ગાંધીનગર: ગુજરાતમાં નશાબંધી અમલમાં છે અને સરકારે કાયદો પણ કડક બનાવાયો છે પરંતુ પરવાનાવાળી લીકર શોપમાંથી પરવાનેદારોને દારૂનું અધધ કહી શકાય તેટલું વેચાણ થયું છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની 58 લીકર શોપમાંથી 78.38 લાખ લીટર વિદેશી દારૂ અને 4.59 કરોડ લીટર બીયરનું વેચાણ થયું છે.
રાજ્યમાં ગેરકાયદે દારૂનું મોટાપાયે વેચાણ
વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય નિરંજન પટેલે રાજ્યમાં 5 વર્ષમાં દારૂના વેચાણ અંગે માંગેલી માહિતીની જવાબમાં સરકારે જણાવ્યું હતું કે રાજ્યના 14 જિલ્લામાં 58 જેટલી પરવાનાવાળી લીકર શોપ આવેલી છે. જેમાં સૌથી વધુ લીકર શોપ અમદાવાદમાં 13 છે.
તે પછી જામનગરમાં 8, વડોદરામાં 7, સુરતમાં 5 અને ગાંધીનગર- આણંદમાં 3 લીકર શોપ છે. એકતરફ રાજ્યમાં ગેરકાયદે દારૂનું મોટાપાયે વેચાણ થઇ રહ્યું છે ત્યારે કાયદેસર દારૂના વેચાણના આંકડા પણ ચોંકાવનારા છે. પરવાના ધરાવતી દુકાનોમાંથી થયેલા દારૂના વેચાણથી રાજ્ય સરકારને 66.47 કરોડ રૂપિયાની આવક થઇ છે.
દારૂ વેચાણથી સૌથી વધુ આવક ધરાવતા જિલ્લા
જિલ્લો | 2016-17 | 2017-18 |
અ’વાદ | 2.42 કરોડ | 2.34 કરોડ |
સુરત | 5.16 કરોડ | 5.50 કરોડ |
રાજકોટ | 1.87 કરોડ | 2.31 કરોડ |
ભરૂચ | 2.29 કરોડ | 2.53 કરોડ |