ગુજરાત કોંગ્રેસમાં બીજો ધડાકો, ધ્રાંગધ્રાના ધારાસભ્યએ પણ આપી દીધું રાજીનામું

0
161

ગુજરાત કોંગ્રેસ પર ભાજપે સર્જીકલ સ્ટ્રાઇક કરી એક જ દિવસમાં બે ધારાસભ્યોની વિકેટ ખેડવી છે. સવારે માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડાએ આપેલા રાજીનામાની કળ વળે એ પહેલા જ ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પણ ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દેતા કોંગ્રેસમાં ભૂકંપ સર્જાયો છે. બપોર બાદ મુખ્યપ્રધાન સાથે મેરેથોન બેઠક યોજ્યા બાદ પરસોત્તમ સાબરિયાએ વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સુપરત કર્યું. ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ પરસોત્તમ સાબરિયાએ જણાવ્યું કે મારે વિકાસના કામો કરવા હતા એટલે મેં રાજીનામું આપી દીધું છે.

સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે તેમના પર કોઇ જાતનું દબાણ નથી. નાની સિંચાઈ યોજનામાં લાંબો જેલવાસ ભોગવ્યા બાદ જામીન પર મુક્ત થયેલ ધારાસભ્ય પરસોત્તમ સાબરિયા ગમે ત્યારે ભાજપનો ખેસ ધારણ કરી શકે છે. અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને કોળી મતદારો ઉપર મજબૂત પકડ ધરાવતા કુંવરજીભાઇ બાવળિયા ભાજપમાં જોડાયા હતા. જે બાદ વધુ એક કોળી આગેવાન પરસોતમભાઈ સાબરીયાને ભાજપ પોતાની છાવણીમાં લાવવામાં સફળ રહી છે.

ઉલ્લેખનીય છે કે ભાજપનો ગઢ ગણાતા મોરબીમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઉદ્યોગપતિ પરસોત્તમ સાબરીયા હળવદ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઝંપલાવી ભાજપની પરંપરાગત વર્ષો જૂની બેઠક આંચકી લીધી હતી. જો કે કુટનીતિમાં માહેર ભાજપ સરકારની ચાલ સામે સીધા સાદા ગણાતા પરસોત્તમ સાબરીયા નાની સિંચાઈ યોજનામાં શિકાર બની જતા તેમણે લાંબો જેલવાસ ભોગવવો પડ્યો હતો.

તાજેતરમાં જ જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ ભાજપમાં જોડાવા હોવાની વાતે જોર પકડ્યું હતું. પરસોત્તમ સાબરિયાને કોંગ્રેસ છોડી ભાજપમાં લાવવામાં હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ ઓપરેશન હાથ ધર્યું હતું. પરસોતમ સાબરીયા ભાજપમાં જોડાતા તેમને હવે બોર્ડ કે નિગમમાં મહત્વનું સ્થાન મળે તેવી અટકળો પણ વહેતી થઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here