ગોરખપુર/પ્રયાગરાજઃ વડાપ્રધાન મોદીએ રવિવારે ગોરખપુરથી વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાનો પ્રારંભ કરાવ્યો. જે અંતર્ગત ખેડૂતોના ખાતામાં 2 હજાર કેશ ટ્રાંસફર કરવામાં આવશે. મોદીએ કહ્યું કે ખેડૂતોને આપવામાં આવેલી રાહતની રકમ હું પણ પરત ન લઈ શકુ, અફવા ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપજો. મોદીએ ગોરખપુરમાં 10 હજાર કરોડ રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કર્યું.
ગોરખપુરથી PM પ્રયાગરાજ જશે જ્યાં કુંભમાં ડૂબકી લગાવશે. અહીં ત્રિવેણી પૂજનની સાથે જ વડાપ્રધાન અક્ષયવટ અને સરસ્વતી કૂપના દર્શન પણ કરશે. ગત 13 દિવસોમાં મોદી ચોથી વખત ઉત્તરપ્રદેશ જઈ રહ્યાં છે.
‘યોજનાઓ જીવનને આસાન બનાવનારી’
વડાપ્રધાને કહ્યું, “આઝાદી પછી ખેડૂતો સાથે જોડાયેલી સૌથી મોટી યોજના આજે ઉત્તરપ્રદેશની ધરતીથી મારા દેશના કરોડો લોકોના આશીર્વાદથી આરંભ થઈ રહી છે. ગોરખપુરના લોકોને બેવડી શુભેચ્છા આપુ છું, કેમકે વડાપ્રધાન કિસાન સન્માન યોજનાના તેઓ સાક્ષી બની રહ્યાં છે. ગોરખપુર અને પૂર્વાંચલના વિકાસ સાથે જોડાયેલાં લગભગ 10 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરવામાં આવ્યું. સ્વાસ્થ્ય, માર્ગ, રેલ, રોજગાર, ગેસ જેવાં ક્ષેત્રે જોડાયેલાં આ તમામ પ્રોજેક્ટ આ ક્ષેત્રના લોકોના જીવન આસાન બનાવશે. તે માટે ગોરખપુર સહિત પૂર્વાંચલનો હું આભાર માનુ છું.”
“ખેડૂતો માટે પહેલાંની સરકારે વાતો ઘણી કરી, કાગળો પર યોજનાઓ પણ બનાવી પરંતુ તેમની યોજના ખેડૂતોને સશક્ત કરવા માટે નહીં પરંતુ તેમને નાની નાની વસ્તુઓ માટે આજીજી કરાવવાની હતી. તેમની યોજના ક્યારેય ખેડૂતોની ભલાઈ માટે ન હતી. આ સ્થિતિને બદલવા માટે તમે 2014માં એનડીએની સરકાર બનાવવાનો મોકો આપ્યો. અમે ખેડૂતોની નાની નાની મુશ્કેલીઓ પર ધ્યાન આપવા સહિત તેમના પડકારોના સંપૂર્ણ નિવારણ માટે પણ કામ કર્યું. ખેડૂત સશક્ત બને આ લક્ષ્ય સાથે જ અમે નીકળ્યાં છીએ.”
‘તમારા પૈસા કોઈ પરત ન લઈ શકે’
મોદીએ કહ્યું કે, “હું રાજ્યોને ચેતવણી આપુ છું કે જો તમે ખેડૂતોની યાદી સરકારને ન પહોંચાડી તો ખેડૂતોની બદદુઆઓ તમારી રાજનીતિને બરબાદ કરી દેશે. તમે વિરોધી હોય શકો છો પરંતુ ખેડૂતની માંગોની સાથે રમત કેમ રમો છો. હું ખેડૂતોને કહેવા માંગુ છું કે યોજનાને લઈને કોઈની વાતમાં ન આવતા. જ્યારે વિરોધીઓએ અમારી આ યોજના અંગે સંસદમાં સાંભળ્યું તો બધાંના મોઢા લટકી ગયા હતા, બધાં ઉદાસ થઈ ગયા હતા. તેઓને થયું કે ખેડૂત મોદીની સાથે થઈ ગયા છે. તેથી ખોટું બોલવું અને અફવાઓ ફેલાવવી તેમનું જન્મજાત કામ છે. હાલ તે લોકોએ એક અફવા વધ શરુ કરી છે, તે એમ કે મોદીએ હાલ 2000 રૂપિયા આપ્યા છે, પછી પણ આપશે પરંતુ એક વર્ષ પછી પરત લઈ લેશે. ખેડૂત ભાઈઓ આ તમારો પૈસો છે તેને કોઈ જ પરત ન લઈ શકે. તેથી આવી અફવાઓ ફેલાવનારાઓને જડબાતોડ જવાબ આપજો.”
દેશની સૌથી લાંબી પાઈપલાઈનનો પાયો નાંખશે
મોદી ગોરખપુરમાં જ દેશની સૌથી લાંબી એલપીજી પાઈપલાઈન પ્રોજેક્ટનો પાયો નાંખશે. તેની લંબાઈ 1987 કિલોમીટર હશે. આ પાઈપલાઈન ગોરખપુરથી અમદાવાદ, ઉજ્જૈન, ભોપાલ, કાનપુર, પ્રયાગરાજ, વારાણસી અને લખનઉ થઈ ગોરખપુર સુધી પહોંચશે. આ પ્રોજેક્ટ પર 9000 કરોડ રૂપિયા ખર્ચ થશે. જો કે હજુ તે નથી જણાવાયું કે યોજના ક્યાં સુધીમાં પૂરી થશે. હાલ સૌથી લાંબી ગેસ પાઈપલાઈનને ગેલ સંચાલિત કરે છે, જેની લંબાઈ 1,415 કિલોમીટર છે. જે ગુજરાતના જામનગરથી લોની (ગાઝિયાબાદ) સુધી જાય છે.
ડિસેમ્બરમાં પણ કુંભ ગયા હતા મોદી
કુંભ શરૂ થતાં પહેલાં ડિસેમ્બરમાં મોદી પ્રયાગરાજ પહોંચ્યા હતા. તેઓએ ત્યાં ગંગા પૂજનની સાથે જ અક્ષયવટના દર્શન પણ કર્યા હતા. આ રીતે મોદી બીજી વખત કુંભ આવી રહ્યાં છે. કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું કે કુંભ મેળામાં વડાપ્રધાન સ્વચ્છતાને લઈને ચલાવવામાં આવેલાં કાર્યક્રમોને પણ જોશે.
સુતા હનુમાનના દર્શન કરશે
કુંભમાં સ્નાન પછી પાંચ તીર્થ પુરોહિત વડાપ્રધાનને ત્રિવેણી પૂજન કરાવશે. મોદી અક્ષયવટ, સરસ્વતી કૂપ અને સુતા હનુમાન મંદિર પણ જશે. અહીં અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્રગીરી મહારાજ તેમને પૂજા અને આરતી કરાવશે. જે બાદ તેઓ ગંગા પંડાલમાં સફાઈ કર્મચારીઓને સન્માનિત કરશે.
13 દિવસમાં ચોથી વખત ઉત્તરપ્રદેશની મુલાકાતે
આ પહેલાં 11 ફેબ્રુઆરીએ મોદી વૃંદાવન અને નોયડા, 15 ફેબ્રુઆરીએ ઝાંસી પહોંચ્યા હતા. 22 ફેબ્રુઆરીએ તેઓએ પોતાના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લીધી હતી. મોદીની આ મુલાકાતને લોકસભા ચૂંટણીમાં ભાજપની તૈયારીઓના રૂપે જોવામાં આવે છે. 2014માં થયેલી લોકસભા ચૂંટણીમાં રાજ્યની 80માંથી 71 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી.