ગાંધીનગરમાં સીબીઆઇના પીઆઇ તરીકે ફરજ બજાવતા સંદીપ કુમારની ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે સંદીપકુમાર હાજર થયા બાદ કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ફરિયાદ નોંધાયા બાદ સંદીપ કુમાર ફરાર થઈ ગયા હતા, જો કે, શુક્રવારે અચાનક હાજર થતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા. દીવમાં ફરજ બજાવનારા કેન્દ્રના અધિકારીને ભ્રષ્ટાચારના કેસમાં ફીટ કરવાની ધમકી આપ્યા બાદ ફરિયાદ નોંધાઈ હતી.
સીબીઆઈના ગાંધીનગરના અધિકારી પર રૂ. 10,00,000ની લાંચ માંગવાની ફરિયાદ નોંધાઇ હતી. સીબીઆઇના અધિકારીની ગાંધીનગર સ્થિત કચેરી સીલ કરવામાં આવી હતી. ફરિયાદ દાખલ થયાની જાણ થતા સીબીઆઇના અધિકારી સંદીપકુમાર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. દીવમાં ફરજ બજાવતા મત્સ્યઉદ્યોગ વિભાગના મદદનીશ અધિકારી અંજનીએ તેમની સામે CBIમાં લેખિત ફરિયાદ કરી હતી. સંદીપ કુમાર ગાંધીનગરમાં સીબીઆઇના પીઆઇ તરીકે ફરજ બજાવતા હતા. લાંચ માંગનાર સંદિપકુમાર સાથેની થયેલી વાતચીતના તમામ પુરાવાઓ શુકન અંજનીએ સીબીઆઈને સોપ્યા હતા. પુરાવાની ચકાસણી કર્યા બાદ સીબીઆઇએ પોતાના જ અધિકારી સામે ફરિયાદ દાખલ કરી હતી.