Monday, October 18, 2021
Homeકોસાડ-છાપરાભાઠા ખાડીનું ગંદુ પાણી સીધું જ તાપીમાં ભળે છે
Array

કોસાડ-છાપરાભાઠા ખાડીનું ગંદુ પાણી સીધું જ તાપીમાં ભળે છે

સુરતઃ પાલિકાનાં અંધેર વહિવટને કારણે તાપી શુદ્ધિકરણ માત્ર દેખાડો જ બની રહ્યો હોય તેમ રોજબરોજ તાપી નદીમાં હજારો લિટર ગંદુ પાણી સીધું જ ઠલવાઈ રહ્યું છે. શહેરની જીવાદોરી સમાન અને શાસ્ત્રોમાં જેમના દર્શન માત્રથી પુણ્ય પામવાનો ઉલ્લેખ કરાયેલો છે તે તાપી નદીમાં ઠલવાઈ રહેલા ગંદા અને પ્રદૂષિત પાણી પરથી અનુમાન લગાવી શકાય છે કે, તંત્ર લોકોનાં આરોગ્ય માટે અને તાપી મૈયાની પવિત્રતા જાળવવામાં કેટલી બેદરકાર બની ગઈ છે. કોસાડ-છાપરાભાઠા વિસ્તારની ખાડીનું ગંદુ પાણી હજુ પણ સીધું જ તાપીમાં ઠલવાઈ રહ્યું છે.

ડ્રેનેજનાં ગંદા પાણી તાપીમાં ભળ્યા

શહેરની 60 લાખની વસ્તી માટે પીવાના પાણીનો એકમાત્ર આધાર તાપી નદી છે. આટલું મહત્વનું સ્થાન ધરાવતી પવિત્ર તાપી નદી જ તંત્રની બેદરકારીને કારણે હાલ ગંદકીનાં ઢગ અને ગટરના સ્વરૂપમાં પરિવર્તિત થઈ જવા પામી છે. એક તરફ તાપી નદી જળકુંભીની ચાદરમાં લપેટાઈ જવા પામી છે તો બીજી તરફ ઠેકઠેકાણે ડ્રેનેજ આઉટલેટનાં ગંદા પાણી તાપીમાં ભળી રહ્યાં છે. ઓલપાડ-ભરથાણા થઈ કોસાડ, છાપરાભાઠા વિસ્તારમાંથી પસાર થતી ખાડીમાં અમરોલી વિસ્તારમાંથી લોકોનાં ઘરમાંથી નીકળતું ડ્રેનેજ લાઈનનું પાણીનો નિકાલ થાય છે અને આ જ ગંદા પાણી હજુ પણ તાપીનાં પાળા પર બનાવવામાં આવેલા છાપરાભાઠા ખાડીનાં સ્લુઈસ રેગ્યુલેટર મારફતે સીધું જ તાપીમાં ઠલવાઈ રહ્યું છે.

લોકોના આરોગ્યને નુકશાન થતું હોવાની રાવ

આ અંગે ચોમાસા દરમિયાન તંત્રનું ધ્યાન પણ દોરવામાં આવ્યું હતું. ચોમાસાનું બહાનું ધરી પાલિકાએ એ સમયે છટકબારી શોધી લીધી હતી, પરંતુ ચોમાસાના બદલે હવે તો શિયાળો પણ પૂર્ણતાના આરે છે. તેમ છતાં પરિસ્થિતિમાં જરા પણ બદલાવ થયો નથી. દરરોજ હજારો લીટર ગંદકી તાપી નદીમાં ભળતાં નદીને તેમજ લોકોનાં આરોગ્યને પણ નુકશાન થઈ રહ્યું હોવાની રાવ ઉઠી છે. આમ છતાં તંત્ર હજુ પણ અજાણ હોવાનું રટણ રટી રહ્યું છે.

મને ખબર નથી પણ તપાસ કરાવું છું

ડ્રેનેજ કમિટી ચેરમેન અમિતસિંઘ રાજપુતે જણાવ્યું હતું કે, તાપી શુદ્ધિકરણ અંર્તગત સ્ટોર્મ ડ્રેનેજ લાઈનમાં ગેરકાયદે ડ્રેનેજ કનેક્શન આગામી ચોમાસા પહેલા દૂર કરવા ડ્રેનેજ વિભાગને સૂચના આપી દેવાઇ છે. છાપરાભાઠા ખાડીનું પાણી તાપી નદીમાં ઠલવાતું હોવાનું મારા ધ્યાનમાં નથી. તેમ છતાં કાલે જ આ બાબતે તપાસ કરાવવા ડ્રેનેજ વિભાગને સૂચના આપી દઉં છું.

તમામ આઉટલેટ બંધ કરવા અલ્ટિમેટમ

ડ્રેનેજ કમિટી ચેરમેન અમિતસિંહ રાજપુતે 2 મહિનામાં તમામ આઉટલેટો બંધ કરવા માટે ડ્રેનેજ ખાતાના અધિકારીઓને અલ્ટિમેટમ આપી દીધું છે. અને કેટલા આઉટલેટો છે અત્યાર સુધીમાં કેટલાં બંધ કરાયા તે અંગેની માહિતી 15 દિવસમાં રજુ કરવા તાકિદ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments