Tuesday, December 7, 2021
Homeચંદ્રબાબુની હાજરીમાં મમતાએ ધરણા સમેટી લીધા, કહ્યું - મોદી રાજીનામું આપી ગુજરાત...
Array

ચંદ્રબાબુની હાજરીમાં મમતાએ ધરણા સમેટી લીધા, કહ્યું – મોદી રાજીનામું આપી ગુજરાત જાય

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂની હાજરીમાં ધરણા ખતમ કર્યા હતા. તેઓ કોલકત્તાના પોલીસ કમિશનર રાજીવ કુમાર પર સીબીઆઇની કાર્યવાહી વિરૂદ્ધ રવિવાર રાતથી ધરણા પર બેઠાં હતા. આ પહેલાં મંગળવારે સવારે સુપ્રીમ કોર્ટે રાજીવ કુમારને સીબીઆઇની સામે રજૂ કરવાના આદેશ આપ્યા હતા. કુમારને શિલોન્ગ સ્થિત સીબીઆઇ ઓફિસમાં હાજર થવું પડશે. ચંદ્રબાબુ નાયડૂ મંગળવારે મમતા સાથે મુલાકાત કરવા ઘટનાસ્થળ પર પહોંચ્યા. અહીં મમતાએ કહ્યું, કેન્દ્ર સરકાર રાજ્યની એન્જસીઓ સહિત તમામ તપાસ એજન્સીઓ પર નિયંત્રણ રાખવા ઇચ્છે છે. મોદીએ રાજીનામું આપીને ગુજરાત પરત જવું જોઇએ. આ એક વ્યક્તિ અને એક પાર્ટીની સરકાર છે.

CBI કાર્યવાહી વિરૂદ્ધ મમતાના ધરણા

રાજીવની ધરપકડ નહીં: સુપ્રીમ કોર્ટ

કોર્ટે મંગળવારે સુનવણી કરતા એવી સ્પષ્ટતા કરી હતી કે, રાજીવ કુમારની ધરપકડ ના કરવામાં આવે. કોર્ટના આદેશને મમતાએ સંવિધાન અને પોતાની જીત ગણાવી છે. વળી, ભાજપાએ તેને સીબીઆઇની જીત મેળવી છે. સીબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આગામી સુનવણી 20 ફેબ્રુઆરીના રોજ થશે.

 રવિવારે CBI રાજીવની ધરપકડ કરવા પહોંચી
આ પહેલાં રવિવારે સીબીઆઇની ટીમ રાજીવ કુમારની પૂછપરછ કરવા કોલકત્તા પહોંચી હતી. કોલકત્તા પોલીસે સીબીઆઇને આવું કરવાથી અટકાવી હતી. સીબીઆઇની કાર્યવાહી વિરૂદ્ધ મમતા બેનર્જીએ ધરણા શરૂ કર્યા હતા. બીજી તરફ, સીબીઆઇએ પણ આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.
CBIનો આરોપ- કુમારે પુરાવાઓનો નાશ કર્યો

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની વાળી બેંચે આ મામલાની સુનાવણી કરી હતી. CBI તરફથી એટોર્ની જનરલ કેકે વેણુગોપાલ હાજર થયા હતા. કહ્યું કે કોલાકાતા પોલીસે શારદા કૌભાંડનાં પુરાવાઓ સાથે ચેડા કર્યા હતા. એટર્ની જનરલે જણાવ્યું કે, પશ્વિમ બંગાળ સરકારે કૌભાંડની તપાસ કરવા માટે વિશેષ ટીમ (SIT)ની રચના કરી હતી, રાજીવ કુમાર આ તપાસ ટીમનાં પ્રમુખ હતા.

સુપ્રીમ કોર્ટે કુમારને નોટિસ ફટકારી હતી, જેનો તેમણે 20 ફેબ્રુઆરી પહેલા આપવો પડશે. કોર્ટે આગળની સુનાવણીમાં બંગાળનાં પ્રમુખ સચિવ, ડીજીપી અને કુમારને વ્યક્તિગત રૂપે હાજર થવાનું પણ કહ્યું હતુ. સુપ્રીમ કોર્ટે કુમારને મેઘાલયનાં શિલોંગ સ્થિત સીબીઆઈ ઓફિસમાં હાજર થવા અને કુમારની ધરપકડ નહિ કરવા અંગે પણ જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે સીબીઆઈની તિરસ્કાર અરજી પર બંગાળનાં મુખ્ય સચિવ, ડીજીપી અને કોલકાતા પોલીસ કમિશનરને જવાબ આપવા માટે કહ્યું છે. આ જવાબ 18 ફેબ્રુઆરી પહેલા આપવો પડશે.

મોદી દાદાગીરી કરી રહ્યા છેઃ મમતા

સુપ્રીમ કોર્ટે નિર્ણય બાદ મમતાને કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે રાજીવ કુમારની ધરપકડ નહિ થાય. આ અમારી નૈતિક જીત છે. આજે બંધારણની જીત થઈ છે. અમારો પક્ષ મજબૂત છે. મોદી સરકાર અમને કામ નથી કરવા દેતી. મોદી તેમની મનમાની કરી રહ્યા છે અને દાદાગીરી કરી રહ્યા છે. કોઈ વ્યક્તિ તેમના વિરોધમાં જાય તો તેની ધરપકડ કરી લેવામાં આવે છે. કોઈની ઓરિસ્સામાં તો કોઈની બિહારમાં ધરપકડ કરવામાં આવે છે. મેં મોદીના વિરોધમાં કહ્યુ તો મને ફોન આવી ગયો, ફોનમાં એક અધિકારીએ કહ્યું કે તમે મોદી વિશે કંઈ ન બોલો. મેં કહ્યું કેમ ન બોલુ, આ લોકતંત્ર છે. જે ખોટું છે, અમે તેના વિરોધમાં જ બોલશુ. 16 રાજયોનાં 21 દળોનાં નેતાઓએ મમતાનું સમર્થન કર્યુ હતુ.

આ બંધારણની હત્યા નહીં તો શું છે – BJP

ભાજપના નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે, “અમે પૂછવા માંગીએ છીએ કે મમતા ધરણા પર કેમ બેઠી છે? પોલીસ કમિશનરને બચાવવા માગે છે કે પોતાને બચાવવાના પ્રયાસ કરી રહી છે? તે છુપાવવા શું માગે છે? ચિટફંડ મામલે તૃણુમૂલના સાંસદ અને મંત્રીની ધરપકડ થઈ, ત્યારે મમતાએ ધરણા ન કર્યાં. પોલીસ કમિશનરની પાસે એવું શું છે જેને બચાવવા માટે મમત રોડ પર બેસી ગઈ છે. એક લાલ ડાયરી, એક પેન ડ્રાઈવનો ઉલ્લેખ થયો હતો જેમાં અનેક લોકોના નામ છે, પેમેન્ટની જાણકારી છે. શું તેમને બચાવવા માગે છે મમતા? જેને ચિટફંડ કૌભાંડની તમામ ગુપ્ત માહિતીઓ ખબર છે તેને અને પોતાને બચાવવા મમતા ધરણા પર બેઠી છે. મુખ્યમંત્રીના ઘરે બેઠક હોય અને તે ઉઠીને પોલીસ કમિશનરના ઘરે ચાલી જાય તે પણ પહેલી વખત થયું છે. આ બંધારણની હત્યા નથી તો શું છે?”

ભાજપ ચોર પાર્ટી-અમારી નહીં- મમતા

મમતા બેનરજીએ કહ્યું, દેશ નરેન્દ્ર મોદીથી પરેશાન થઈ ચૂક્યો છે. આડે ઈમરજન્સી કરતાં પણ વધારે ખરાબ હાલત છે. અમારી ધીરજ હવે પૂરી થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર સીબીઆઈને કાર્યવાહી કરવા માટે પ્રેશર કરી રહી છે. મોદીએ સીબીઆઈને કહ્યું કે, કઈંક તો કરો. ભાજપ ચોર પાર્ટી છે. કોલકાતામાં અમારી રેલી પછી મોદી અને અમિત શાહ અમારી પાછળ પડી ગયા છે. ભાજપની એક્સપાઈરી ડેટ નજીક છે.

પોલીસ કમિશનરના ઘરે અજીત ડોભાલના ઈશારાથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. રાજીવ કુમાર દુનિયાના ખૂબ સારા ઓફિસર છે. ચિટફંડ કૌભાંડમાં અમે તપાસ કરી છે, અમુક લોકોની ધરપકડ પણ કરી છે. સીબીઆઈ ટીમ વોરંટ વગર પોલીસ કમિશનરના ઘરે પહોંચી છે. મારુ કામ બધાને સુરક્ષા આપવાનું છે. મોદી વિરુદ્ધ આપણે એક થવાનું છે. મોદીને હટાવીને દેશ બચાવો. આજે દેશના માળખા અને સંવિધાન પર હુમલો કરવામાં આવી રહ્યો છે. હું લોકતંત્રને બચાવવા માટે ધરણાં પર બેઠી છું. આજે કેબિનેટ બેઠક પણ અહીંથી જ થશે.

જોકે પશ્ચિમ બંગાળ અને કેન્દ્ર સરકાર વચ્ચે આ પહેલી વખત વિવાદ નથી થયો. ત્રણ મહિનાની અંદર આ ત્રીજી ઘટના છે.

સુપ્રીમકોર્ટ લાઇવ: રાજીવ-સરકારને પૂછપરછ અંગે સમસ્યા શું છે?
  • વેણુગોપાલ: રાજીવ શારદા ચીટ ફંડ ગોટાળાની તપાસ માટે રચાયેલી એસઆઈટીના વડા હતા. જ્યારે તપાસ સીબીઆઈને સોંપાઈ ત્યારે રાજીવે તમામ પુરાવા આપ્યા નહોતા. સીબીઆઈએ બોલાવ્યા તો પણ આવ્યા નહીં.
  • ચીફ જસ્ટિસ: અમે પોલીસ કમિશનરને તપાસમાં સહયોગ આપવા કહીશું.
  • વેણુગોપાલ: રાજીવે સીબીઆઈને આરોપીઓના સુધારાયેલા  કોલ રેકોર્ડ આપ્યા હતા. રેકોર્ડમાં એ માહિતી નથી કે કોણે કોને કોલ કર્યો. આ બધી વાતો કોઈ મોટા ષડયંત્ર તરફ ઇશારો કરે છે. રાજીવ પૂછપરછ માટે આવતા નથી.
  • સિંઘવી: રાજીવકુમારને ખલનાયકની જેમ રજૂ કરવામાં આવે છે. જ્યારે તેમણે અનેકવાર સીબીઆઈને પત્ર લખી કોઈ ન્યૂટ્રલ સ્થળે મળવા કહ્યું હતું. સાથે જ એ પણ કહ્યું કે સીબીઆઈ સમગ્ર એસઆઈટીને એક સાથે સવાલ કરે. તેઓ તપાસમાં સામેલ થવા તૈયાર છે.
  • ચીફ જસ્ટિસ: તમે (રાજીવ અને પ. બંગાળ સરકાર) બહુ બધી વાતોનો માત્ર અંદાજ લગાવો છે. તમારી સમસ્યા શું છે ? તપાસમાં સહયોગ કરવો પડશે.
  • વેણુગોપાલ: સીબીઆઈ દિલ્હીમાં પૂછપરછ કરવા માગે છે.
  • સિંઘવી: પૂછપરછ કોલકાતામાં થઈ શકે છે અથવા કોઈ ન્યૂટ્રલ સ્થળે.
  • ચીફ જસ્ટિસ: સ્થળ બતાવો, કે જે અંગે બંને પક્ષ સંમત હોય.
  • વેણુગોપાલ: શિલોંગની સીબીઆઈ ઓફિસમાં પૂછપરછ થઈ શકે છે.
  • ચીફ જસ્ટિસ: ઠીક છે, શિલોંગ ઠંડુ સ્થળ છે. ત્યાં બંને પક્ષ કુલ રહેશે. રાજીવ શિલોંગ જશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments