ખેડામાં ફરી દેવુ જ સિંહ, 3.50 લાખની જંગી સરસાઈથી જીત્યા

0
14

નડિયાદ: ખેડા સંસદીય બેઠક પર ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણનો જ્વલંત વિજય થતાં 2014 બાદ 2019માં પણ ભાજપ આ બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યો. મુખ્ય બે રાજકીય પક્ષ ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કરમાં ભાજપને 7,14,572 મત મળ્યા હતા જ્યારે પ્રતિસ્પર્ધી કૉંગ્રેસના ઉમેદવાર બિમલ શાહને 3,47,427 મત મળ્યા હતા. આમ, ભાજપનો 3,67,145 મતે ભવ્ય વિજય મેળવ્યો છે અને કૉંગ્રેસને સતત બીજી વખત હરાવી છે. એક સમયે કૉંગ્રેસના ગઢ ગણાતા ખેડામાં પ્રથમ વખત ઉપરાઉપરી ભાજપ બે વખત જીત્યો છે. ભાજપે ભવ્ય વિજય સરઘસ કાઢીને વિજયોત્સવ ઉજવ્યો હતો.

નડિયાદની આઇ. વી. પટેલ કોમર્સ કૉલેજમાં ગુરુવારે સવારથી હાથ ધરાયેલી મતગણતરી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી. ખેડા બેઠકની મતગણતરી 26થી વધુ રાઉન્ડમાં પૂરી થઈ હતી. પહેલા જ રાઉન્ડથી ભાજપ સરસાઇની દિશામાં આગળ વધી રહ્યો હતો. ઇવીએમ ખૂલતાં ગયાં અને એક પછી એક રાઉન્ડનું પરિણામ જાહેર કરાયું તેમ તેમ ભાજપની સરસાઇ વધતા આખરે તે ભવ્ય વિજયમાં પરિણમી હતી.

ખેડા લોકસભા બેઠકમાં નડિયાદ, માતર, મહુધા, મહેમદાવાદ, કપડવંજ ઉપરાંત દશક્રોઇ અને ધોળકા મળી કુલ સાત વિધાનસભા મતવિસ્તારની બેઠકોનો સમાવેશ થતો હતો. જેમાં દરેક રાઉન્ડના અંતે ભાજપનું પલ્લુ ભારે બન્યું હતું. મતગણતરી કેન્દ્ર પર જિલ્લા ચૂંટણી અધિકારી સુધીર પટેલ, અધિક જિલ્લા કલેક્ટર રમેશ મેરજા સહિત અધિકારીઓની દેખરેખમાં મતગણતરી હાથ ધરાઇ હતી. એક જ બિલ્ડીંગમાં સાતેય વિધાનસભાની અલગઅલગ મતગણતરી હાથ ધરાઇ હતી. રાઉન્ડવાર ગણતરી બાદ પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા. બપોરે તાપમાનના ઊંચા પારા વચ્ચે દેશભરમાં ભાજપ વિજયની દિશામાં આગળ વધતો હોવાના અહેવાલો વચ્ચે ખેડા બેઠકનું ચિત્ર પણ સ્પષ્ટ થવા લાગ્યું હતું કે, 2014 પછી સતત 2019માં પણ ભાજપ ખેડાની બેઠક જાળવી રાખવામાં સફળ રહેશે.

પ્રજાએ મને ફરી તક આપી, તેને હું વધાવું છું : દેવુસિંહ ચૌહાણ
‘ભાજપનો વિજય થવાનો છે, તે અમે આત્મવિશ્વાસથી કહેતા હતા. નરેન્દ્ર મોદીએ કરેલાં વિકાસકાર્યો તથા સંગઠનશક્તિના બળે અમારો ભવ્ય વિજય થયો છે. આ વિજય પ્રજાનો વિજય છે. ગત ચૂંટણીમાં પણ પ્રજાએ મને ભવ્ય વિજય અપાવ્યો હતો. આ વખતે પણ મારામાં વિશ્વાસ મૂકી મને તક આપી છે, તેને હું વધાવી મતદારો અને પ્રજાનો આભાર માનું છું.’

ગુજરાતમાં ભાજપના વિજયરૂપે જ ખેડામાં વિજય થયો : બિમલ શાહ
‘ગુજરાતની બધી બેઠકો પર ભાજપનો વિજય થયો છે, એટલે ખેડા બેઠક માટે કંઈ અલગ પરિણામ મળ્યું, એવું નથી. હું તો સંગઠનનો માણસ છું. એટલે સંગઠનમાં કામ કરતો રહીશ. પ્રજાએ આપેલા નિર્ણયને હું સ્વીકારૂ છું.’

ખેડા બૂથના એક EVMનું ડિસ્પ્લે બંધ થતાં તંત્ર મૂંઝવણમાં
મતગણતરી દરમિયાન માતર વિધાનસભા બેઠકના ખેડા મતબૂથના એક EVMનું ડિસ્પ્લે બંધ થતાં ગણતરી કરતો સ્ટાફ અને એજન્ટો મૂંઝવણમાં મૂકાયા હતા. જોકે, આ EVMના મતની પછીથી ગણતરી કરવાનો નિર્ણય કરી બાકીના EVMના મતોની ગણતરી કરી કામગીરીએ આગળ ધપાવવામાં આવી હતી.

કોંગ્રેસ અને મહાગઠનબંધનની સોશિયલ મીડિયામાં હાંસી ઉડાવી
દેશમાં કોંગ્રેસ અને મહાગઠનબંધનનો કારમો પરાજય થયો છે. જેનો સોશ્યલ મીડિયામાં વિવિધ કાર્ટૂનો દ્વારા તેની જોરદાર મજાક ઉડાવવામાં આવી હતી. જેમાં રાહુલ, સોનિયા, પ્રિયંકા તથા અખિલેશ યાદવ અને માયાવતીના હાસ્યાસ્પદ કાર્ટૂનો દ્વારા મજાક ઉડાવવામાં આવી હતી.

મોદી વેવમાં એન્ટી ઇન્કમ્બન્સી તણાઈ
ગુજરાતની સાથોસાથ ખેડા બેઠક પર ભાજપના ભવ્ય વિજય પાછળ નોટબંધી, GST, બેરોજગારી અને મોંઘવારી વગેરે જેવા કોઇ મુદ્દા નડ્યા નથી. બલ્કે મોદીનો કરિશ્મા એટલો જોરદાર રહ્યો છે કે આ બધું ભૂલાઈ ગયું છે. 2014નું પુનરાવર્તન 2019માં પણ થયું છે અને ભાજપનો ભગવો લહેરાયો છે. પરિણામો જોતા ક્યાંય એન્ટી ઇન્કમ્બન્સી જોવા મળી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here