ગાંગુલીના પરિવારમાં કોરોના / BCCI અધ્યક્ષના મોટા ભાઈની પત્નીનો રિપોર્ટ પોઝિટિવ, તેમના માતા-પિતા અને નોકર પણ સંક્રમિત

0
9
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (ડાબે)ના ભાઈ સ્નેહાશીષ (જમણે) ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળના સચિવ પણ છે.
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી (ડાબે)ના ભાઈ સ્નેહાશીષ (જમણે) ક્રિકેટ એસોસિયેશન ઓફ બંગાળના સચિવ પણ છે.

સીએન 24,ગુજરાત

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના પરિવારમાં પણ કોરોના સંક્રમણનો કેસ સામે આવ્યો છે. તેના મોટા ભાઈ અને બંગાળના ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી સ્નેહાશીષ ગાંગુલીની પત્ની અને તેમના માતા-પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે બધા બેહાલામાં ગાંગુલીના પૂર્વજોના ઘરની જગ્યાએ મોમિનપુરમાં રહેતા હતા.

સ્નેહાશીષના મોમિનપુરના ઘરે કામ કરતા એક નોકરને પણ ચેપ લાગ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી હતી.

નર્સિંગ હોમમાં બધાની સારવાર થઈ રહી છે

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સ્નેહાશીષના પત્ની અને તેના સાસુ-સસરાએ શરદી અને તાવની ફરિયાદ કરી હતી. લક્ષણો કોરોના જેવા જણાતા હતા. આ પછી, દરેકનો કોરોના ટેસ્ટ કરાયો હતો. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ચારેય સભ્યોને નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતા.

બીજો રિપોર્ટ આવે તે પછી ડિસ્ચાર્જ અંગે નિર્ણય લેવાશે

નર્સિંગ હોમના ડોકટરોએ જણાવ્યું હતું કે હાલમાં ચારેય દર્દીઓની તબિયત સારી છે. શનિવારે ફરીથી તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. તે રિપોર્ટના આધારે જ તેમના ડિસ્ચાર્જ અંગેનો નિર્ણય લેવામાં આવશે.

સ્નેહાશીષનો કોરોના રિપોર્ટ નેગેટિવ

પત્ની અને સાસુના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સ્નેહાશીષનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, તેમ છતાં તેને હોમ કવોરન્ટીન થવાનું કહેવામાં આવ્યું છે.

ગાંગુલીએ ગરીબો માટે 50 લાખ રૂપિયાના ચોખાનું દાન કર્યું

ગાંગુલી કોરોનાવાયરસ રોગચાળાની શરૂઆતથી બંગાળના ગરીબોની મદદ કરી રહ્યો છે. શરૂઆતમાં, તેણે બેલુર મઠને 50 લાખ રૂપિયાના 2 હજાર કિલો ચોખા દાનમાં આપ્યા. આ ઉપરાંત તેણે કોલકાતામાં ઇસ્કોન સેન્ટર દ્વારા દરરોજ 10 હજાર લોકોને ખવડાવવાનું વચન પણ આપ્યું હતું.