ચહેરા પર, ખાસ કરીને નાક પર જામી જતી ધૂળ ઇત્યાદિથી બ્લેક હેડની સમસ્ય સર્જાય છે. તેને કારણે ચહેરાનું સૌંદર્ય હણાય છે. પરંતુ તેને અમસ્તા જ ઘસીને દૂર નથી કરી શકાતા. આવી સ્થિતિમાં ચોક્કસ પ્રકારના સ્ક્રબથી બ્લેક હેડ દૂર કરીને સૌંદર્ય નિખારી શકાય છે. સૌંદર્ય નિષ્ણાતો તેના વિશે જાણકારી આપતાં કહે છે….,
મસૂરની કરકરી દળેલી દાળ, સંતરાની સુકી છાલનું પાવડર, અડધો ચમચો મુલતાની માટી,જવનો લોટ દહીંમાં ભેળવીને પેસ્ટ બનાવો. ચહેરો ધોઇને આ પેસ્ટ ચહેરા પર ૧૦ મિનિટ માટે લગાવી રાખો. હવે તેને હળવે હાથે મસાજ કરતાં કરતાં ચહેરા પરથી દૂર કરો.
જો તમારા ચહેરા પર ખીલ હોય તો લીમડાના તાજા પાનને પીસીને તેમાં ચણાનો લોટ, ખસખસ અને થોડું મધ ભેળવો. આ પેસ્ટ ચહેરા પર લગાવો. થોડીવાર પછી ચહેરો ધોઇ લો.
ચહેરાના રોમછિદ્રો ખુલ્લાં હોય ત્યારે બ્લેક હેડ્સ થવાની સમસ્યા વધી જાય છે. આ રોમછિદ્રોને બંધ કરવા મુલતાની માટીમાં ટામેટાનું પલ્પ ભેળવીને પેસ્ટ બનાવો. ટામેટાંમાં ત્વચાને કસવાનો ગુણ હોય છે. તેને કારણે રોમછિદ્રો પૂરાય છે અને ત્વચામાં કસાવટ આવે છે. તમે ચાહો તો માત્ર ટામેટાના પલ્પનો પ્રયોગ પણ કરી શકો છો.
બ્લેકહેડમાંથી છૂટકારો મેળવવામાં ફ્રુટ પીલ પણ મહત્વનો ભાગ ભજવે છે. પીલિંગની પ્રક્રિયા દરમિયાન ફેસ ક્રીમ અને ફ્રુટ જ્યુસથી મસાજ કરવામાં આવે છે. તેનાથી સ્કીન ડીપ ક્લીન થાય છે અને રક્ત પરિભ્રમણ ઝડપી બને છે. ત્વચા ઊંડે સુધી સ્વચ્છ થવાથી બ્લેકહેડ પણ દૂર થાય છે.
માત્ર બ્લેકહેડ્સ દૂર કરવા માટે જ નહીં, પણ સમગ્ર ચહેરાની મૃત ત્વચા દૂર કરવા માટે વેજ પીલ ઉપયોગી પુરવાર થાય છે. જોકે જેમની ત્વચા સખત હોય તેમને માટે જ આ પ્રયોગ કરવો. આ ટ્રીટમેન્ટ માટે વિવિધ શાકભાજીની છાલને સુકવીને તેનો પાવડર તૈયાર કરવામાં આવે છે. આ પાવડરમાં પ્રચૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પૌષ્ટિક તત્વો હોવાથી તે મૃત ત્વચાને દૂર કરીને ચામડી સુંવાળી બનાવવામાં મદદ કરે છે.