Saturday, September 25, 2021
Homeગંદકી, ઊબડખાબડ વોક વે અને રાત પડતાં જ છવાતો અંધકાર
Array

ગંદકી, ઊબડખાબડ વોક વે અને રાત પડતાં જ છવાતો અંધકાર

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શહેરના મોટા ભાગના બગીચા તેની જાળવણીના મામલે નાગરિકોને સંતોષ આપનારા નથી. કેટલાક બગીચામાં તો અસામાજિક તત્ત્વોના અડ્ડા જામ્યા હોઇ ધોળે દહાડે સપરિવાર પણ જઇ શકાતું નથી. શહેરનાં ર૪૦ બગીચા પૈકી મોટા ભાગના બગીચા જાળવણી માટે ‘અમૂલ’ને સોંપાયા છે, પરંતુ આ કંપની ને બગીચામાં પોતાનું પાર્લર ચલાવવામાં જેટલો રસ છે તેનાંથી દસ ટકા જેટલો રસ પણ બગીચાની જાળવણીમાં નથી

 

આ અંગે શાસક ભાજપ પક્ષ દ્વારા વારંવાર ફરિયાદો ઊઠતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ દ્વારા પણ આની ગંભીરતાથી નોંધ લેવાઇ હતી. તાજેતરમાં કેટલાક બગીચાની જાળવણીમાં બેદરકારી દાખવવા બદલ તંત્રે ‘અમૂલ’ને નોટિસ ફટકારી હતી. જ્યારે નવા બગીચાની જાળવણી અન્ય કંપનીને સોંપાઇ રહી છે. જોકે સત્તાવાળાઓએ શહેરના તમામ નવા-જૂના ર૪૦ બગીચાની જાળવણીમાં નવેસરથી પીપીપીને ધોરણે ટેન્ડર બહાર પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.

નવેસરનાં ટેન્ડર માટે બગીચા દીઠ રૂ.પાંચ લાખ ડિપોઝિટ પેટે જમા લેવાની, સિકયોટરટી ગાર્ડ તેમજ માળીની જોગવાઇ જેવી શરતોને સામેલ કરાઇ હતી. આ સમયગાળામાં ચૂંટણીની આચારસંહિતા જાહેર થતાં હવે બે મહિના ‘અમૂલ’ જ જાળવણીની જવાબદારી સંભાળશે એટલે ઉનાળાના વેકેશનમાં તંત્ર જો કડકાઇથી કામ લેવામાં ફરીથી ઠોઠ પુરવાર થશે તો લોકોને બગીચામાં ગંદકી, ઉબડખાબડ વોક વે, પાંગળી સિકયોરિટી, આડેધડ ઊગેલી લોન, બિસ્માર રમતગમતનાં સાધનો જોવા મળશે.

બીજી તરફ તંત્રમાં પણ જે તે ઝોનમાં આવેલા બગીચાની જાળવણીનું નિયમિત ચેકિંગ કરી શકે તેટલી સંખ્યામાં સેકશન ઓફિસર નથી. સેકશન ઓફિસરની ફરજમાં પોતાના ઝોનના બગીચાની જાળવણી આવતી હોવા છતાં શહેરનાં કુલ સાત ઝોન પૈકી નવા પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ઝોન એમ ત્રણ ઝોનમાં સેકશન ઓફિસર છે.

આ ત્રણ પૈકી એકની ઉપર ભૂતકાળમાં ભ્રષ્ટાચારનાં આરોપ ઊઠ્યાં હતાં. ખરેખર તો ઝોન દીઠ એક અને સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે એક મળીને કુલ આઠ સેકશન ઓફિસર હોવા જોઇએ. જોકે અગમ્ય કારણસર સત્તાવાળાઓ પૂરતા સેકશન ઓફિસરની નિમણૂકમાં રસ દાખવી ન રહ્યા હોઇ પીપીપી ધોરણે આવનારી નવી એજન્સીની કામગીરીનું મોનિટરિંગ પણ હાલની જેમ કંગાળ જ રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments