અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા એક વર્ષમાં ગુમ થયેલા બાળકો અંગે આજે ગુજરાત વિધાનસભામાં વિવિધ ધારાસભ્યોએ પ્રશ્નો પૂછ્યા હતા.જેમાં ખુલાસો થયો છે કે, રાજ્યમાંથી એક વર્ષમાં કુલ 2,307 બાળકો ગુમ થયા છે. આ અંગે જવાબ આપતા ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુમ થયેલા બાળકોમાં ટકા 90 ટકા બાળકો પ્રેમ પ્રકરણના કારણે ગુમ થાય છે.
ગુમ થયેલા 2,307 બાળકોમાંથી 1804 બાળકો મળી આવ્યા
આ અંગેની આંકડાકીય માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાંથી 431 તથા રાજકોટ શહેરમાંથી 124, રાજકોટ ગ્રામ્યમાંથી 123, ગાંધીનગરમાંથી 112 અને બનાસકાંઠામાંથી 106 બાળકો ગુમ થયા છે. રાજ્યમાંથી કુલ ગુમ થયેલા 2,307 બાળકોમાંથી 1804 બાળકો મળી આવ્યા છે. આ અંગે પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુમ થનાર બાળકોમાં 14થી 18 વર્ષના બાળકોની સંખ્યા વધુ છે અને આ બાળકો પ્રેમ પ્રકરણના કારણે ગુમ થતા હોય છે. ગૃહ રાજ્યમંત્રીના આ ઉત્તર મુદ્દે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ટીપ્પણી કરી હતી કે, આ બાળકો અણસમજથી પ્રેમ કરે છે એનું કંઈક કરો