ગુજરાત : FSLએ સ્ટાર્સના 35 ડિવાઈસના લોક ખોલ્યા, ડ્રગ્સ ડિલિવરી માટે D અને do જેવા કોડનો કરતા ઉપયોગ

0
8
  •  FSLની ટીમ પાસે 84 ડિવાઈસ આવ્યાંનું જણાયું, રિકવર 5 TB ડેટાની પ્રિન્ટ કાઢે તો 5 લાખથી વધુ કોપી થાય
  • મારિજુઆના સહિતના ડ્રગ્સની ડિલિવરી તેમજ હેરફેર માટે સિક્રેટ કોડવર્ડનો વારંવાર ઉપયોગ, હજી ઘણાં વિસ્ફોટક તથ્યો બહાર આવશે

બોલિવૂડ સ્ટાર સુશાંતસિંહ રાજપૂતે ગત 14 જૂને બાંદ્રાસ્થિત તેના ફ્લેટમાં કથિત આત્મહત્યા કરી એમાં ડ્રગ્સ પ્રકરણનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. આ ડ્રગ્સપ્રકરણમાં બોલિવૂડની ઘણી નામી હસ્તીઓ તેમજ સ્ટાર્સનાં નામ ખૂલ્યાં હતાં. બોલિવૂડ સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી(FSL)ને તપાસ માટે ડેટા સોંપ્યો હતો. તેમાં 30 મોબાઈલ ડેટાનો ફાઈનલ રિપોર્ટ FSLએ NCBને સોંપી દીધો છે. FSL પાસે 84 ડિવાઈસ આવ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 5 TB ડેટા રિકવર કરવામાં આવ્યો છે. જો આ ડેટાની પ્રિન્ટ કાઢવામાં આવે તો 5 લાખ જેટલી કોપી નીકળી શકે છે.

કેન્દ્રીય એજન્સીઓ આ કેસની તપાસમાં જોડાઈ એ પછી ધડાધડ બોલિવૂડની હિરોઈનો, એક્ટર્સ તથા ડાયરેક્ટર્સના મુંબઈમાં ડ્રગ્સ-કનેક્શન નીકળ્યાં હતાં. આ બોલિવૂડ સ્ટાર્સના ફોનનંબર ડ્રગ્સ-ડીલર તેમજ કેરિયર પાસે મળવા લાગ્યા હતા. આના આધારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોએ (NCB) સંખ્યાબંધ બોલિવૂડ સેલિબ્રિટીનાં ફોન, લેપટોપ, મેકબુક, પેનડ્રાઈવ જપ્ત કરીને ગુજરાત FSLમાં તપાસ માટે મોકલ્યાં હતાં. હવે ગુજરાત FSLની તપાસમાં કેટલાંક ચોંકાવનારાં તથ્યો જણાયાં છે.

આ સેલિબ્રિટીઓના ફોન FSL પાસે આવ્યા

  • રિયા ચક્રવર્તિ
  • દીપિકા પાદુકોણ
  • રકુલ પ્રીત સિંઘ
  • અર્જુન રામપાલ
  • શ્રદ્ધા કપૂર
  • સારા અલી ખાન
  • કરિશ્મા પ્રકાશ

મારિજુઆના, અન્ય નશીલા પદાર્થો માટે D અને do જેવા સિક્રેટ કોડ
આ ડિવાઈસની તપાસ કરી રહેલા FSLના અધિકારીએ જણાવ્યું હતું કે આ સેલિબ્રિટીઓના ડ્રગ-ડીલર તથા કેરિયર સાથે ફ્રિક્વન્ટ ચેટિંગ થયાં છે. આ ચેટિંગમાં તેમણે વારંવાર D અને do જેવા સિક્રેટ કોડનો ઉપયોગ કર્યો છે. આ સિક્રેટ કોડનો ઉપયોગ ડ્રગ્સની ડિલિવરી તેમજ તેની હેરફેર માટે વપરાયા હોવાની પ્રબળ શક્યતા છે. અત્યારસુધીમાં 35 ડિવાઈસમાંથી ડેટા રિકવર થઈ શક્યા છે અને વધુ ને વધુ ડિવાઈસના કોડ ખૂલ્યા બાદ વધુ વિગતો પ્રાપ્ત થઈ શકશે.

સેલિબ્રિટીઓનાં ડિવાઈસ થ્રી-લેયરમાં લોક, પાસવર્ડ કોઈએ ન આપ્યા
ગુજરાત FSL પાસે બોલિવૂડની નામી હિરોઈનો સહિતની સેલિબ્રિટીનાં કુલ 84 ડિવાઈસ છે, જેમાં મોબાઈલ ફોન, લેપટોપ, પેનડ્રાઈવ અને ડીવીઆર પણ સામેલ છે. આ એવું ડિવાઈસ છે, જેને એક સમયે સેલિબ્રિટીઓ પોતાના પાસેથી એક સેકન્ડ માટે પણ અળગા થવા દેતા નહોતા. આજે FSLની લેબમાં એક પછી એક આ ડિવાઈસ અનલોક થઈ રહ્યા છે તેમ સેલિબ્રિટીઓના રહસ્યો પણ ખૂલી રહ્યા છે. FSL દ્વારા અત્યારસુધીમાં 35 મોબાઈલ અનલોક કરી દેવાયા છે. આ ફોનમાં સેલિબ્રિટીઓએ થ્રી લેયર કોડ નાખેલા હતા, જેમાં સ્ક્રીન લોક, ત્યાર બાદ નંબર કોડ અને ત્યાર બાદ એપલોક સોફ્ટવેર પણ સામેલ છે. એકપણ સેલિબ્રિટીએ અનલોકના કોડ તપાસ એજન્સીઓને આપ્યા નહોતા.

મોબાઈલની એપના લોક માટે પણ અલાયદા પેઈડ સોફ્ટવેર
સેલિબ્રિટીઓના એન્ડ્રોઇડ ફોનને અનલોક કરવા માટે હાઇ ટેકનોલોજીના સોફ્ટવેરનો FSL દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં ફોનમાં 120 જીબી સુધીનો ડેટા પણ રિકવર થાય છે. આ ડેટાની સાથે ઘણાં લોક સોફ્ટવેર પણ મોબાઈલમાં હતાં, જેમાં પેઈડ વર્ઝન સામેલ છે. FSLના અધિકારીએ જણાવ્યું હતું કે 35 ડિવાઈસમાંથી રિકવર કરાયેલા ડેટામાં ફોટો, સ્ક્રીન શોટ, ઓડિયો અને વીડિયો ડેટા, વ્હોટ્સએપ ચેટ, SMS, કોલ લોગ, વ્હોટ્સએપ કોલ લોગ, સોશિયલ મીડિયા, વીડિયો કોલ લોગ, ડિલિટ કરેલો ડેટા પણ સામેલ છે. આ ડેટાને પુરાવા તરીકે પ્રિન્ટ કરાય તો 5 લાખ કરતાં વધુ પેજ થઈ શકે છે. જેથી NCBએ આ સમગ્ર ડેટા ડિજિટલમાં મેળવ્યો છે. આને આધારે અત્યારસુધી સ્ટાર્સને બીજી વખત સમન્સ પણ આપવામાં આવ્યા છે.

ચેટ અને સ્ક્રીનશોટમાં વિડ(મારિજુઆના) જેવી વસ્તુ દેખાઈ
FSLના અધિકારીએ જણાવ્યું હતું કે NCBએ આપેલા ફોનનાં ચેટ અને સ્ક્રીન શોટમાં નાના પાઉચમાં કાળા કલરની વસ્તુ દેખાય છે જે વિડ (મારિજુઆના) હોઈ શકે છે. એની સાથે ટેબ્લેટના સિમ્બોલિક પિક્ચર પણ છે એને આધારે NCB તપાસ કરી રહી છે. હજારો ડેટાની વચ્ચે D, do જેવા કોડ પણ હોવાનું સામેલ છે, જેને માઈક્રો ફિલ્ટર કરવા માટે હવે NCB નવા ડેટાની ડિમાન્ડ કરશે, જે સમગ્ર ડ્રગ્સ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે.

NCB સમક્ષ એક્ટ્રેસ બિચારી-બાપડી બનીને કરગરતી હતી
NCB દ્વારા તપાસ ચાલી રહી છે ત્યારે એક પછી એક સેલિબ્રિટીનાં નામ ખૂલતાં બોલીવૂડમાં હડકપ મચી ગયો હતો. કેટલાંક એકટર અને એક્ટ્રેસ બિચારા-બાપડા બનીને તપાસ અધિકારી સામે કરગરતાં હોવાનું કેન્દ્રીય એજન્સીનાં સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. આ કેસ સાથે જોડાયેલી તપાસ ટીમની એક વ્યક્તિના મિત્ર ગુજરાતમાં મહત્ત્વની જગ્યાએ ફરજ બજાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન કેટલીક સેલિબ્રિટીએ આ અધિકારીને વ્યક્તિગત મળવા માટે પ્રયાસ કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here