અમદાવાદ: વાસણાનાં એક એપાર્ટમેન્ટમાં ઘરકામ કરવા ગયેલી 13 વર્ષની શ્રમજીવી પરિવારની કિશોરી સાથે મકાન માલિક વેપારીએ દુષ્કર્મ કર્યું હોવાની અને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવાની ફરિયાદ નોંધાઇ છે. જ્યારે બીજી બાજુ મકાન માલિક વિરુદ્ધ કિશોરી સાથે દુષ્કર્મ કરીને તેને આત્મહત્યા માટે મજબૂર કરવા અંગે ગુનો નોંધ્યો છે.
દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી
ફરિયાદ અનુસાર શનિવારે માતા બીમાર હોવાથી તેની 13 વર્ષની પુત્રી નીલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગ શાહના ઘરે કામ કરવા ગઇ હતી. જોકે ચિરાગની પત્ની અને બે દીકરી સંબંધીના ત્યાં લગ્ન પ્રસંગમાં ગયાં હતાં.રાતે 9 વાગ્યે કિશોરીએ ચિરાગના ફ્લેટની ચોકડીના હૂકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે ચિરાગે પોલીસને જાણ કરતા વાસણા પોલીસ અને કિશોરીના પરિવારના સભ્યો આવી પહોંચ્યા હતા. જોકે ચિરાગે કિશોરી સાથે દુષ્કર્મ કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો આક્ષેપ કિશોરીના પરિવારે કર્યો હતો.
દુષ્કર્મ કરીને આત્મહત્યા માટે મજબૂર કરવા અંગે ગુનો નોંધાયો
વાસણા પીઆઈ સી.યુ.પરેવાએ જણાવ્યું હતું કે કિશોરીના પોસ્ટમોર્ટમનો પ્રાથમિક રિપોર્ટ આવ્યો છે, જેમાં તેનું મૃત્યુ ગળે ફાંસો ખાવાથી થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘટના બાદ રવિવારે સાંજે ચિરાગ શાહ વિરુદ્ધ કિશોરી સાથે દુષ્કર્મ કરીને આત્મહત્યા માટે મજબૂર કરવા અંગે ગુનો નોંધાયો છે. પીઆઈ પરેવાએ જણાવ્યું છે કે દુષ્કર્મના આરોપોને ધ્યાનમાં રાખીને જરૂરી પુરાવા એફએસએલમાં મોકલી દેવાયા છે.