Tuesday, September 21, 2021
Homeચાર વખત ગોવાના CM રહ્યા મનોહર પર્રિકર, પરંતુ પૂરો ન કરી શક્યા...
Array

ચાર વખત ગોવાના CM રહ્યા મનોહર પર્રિકર, પરંતુ પૂરો ન કરી શક્યા એક પણ કાર્યકાળ

નવી દિલ્હી: કેન્સરથી પીડિત ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે નિધન થઈ ગયું છે. ગોવાના મુખ્યમંત્રી અને દેશના રક્ષા મંત્રી રહેલા મનોહર પર્રિકર રાજકારણમાં સાદગીની મિસાલ હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક રહેલા 63 વર્ષના પર્રિકર ગોવાના ચાર વખત મુખ્યમંત્રી રહ્યા હતા પરંતુ તેઓ એક પણ વખત તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા ન હતા.

મનોહર પર્રિકર 1994માં રાજકારણમાં આવ્યા હતા. ત્યારપછી તેઓ પણજી વિધાનસભા સીટના બીજેપી ઉમેદવાર તરીકે જીતીને ધારાસભ્ય બન્યા હતા. ત્યારપછી તેઓ જૂન 1999 સુધી ગોવા વિધાનસભામાં વિપક્ષના નેતા રહ્યા હતા.1999માં ગોવા વિધાનસભા ચૂંટણી થઈ હતી. રાજ્યની 40માંથી 10 સીટ જીતવામાં બીજેપીને સફળતા મળી હતી. ત્યારપછી ગોવા પીપલ્સ કોંગ્રેસની સરકાર બની પરંતુ તે એક વર્ષથી વધારે ચાલી ન હતી. ત્યાર પછી મનોહર પર્રિકરે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીના બે અને બે અપક્ષના ધારાસભ્ય સહિત 21 ધારાસભ્યોના સમર્થનમાં ગોવામાં સરકાર બનાવી હતી.


2000માં પહેલો કાર્યકાળ

મનોહર પર્રિકર 24 ઓક્ટોબર 2000માં ગોવાના મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ તેમનો આ પહેલો કાર્યકાળ 2017 ફેબ્રુઆરી 2002 સુધી જ ચાલ્યો હતો. તેમણે 2002માં ગોવાના તે સમયના રાજ્યપાલ મોહમ્મદ ફઝલને વિધાનસભા ભંગ કરીને નવી ચૂંટણી કરાવવાની ભલામણ કરી હતી. ત્યારપછી રાજ્યમાં બીજેપીનું શાસન પુરૂ થઈ ગયું હતું.

2002માં બીજો કાર્યકાળ
મનોહર પર્રિકર 5 જૂન 2002માં ફરી વખત ગોવાના મુખ્યમંત્રી બન્યા હતા. તે વખતે પણ તેઓ તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહતા. બીજેપીના ચાર ધારાસભ્યોએ 29 જાન્યુઆરી, 2005માં રાજીનામું આપી દીધું. ત્યારપછી પર્રિકર સરકાર અલ્પમતમાં આવી ગઈ. તેના કારણે તેમને મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. કોંગ્રેસના પ્રતાપ સિંહ રાણે પર્રિકરની જગ્યાએ ગોવાના મુખ્યમંત્રી બન્યા હતા.

2012માં ત્રીજો કાર્યકાળ

ગોવામાં 2007માં વિધાનસભા ચૂંટણી થઈ. તેમાં દિગમ્બર કામતના નેતૃત્વવાળી કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. પાંચ વર્ષ સુધી તેઓ વિપક્ષના નેતા રહ્યા હતા. પરતું 2012માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં બીજેપીએ 40માંથી 21 સીટ મેળવીને સત્તામાં વાપસી કરી હતી અને સત્તાના સિંહાસન પર મુખ્યમંત્રી તરીકે મનોહર પર્રિકરની નિમણૂક થઈ હતી. પરંતુ 2014માં જ્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રમાં બીજેપી સરકાર બની. મોદી સરકારે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું તેથી મનોહર પર્રિકરને ગોવાના સીએમ પદ પરથી રાજીનામું આપીને કેન્દ્રમાં રક્ષામંત્રી બનાવવામાં આવ્યા હતા. આમ, આ વખતે પણ પર્રિકર તેમનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહતા.

2017માં ચોથો કાર્યકાળ

ગોવામાં 2017માં વિધાનસભા ચૂંટણી થઈ પરંતુ બીજેપીને રાજ્યમાં બહુમત મળી શકી નહીં. ત્યારપછી તેમને રક્ષામંત્રીનું પદ છોડીને ગોવા પરત જવું પડ્યું હતું. કોંગ્રેસ 17 સીટોની સાથે સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી હતી પરંતુ બીજેપી તેમના 13 ધારાસભ્યો અને ગોવા ફોરવર્ડ પાર્ટી અને એમજીપી દળ સાથે મળીને સરકાર બનાવવામાં સફળ રહી હતી. ત્યારપછી ફરી મનોહર પર્રિકર મુખ્યમંત્રી બન્યા હતા. ગયા વર્ષે તેમની તબિયત લથડી અને ખબર પડી કે તેમને કેન્સર થયું છે. એક વર્ષની લાંબી બીમારીમાં પણ તેઓ સતત કામ કરતાં રહ્યા હતા. રવિવારે સાંજે તેમનું નિધન થયું છે. આમ ચોથી વખત પણ તેઓ તેમના મુખ્યમંત્રી પદનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments