રાજકોટ:રાજકોટના સાંસદ મોહન કુંડારિયાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખેડૂત પાક વિમા વિશે પ્રશ્ન પૂછે છે અને આ સાંસદ જવાબ આપવાના બદલે ત્યાં ભાગી જાય છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચારે તરફ ચર્ચા શરૂ થઈ ગઈ છે. વીડિયોમાં એક ખેડૂત પાક વીમા અંગે મોહન કુંડારિયાને પ્રશ્ન પૂછે છે. જે અંગે મોહન કુંડારીયાએ જણાવ્યું કે, આ અંગે ગુજરાત સરકારને રજૂઆત કરો. પાક વિમો આપવાની જવાબદારી સરકારની છે. તમારા ધારાસભ્યની આ જવાબદારી છે.
મોહન કુંડારિયા સામે ઉભા થયા અનેક સવાલો:મોહન કુંડારીયાના જવાબથી અસંતુષ્ટ ખેડૂતે કહ્યું કે, સાહેબ આ તમારી રીત છે જવાબ આપવાની? જેની સામે મોહન કુંડારીયા કહે છે કે, તમે ગાંડા કરવા આવ્યા છો. હું માણસનો ચહેરો જોઇને કહી દઉં. તમારા બોલવા પરથી જ મને ખબર પડી જાય. તમારી વાત કરવાની થિયરી જ ખોટી હતી આટલું જ નહીં, વીડિયોમાં જોઇ શકાય છે કે, વ્યક્તિના પ્રશ્નોથી ઉશ્કેરાયેલા મોહન કુંડારીયા ખુરશી પરથી ઉભા થઇને જતાં રહે છે. જે અંગે ત્યાં હાજર લોકોમાં નારાજગી પણ દેખાઇ આવે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સાંસદ મોહન કુંડારિયા પર અનેક સવાલ ઉભા થઈ રહ્યાં છે. જતાં જતાં મોહન કુંડારિયા કહે છે કે વિમા માટે ગુજરાત સરકારને કહો મને નહી, હુ છત્રીસ વરસથી માણા ચારૂ છું. અત્યારે પેલા કરતા આઠ ગણી સ્થિતિ સુધરી પેલા રસ્તા નોતા જેવા ઉડાવ જવાબો આપી નિકળી ગયા.
મોહન કુંડારિયાએ વાયરલ થયેલા વીડિયો અંગે ખુલાસો કરતા કહ્યું કે આ વીડિયો 4 વર્ષ જુનો છે. કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો નથી એટલે આવા જુના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યાં છે. આ વીડિયો વાંકાનેર તાલુકાના કલાવડી ગામનો છે અને કલાપડી ગામ સંપૂર્ણ કોંગ્રેસ પ્રેરિત છે. એ ગામમાંથી મને માત્ર 53 મત મળ્યાં હતાં. છેલ્લા 4 વર્ષમાં હું ક્યારેય એ ગામના પ્રવાસમાં પણ નથી ગયો.