ગુજરાત સરકારે ઇ-સિગારેટ પર લીધો મોટો નિર્ણય

0
52

  • CN24NEWS-20/06/2019
  • ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોમાં ઓનલાઇન મંગાવવામાં આવતી આરોગ્ય માટે જોખમી એવી ઇ-સિગારેટનું ચલણ જોવા મળ્યું છે. ઇલેકટ્રોનીક નિકોટીન ડિલિવરી સિસ્ટમ (ENDS) દ્વારા ઓનલાઇન મંગાવાતી ઇ-સિગારેટ ઉપર પણ ગુજરાતમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. આ અંગે હાલના કાયદામાં સુધારો પણ કરવામાં આવશે. હાલમાં ભારતના 12 રાજ્યો સહિત વિશ્વના 36 દેશોમાં આ પ્રકારની ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ઇ-સિગારેટ બેટરીથી ચાલતું એક એવું સાધન છે કે તેમાં રહેલા પ્રવાહીને એરોસોલમાં પરિવર્તીત કરે છે કે જેને ઇ-સિગારેટ પીનાર શ્વાસમાં લે છે અને બહાર કાઢે છે. ઇ-સિગારેટ જે પ્રવાહી હોય છે. તેમાં નિકોટીન, પ્રોપીલીન ગ્લાયકોલ ગ્લિસરીન ફલેવરીંગ્સ અને અન્ય રસાયણો હોય છે. રીસર્ચ ઉપરથી એ સાબિત થયું છે કે ઇ-સિગારેટના એરોસોલમાં ઘણા હાનિકારક તત્વો ઉપરાંત ડાયાસીટીલ નામનું રસાયણ કે જે ફેફસાના રોગો માટે જવાબદાર હોય છે તેમજ તેમા શિશુ જેવા ધાતુઓ અને કેન્સરમાં પરિણમે તેવા રસાયણો હોય છે. ઇ-સિગારેટના ઉત્પાદકો એવા દાવો કરતાં હોય છે કે ઇ-સિગારેટમાં નિકોટીન હોતું નથી. પરંતુ ઇ-સિગારેટમાં પણ નિકોટીનની હાજરી જોવા મળેલ છે.

    ઇ-સિગારેટ વિકસતા બાળકો માટે ખૂબ જ નુકશાનકારક છે અને આવા બાળકોને તેની લત પડી જાય છે અને તેથી બાળકો અને 20 વર્ષની આજુબાજુની ઉંમરના જવાન છોકરાઓને મગજના વિકાસમાં અવરોધરૂપ બને છે. જયારે કોઇ વ્યક્તિ ઇ-સિગારેટનો ઉપયોગ કરતી હોય ત્યારે તેની જોડે ઉભેલી વ્યક્તિ પણ ઇ-સિગારેટમાં રહેલ એરોસીલ અને અન્ય રસાયણોનો પણ ભોગ બને છે. ઇ-સિગારેટ પીવાનો આજકાલના કુમળી વયના બાળકો તેમજ યુવકોમાં એક પ્રકારનો શોખ પેદા થયો છે જે એક ચિંતાનું કારણ છે તેમ તેમણે વિગતો આપતા કહ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં ઇ-સિગારેટના વેચાણ ઉપર કોઇ પ્રતિબંધ ન હોવાના કારણે તે સહેલાઇથી ઓનલાઇન ઉપલબ્ધ છે. ફ્રુડ એન્ડ ડ્રગ્સ એડમીનીસ્ટ્રેશન, અમેરિકાના નિયમો પ્રમાણે 18 વર્ષ અને તેથી મોટી ઉંમરની વ્યક્તિઓ જ ઇ-સિગારેટ ખરીદી શકે છે. પરંતુ ભારતમાં ઓનલાઇન અથવા અન્ય કોઇ વેચાણ પર કોઇ પ્રતિબંધ ન હોવાથી 18 વર્ષથી નીચેના બાળકો પણ ઇ-સિગારેટ ખરીદી શકે છે. અને ઇ-સિગારેટની તેમને લત લાગતા શારિરીક તેમજ આર્થિક રીતે બરબાદીને આમંત્રણ આપે છે. આ પ્રકારની બદી રાજ્યના યુવા ધનમાં વધારે ખરાબ અસરો ઉભી ન કરે તે હેતુથી તેને ઉગતી જ ડામવી અનિવાર્ય છે. આથી, રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં સંબધિત કાયદામાં સુધારો પણ કરવામાં આવશે.

રાજ્યનું યુવાધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે રાજ્ય સરકાર મક્કમ નિર્ધાર કરીને નશાંધીના ચુસ્ત અમલ માટે કાયદાકીય સુધારાઓ કરી કાયદાને વધુ સુદ્રઢ બનાવ્યો છે ત્યારે ડ્રગ્સ, માદક પદાર્થોના વેચાણ-સંગ્રહ કરનાર કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર છોડશે નહીં. નાર્કોટીક્સ અને માદક પદાર્થની બદી ડામવા કડક કાર્યવાહી કરાશે. જે વિસ્તારમાં નાર્કોટીક્સ પડકાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરાશે તેમ પણ પ્રદિપસિંહ જાડેજાએ ઉમેર્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here