દાસને તાત્કાલિક અસરથી ફરજ પરથી હટાવી દીધા.

જોકે આ અંગેનું કારણ હજુ જાણી શકાયું નથી. ચૂંટણીપંચે મંગળવારે ભાજપ પ્રમુખ અમિત શાહના રોડ શો દરમિયાન હિંસા બાદ બુધવારે કડક નિર્ણય લેતા ચૂંટણીપ્રચારમાં 24 કલાકનો કાપ મૂકી દીધો હતો. સાથે જ સીઆઇડીના એડીજી રાજીવકુમારને પણ હટાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, બંગાળમાં આ વખતે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. અગાઉ બિહાર, ઉત્તરપ્રદેશમાં હિંસાની ઘટના થતી હતી. પરંતુ તેનું સ્થાન હવે બંગાળે લીધું છે.

ચૂંટણીપંચે શું કહ્યું?

ચૂંટણીપંચે બુધવારે જારી કરેલા તેના આદેશમાં કહ્યું કે પશ્ચિમ બંગાળમાં થોડા દિવસો પહેલાં થયેલી ઘટનાઓ, ખાસ કરીને 24 કલાકમાં જે થયું તે, રાજકીય પક્ષોની ફરિયાદો, બંગાળ ચૂંટણીપંચના ડીઇસીનો રિપોર્ટ અને ખાસ ઓબ્ઝર્વર અજય નાયક અને વિવેક દૂબેના સંયુક્ત રિપોર્ટના આધારે રાજ્યમાં સ્વતંત્ર, મુક્ત, પારદર્શી, હિંસામુક્ત અને આદર્શ ચૂંટણી કરાવવા માટે કોઇ પણ વ્યક્તિ, જૂથની જાહેર મીટિંગ પર પ્રતિબંધ મૂકે છે. પ્રતિબંધ મૂકવાનું કારણ એ છે કે મતદારોને પ્રચારના શોરબકોરમાંથી આરામ મળે અને તેઓ શાંતિથી વિચારીને પોતાનો મત આપી શકે. બંગાળમાં પ્રચાર આક્રમક થઈ રહ્યો હોવાથી આ પ્રકારે નિયંત્રણ જરૂરી હતું.

બંગાળની 9 બેઠક સહિત 59 બેઠક પર રવિવારે મતદાન

લોકસભાની સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણીમાં પશ્ચિમ બંગાળની 9 બેઠક સહિત 59 બેઠક પર રવિવારે મતદાન યોજાવાનું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here