ગરબાડાઃ ધાનપુર તાલુકાના મોટીમલુ ગામની મહિલા કટારા સુરતાબેન શૈલેષભાઇને પ્રસૂતિ કરાવવા બપોરના સમયે પી.એચ.સી. પાંચવાડા દાખલ કરવામાં આવ્યા હતા. સાંજ સુધી પ્રસુતિ નોર્મલ થઇ જશે એવું કહેતા ત્યાં દાખલ થઈ ગયા હતા. સાંજ થતાં દિવસનો સ્ટાફની નોકરી પૂરી થતા રાત્રીનો સ્ટાફ હાજર થયો હતો.
દર્દીના સ્વજનોએ વારંવાર પુછતા હતા કંઈ તકલીફ હોય તો જણાવો અમે ખાનગી દવાખાને લઈ જઈશું પણ સ્ટાફ નર્સ જણાવ્યું કે કોઈ તકલીફ નથી નોર્મલ પ્રસુતિ થઈ જશે રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં દર્દીને અચાનક દુખાવો થતા દર્દી બેહોશ થઈ ગયું હતું. જેથી હાજર સ્ટાફ દર્દીના સ્વજનોને દાહોદ લઈ જવું પડશે તેમ કહેતા સ્વજનો 108ને બોલાવી હતી. 108 ના સ્ટાફ દ્વારા દર્દીને તપાસ કરતાં તેઓએ જણાવ્યું હતું કે આ દર્દીનું મૃત્યુ થઈ ચૂક્યું છે.
જેથી દર્દીના સ્વજનોએ આક્રોશ સાથે પાંચવડા પીએચસીમાં હોબાળો મચાવ્યો હતો. સ્ટાફ દ્વારા પાંચવડા પી.એચ.સી. પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. સ્વજનોએ તબીબોની બેદરકારીને લીધે મૃત્યુ થયું તેઓ આક્ષેપ કરી મહિલાની લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો અને હાજર સ્ટાફ ઉપર કેસ નોંધાવાની જીદ પકડી હતી. સામાજિક આગેવાનો અને પોલીસે ભેગા મળી તેમને આશ્વાસન આપતા તેઓ મહિલાની મૃતદેહ દવાખાના પરથી ખસેડવા સંમત થયા હતા. મૃતદેહને ફોરેન્સીક તપાસ માટે વડોદરા ખાતે લઇ જવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
સ્ટાફ સામે કાર્યવાહી થવી જોઇએ
હાજર સ્ટાફ અને નર્સની બેદરકારીના લીધે અમે અમારું સ્વજન ગુમાવ્યું છે. તેમના પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.>દીપકભાઈ સોમાભાઈ કટારા, મૃતક મહિલાના સ્વજન
રિપોર્ટ પછી મોતનું કારણ જાણી શકાશે
મોટી મલુ ગામના સગર્ભા માતા પ્રસુતી માટે દાખલ કરવામાં આવ્યા હતા તે દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. તપાસ કે રીપોર્ટ આવ્યા બાદ જ મૃત્યુનું કારણ જાણી શકાશે.>કે .આર. ડાભી, B.H.O