ચંદા કોચર સામે FIR દાખલ કરનાર સીબીઆઈ અધિકારીની બદલી

0
17

નવી દિલ્હીઃ ICICIબેંકનાં પૂર્વ CEO ચંદા કોચર સામે FIR દાખલ કરનાર CBI અધિકારી સુધાંશુ મિશ્રાની બદલી કરવામાં આવી છે. સીબીઆઈએ કોચર સામે 22મી જાન્યુઆરીએ કાર્યવાહી કરી હતી. બેંકિગ સિક્યોરીટી એન્ડ ફ્રોડ સેલમાં એસપી સુધાંશુ મિશ્રાને રાંચીમાં સીબીઆઈની આર્થિક ગુનાની શાખામાં મોકલાયા છે. આ ઉપરાંત તેમની જગ્યાએ વિશ્વજીત દાસને જવાબદારી સોંપવામાં આવી છે. આ પહેલા પણ દાસ કોલકત્તામાં CBIની આર્થિક ગુનાની શાખામાં SP હતા.

કોચર પર વિડીયોકોન લોન મામલામાં અનિયમિતતાનો આરોપ

સીબીઆઈએ 3,250 કરોડ રૂપિયાની લોનનાં કેસમાં ચંદા કોચર ઉપરાંત તેમના પતિ દીપક કોચર અને વિડીયોકોન ગ્રુપનાં એમડી વેણુગોપાલ ધૂત સામે પણ FIR દાખલ કરી હતી. એજન્સીએ વિડીયોકોન કંપનીનાં મુંબઈ- ઔરંગાબાદમાં આવેલી ઓફિસો સહિત દીપક કોચરનાં ઠેકાણાંઓ પર પણ કાર્યવાહી કરી હતી.

વિડીયોકોન ગ્રુપને ICICI બેંકે 2012માં આપેલી લોન અને તેના ન્યૂપાવર રિન્યૂએબલ્સ સાથે લેણ-દેણનાં મામલામાં સીબીઆઈએ કાર્યવાહી કરી હતી. ન્યૂપાવર દીપક કોચરની કંપની છે.

શું છે સમગ્ર મામલો?

વિડીયોકોન ગ્રુપની પાંચ કંપનીઓને ICICI બેંકે એપ્રિલ 2012માં 3,250 કરોડ રૂપિયાની લોન આપી હતી. આ ગ્રુપે લોનનાં 86% એટલે કે 2810 કરોડ રૂપિયાની ચુકવણી કરી નથી. ત્યારબાદ લોનને 2017માં NPA જાહેર કરી દેવાઈ હતી. લોન સ્વીકારનારી કમિટીમાં ચંદા કોચર પણ સામેલ હતા. જેથી ચંદા કોચર પર પણ પક્ષપાત કરવાનો આરોપ છે. તેમની પર લાગેલા આરોપો અંગેની તપાસ ચાલી રહી છે.

ચંદા કોચરે 3 મહિના પહેલા રાજીનામુ આપ્યુ હતુ

ચંદા કોચરે ગત વર્ષે ઓક્ટોબરમાં ICICIનાં મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓનાં પદ પરથી રાજીનામુ આપ્યુ હતુ. વિડીયોકોનને લોન આપવાનાં મામલામાં ચંદા કોચર સામે ICICI બેંક સ્વતંત્ર તપાસ પણ કરી રહી છે.

CBI લક્ષ્યથી ભટકીને તપાસ કરી રહી છે- જેટલી

આ પહેલા નાણામંત્રી અરુણ જેટલીએ શુક્રવારે ટ્વીટ કરીને વિડીયોકોન મામલામાં સીબીઆઈની તપાસ પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, તપાસ એજન્સી લક્ષ્ય પર નજર રાખવાની જગ્યાએ ઈન્વેસ્ટિગેટિવ એંડવેન્ચર કરી રહી છે. જેથી લક્ષ્યથી ભટકીને તપાસ કરાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here