ઘરમાં બંધ બારણે શરાબ પીવા નશાબંધીનો કાયદો હળવો કરવા હાઈકોર્ટમાં પાંચ અરજી

0
99

અમદાવાદઃ  ઘરની ચાર દિવાલની વચ્ચે બંધ બારણે શરાબનું સેવન કરવા સામેના નશાબંધી કાનૂનને હળવો કરવાની માગણી સાથે વધુ અરજદારોએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. આ માટે તેમણે દલીલ કરી છે કે, હાલના નશાબંધીના આકરા કાયદાને કારણે દેશના નાગરિકોના અંગત જીવનના અધિકારોનું સરિયામ ઉલ્લંઘન થાય છે. આ અંગે દાખલ થયેલી પાંચ ભિન્ન અરજીઓ અંગે જવાબ આપવા ગુજરાત સરકારને કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની બેન્ચે આદેશ કર્યો છે અને 11 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી નિર્ધારિત કરી છે. ગત વર્ષે એક અરજદારે ખાનગીમાં શરાબના સેવનની મંજૂરી માટે દાદ માગતી અરજી હાઈકોર્ટમાં દાખલ કરી હતી. જ્યારે હવે વધુ ચાર અરજદારે ગુજરાત નશાબંધી ધારા અને બોમ્બે ફોરેન લિકર રૂલ્સની વિવિધ સંલગ્ન કલમોને રદબાતલ ઠેરવવા માગણી કરી છે. આમાંના એક અરજદાર સંજય પરીખ સાથે દિવ્ય ભાસ્કરે એક્સક્લુઝિવ વાતચીત કરી હતી જેમાં તેમણે નશાબંધીના કાયદાને હળવો કરવા સરકારને અપીલ કરવા ઉપરાંત પોતાની અરજીના કારણો તથા તર્ક જણાવ્યા હતા.

‘ મારી પર્સનલ લાઇફ કેવી રીતે જીવવી તે મારો અધિકાર છે,સરકારનો નહી ’

કયા કારણે આપને આ પ્રકારની છૂટછાટ માગતી અરજી કરવા પ્રેર્યા?

રાઈટ ટુ પ્રાઈવસી. મારું જીવન મારે કેવી રીતે જીવવું એ મારો અધિકાર છે. મારા ઘરે અમે પાંચ મિત્રો ભેગા મળીને કોઈને ડિસ્ટર્બ ન થાય તેવી રીતે શરાબ પીએ અથવા તો પત્તા રમીએ તો તેમાં ખોટું શું છે. મારી લાઈફ મારી રીતે જીવવી એ મારો રાઈટ છે.

આપણા સમાજમાં શરાબ ખરાબ ગણાય છે તો તમે કેમ તેની હિમાયત કરો છો?

એ સમય ગયો. પહેલા આપણે શરાબને ખરાબ ગણતા હતા પણ હવે નથી ગણતા. આજે લોકો ગુજરાતની બહાર જઈને આનંદ કરે છે. પરિવારની હાજરીમાં નહીં પણ પરિવારની સાથે જ શરાબ પીવે છે. આ બધું કરવા તેમણે ગુજરાત બહાર જવું પડે છે તો પછી ગુજરાતમાં માણસ પોતાના ઘરમાં બેસીને આમ કેમ ન કરી શકે..

તમારી અરજીનો મુખ્ય આધાર કે પછી તેની પાછળનો ઈરાદો શો છે?

સરકાર થોડી લિબરલ થાય અને લોકોને તેમનું જીવન જીવવા દે. રાઈટ ટુ પ્રાઈવસીમાં સરકારે લિબરલે થવું જરૂરી છે. દારૂ પીવો અને રેપ-મર્ડર કરવું એની સજા એક જ હોય તે કેવી રીતે બની શકે. કાંઈ તો વિચાર કરો. ઊલટાનું આવા કડક કાયદાને લીધે તો કરપ્શન વધ્યું છે.

હાઈકોર્ટ તમારી અરજી ફગાવી દે અથવા તમારી વિરુદ્ધ ચુકાદો આપે તો?

અત્યારે હું કાંઈ કહી ન શકું. પરંતુ મારું અંગત જીવન કેવી રીતે જીવવું તે મારી પસંદગી હોઈ શકે. સરકાર મને એવું કેવી રીતે કહી શકે કે મારે શું કરવું, શું ખાવું, શું પીવું, શું પહેરવું? હાઈકોર્ટનો ચુકાદો હું સ્વીકારીશ અને મારે શું કરવું છે તે હું જ નક્કી કરીશ. પણ ઘરની ચાર દિવાલમાં પત્તા રમવા, પાંચ જણા ભેગા મળીને એન્જોય કરવું એ ગુનો ન કહેવાય.

જાહેર આરોગ્યના નામે નશાબંધીનો આ કાયદો વધુ પડતો આકરોઃ વકીલ

આ પાંચ અરજદારના વકીલ અને સિનિયર એડવોકેટ દેવેન પરીખે પણ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, જાહેર આરોગ્યના હેતુસર ગુજરાત સરકારે અત્યંત આકરો કાયદો બનાવ્યો છે જે મુજબ કોઈ માણસ પોતાના ઘરની ચાર દિવાલની વચ્ચે કોઈ ત્રીજાને નુકસાન કે ખલેલ પહોંચાડ્યા વિના શરાબને એક-બે પેગ મારે તો પણ તેને કોઈ બળાત્કારી કે ખૂનીની સમકક્ષ ગણીને તેટલી જ આકરી સજા કરાય છે. આનાથી જાહેર આરોગ્યની જાળવણીનો હેતુ બર આવતો જ નથી. આવું જ હોય તો પછી સરકાર તમાકુથી આટલા બધા માણસો મરતા હોવા છતાં સિગરેટ કે પાનમસાલા કે તમાકુના વેચાણ પર કેમ પ્રતિબંધ નથી મૂકતી. ચાર મિત્રો ભેગા થઈને બંધ બારણે પોતાની રીતે એન્જોય કરે તેના માટે આટલી આકરી સજા વધુ પડતી છે અને હાઈકોર્ટે નશાબંધીના આ ભયંકર આકરા કાયદાની સમીક્ષા કરવી જોઈએ એટલી જ અમારી માગણી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here