Saturday, September 18, 2021
Homeખેડા : રસ્તો ક્રોસ કરવા જતા અકસ્માત સર્જાતા એક મહિલા અને પુરુષનું...
Array

ખેડા : રસ્તો ક્રોસ કરવા જતા અકસ્માત સર્જાતા એક મહિલા અને પુરુષનું મોત

ખેડા જિલ્લામાં વિતેલા કલાકો દરમિયાન બે જુદા જુદા અકસ્માતમાં બે લોકોના મૃત્યુ નિપજ્યાં છે. આ બન્ને બનાવો રસ્તો ક્રોસ કરતી વેળાએ જ બન્યા છે. જેમાં કઠલાલ-નડિયાદ રોડ પર પુરપાટે મોટરસાયકલની ટક્કરે એક પુરુષનુ અને નડિયાદના ડભાણ પાસે ઈકો ગાડીની ટક્કરે મહિલાનું મૃત્યુ થયું છે. આ અંગે હદ ધરાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

ગતરોજ રાત્રે કઠલાલ-નડિયાદ રોડ પરથી પસાર થતી સિમેન્ટ ભરેલી ટ્રક કઠલાલ પાસે વ્રજ રેસીડેન્સી નજીક ઉભી હતી. આ ટ્રકના 47 વર્ષીય ક્લીનર લખુભાઈ રાજાભાઈ ઝાલા (રહે.નવાપુરા, જુનાગઢ)ને ચ્હાની તલપ લાગતા ટ્રક ચાલકે પોતાની ટ્રક રોડની સાઈડમાં ઉભી કરી હતી. જે બાદ ટ્રક ક્લીનર લખુભાઈ ઝાલા રોડ ક્રોસ કરી સામે આવેલ ચાની કીટલીએ ચા પીવા ગયા હતા. જોકે ટ્રક ચાલક ટ્રકમાં જ બેસી રહ્યા હતા.

ચાની તલપ સંતોષવા ક્લીનર રોડ ક્રોસ કરી સામે ગયો અને પરત ફરતાં અકસ્માત નડ્યો

લખુભાઈ જ્યારે ચા પીને પરત આવતાં હતા. ત્યારે રસ્તો ક્રોસ કરતી વેળાએ નડિયાદ તરફથી આવતાં મોટરસાયકલની અડફેટે આવી ગયા હતા. જે બાદ લખુભાઈ રોડ પર પટકાયા હતા સાથે સાથે ઉપરોક્ત મોટરસાયકલ સહિત બાઈક પર બેઠેલા બે વ્યક્તિઓ પણ રોડ પર પટકાતાં તમામને ઈજાઓ પહોંચી હતી. વધુ ઈજાગ્રસ્ત લખુભાઈ ઝાલા ફંગોળાઈને પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમનુ ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત બાદ આસપાસના લોકો અને ઉપરોક્ત ટ્રક ચાલક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જે બાદ 108 એમ્બ્યુલન્સ વાન મારફતે ઈજાગ્રસ્ત બાઈક ચાલક અને અન્ય વ્યકિતઓને તુરંત સારવાર અર્થે ખસેડાયા હતા. આ અકસ્માત સંદર્ભે ઉપરોક્ત ટ્રક ચાલક આહમદભાઈ આદમભાઈ પોતરા (રહે. પાવટી, જિ.ગીર સોમનાથ)ની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

મજૂરી કામ કરી ઘરે પરત ફરથી મહિલાને અકસ્માતમાં મોત

અન્ય એક બનાવ નડિયાદના ડભાણ હાઈવે નં.-8 પર બન્યો છે. વસોના ટુંડેલ ગામે રહેતા 50 વર્ષિય મંજુલાબેન છેલ્લા બે દિવસથી ડભાણ પાસે મજૂરી કામ કરવા આવતાં હતા. તેમના ભાભી સાથે આ બન્ને લોકો ડભાણ જલારામ પશુદાણ ખાતે મજૂરી કરવા આવતાં હતા. ગતરોજ સમીસાંજે તેઓ મજૂરી કામ કરી પરત પોતાના ઘરે જતાં હતા ત્યારે ડભાણ પાસે હાઈવે ઓળંગતા હતા તે દરમિયાન મંજુલાબેનને એક ઈકો ગાડીએ ટક્કર મારી હતી. ખેડા તરફથી આવતી કારે તેમને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા મંજુલાબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ અંગે ઘટના જોનાર મૃતકના ભાભી ગીતાબેન રોહિતની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ઈકો કાર (નં. M.P 09 WH 7433) સામે ગુનો નોંધ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments