ગુજરાત ફેક એન્કા.કેસ, મૃતકના પિતાએ કહ્યું-મને આતંકીનો બાપ બનાવી બરબાદ કર્યો, નોકરી ગઈ

0
43

અમદાવાદઃ ગુજરાતમાં 2002થી 2006 દરમિયાન 17 કથિત ફેક એન્કાઉન્ટર કેસોની તપાસ કરનારી જસ્ટિસ એચ.એસ. બેદી સમિતિએ ત્રણ(કાસિમ જાફર, સમીર ખાન પઠાણ, હાજી ઈસ્માઈલ) એન્કાઉન્ટર નકલી જાહેર કરી 9 પોલીસ અધિકારી સામે કેસ ચલાવવા ભલામણ કરી છે. જેમાં DYSP તરુણ બારોટ, કે.એમ.વાઘેલા,જે.એમ.યાદવ, પરાગ પી. વ્યાસ, ગણેશ ભાન, આઈ.બી.મોનપરા, એસ.કે. શાહ અને જે.એમ.ભરવાડનો સમાવેશ થાય છે. આ અંગે અમદાવાદમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સમીર ખાન પઠાણના પિતા સરફરાઝ ખાને એક અંગ્રેજી ન્યૂઝ પેપરને જણાવ્યું હતું કે, મારા પુત્રને આતંકવાદી કહી મારી નાંખ્યો અને મને આતંકીનો બાપ બનાવી બરબાદ કર્યો છે. મારી નોકરી ચાલી ગઈ છે.

સમીર પઠાણને મોદીની હત્યા કરવાના ષડયંત્રનો ભાગ ગણાવી ઠાર કર્યો

AMTSના ઉચ્ચ અધિકારીએ આતંકીનો પિતા કહ્યોઃ સમીર ખાનના પિતા

સરફરાઝ ખાન આગળ કહે છે, હું એએમટીએસમાં ડ્રાઈવર હતો અને મહિને 18000 રૂપિયા પગાર હતો. પરંતુ આ એન્કાઉન્ટર બાદ 10 દિવસ સુધી પોલીસ ઘરે આવતી અને ગમે તે સમયે પોલીસ સ્ટેશને લઈ જતી હતી. મને રાત્રે કલાકો સુધી રાહ જોવડાવતા હતા. જેથી હું સમય પર નોકરી કરી શકતો ન હોવાથી મને બે વીકમાં જ નોકરીમાંથી હાંકી કાઢ્યો. એએમટીએસના ઉચ્ચ અધિકારીએ મને આતંકીના પિતા કહ્યો. મેં 28 વર્ષ કામ કર્યું પણ પેન્શન આપવાથી ઈન્કાર કર્યો અને ગ્રેચ્યુટી તથા પીએફ પણ અડધું જ આપ્યું.

સમીર ખાનનું એન્કાઉન્ટર ઠંડા કલેજે હત્યાઃ રિપોર્ટ

પોલીસ મુજબ, સમીર મે 1996માં કોન્સ્ટેબલ વિષ્ણૂની હત્યા કરી પાકિસ્તાન જઈ જૈશ-એ-મોહમ્મદમાં જોડાયો હતો. ત્યાર બાદ નેપાળ માર્ગે પાછો ફર્યો હતો. 2002માં અક્ષરધામ મંદિર પર હુમલા પછી તેના પાકિસ્તાની આકાઓએ તેને અમદાવાદ જઈ નરેન્દ્ર મોદીની હત્યા કરવા કહ્યું. ઝડપી લીધા બાદ ક્રાઈમ બ્રાંચ તેને કોન્સ્ટેબલની હત્યા સ્થળે લઈ ગઈ હતી. દાવો છે કે ઈન્સ્પેક્ટર વાઘેલાની રિવોલ્વર આંચકી ગોળીબાર કરતા સમીર ભાગ્યો ત્યારે ઈન્સ્પેક્ટર તરુણ બારોટ અને એ.એ. ચૌહાણે તેને ગોળી મારી દીધી. તપાસ સમિતિએ મેડિકલ રિપોર્ટ અને અન્ય પુરાવના આધારે એન્કાઉન્ટરને નકલી અને ઠંડા કલેજે હત્યા કરી હોવાનું કહ્યું છે. ઈન્સ્પેક્ટર કે. એમ. વાઘેલા, ટી. એ. બારોટ વિરુદ્ધ હત્યાનો કેસ ચલાવવા ભલામણ કરી છે. જેમાં ઈન્સ્પેક્ટર ચૌહાણનું મોત થઈ ગયું છે.

ન્યાય મળવાની અપેક્ષા ઓછીઃ હાજી ઈસ્માઈલનો પુત્ર

જ્યારે 2005માં જામનગરમાં પોલીસ અથડામણમાં માર્યા ગયેલા હાજી ઈસ્માઈલના પુત્ર મહેબૂબે જણાવ્યું કે, સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસના આરોપીઓ છૂટ્યા બાદ આગામી સમયમાં ન્યાય મળવાની અપેક્ષા ઓછી છે. મારા પિતાનો હત્યા કેસ આગળ ન વધારવા માટે ઓથોરિટી પર દબાણ હતું. નોંધનીય છે કે, હાલ મહેબૂબ જામનગર જિલ્લાના જામસલાયામાં શિફ્ટ થઈ ગયો છે. તે અહીં આઇસ્ક્રિમ બનાવવાની નાની ફેક્ટરી ચલાવે છે.  તેનો મોટો ભાઈ મુંબઈમાં નોકરી કરે છે અને નાનો ભાઈ તેની સાથે જ રહે છે.

હાજી ઈસ્માઈલ એન્કા.મામલે 5 અધિકારી કેસ ચલાવવા ભલામણ

પોલીસનો દાવો છે કે તેને 9 ઓક્ટોબર, 2005ના માહિતી મળી હતી કે કુખ્યાત દાણચોર હાજી ઈસ્માઈલ તેની મારુતિ ઝેનમાં જઈ રહ્યો હતો. ઈસ્માઈલ કારમાંથી બહાર નીકળ્યો અને પોલીસ પાર્ટી પર ગોળીબાર કર્યો. પોલીસે વળતો ગોળીબાર કર્યું અને તેનું મોત થયું. તપાસ સમિતિએ ઈન્સ્પેક્ટર કે.જી. એરડા, સબ ઈન્સ્પેક્ટર એલ.બી. મોનપારા, જે. એમ. યાદવ, એસ.કે. શાહ અને પરાગ પી. વ્યાસ વિરુદ્ધ કેસ ચલાવવા ભલામણ કરી છે.

મેં આ દિવસ તેના નિસ્વાર્થ યોગદાનને કારણે જોયોઃ કાસિમના પત્ની

જ્યારે કાસિમ જાફરના મુંબઈમાં રહેતા પત્ની મરિયમ બીબીએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવડ અને સુપ્રીમ કોર્ટના વકીલ પ્રશાંત ભૂષણનો આભાર માનતા જણાવ્યું કે, મેં આ દિવસ તેમના નિસ્વાર્થ યોગદાનને કારણે જોયો છે.

એપ્રિલ 2006માં પોલીસે ડિટેઈન કર્યા બાદ કાસિમ જાફર રસ્તા પરથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. પોલીસનો દાવો છે કે તેને અમદાવાદની એક હોટેલમાંથી અન્ય 17 લોકો સાથે ઉઠાવ્યો હતો. પોલીસ સ્ટેશન લઈ જતી તે સમયે પોલીસના હાથમાં ભાગી છૂટ્યો હતો. એક દિવસ પછી તેનો મૃતદેહ પૂલ નીચેથી મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કાસિમ 17 લોકો સાથે અમદાવાદની હુસૈન ટેકરીએ આવ્યો હતો.

જ્યારે જસ્ટિસ બેદીના રિપોર્ટ મુજબ, પોલીસની ટીમ તેને શાહીબાગમાંથી એક ખાનગી વાહનમાં ઉઠાવી લઈ જવાયો અને ક્રિમિનલ ગેંગ અંગે પૂછપરછ કરી. આ દરમિયાન જાફરે પૂછ્યું કે તેને શા માટે ઉઠાવ્યો છે ત્યારે ગુસ્સે થયેલા પોલીસ તેને ઢસડીને  લઈ ગઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here