ચૂંટણી પૂર્ણ થતાં એકશનમાં UPના CM યોગી આદિત્યનાથ, કેબિનેટ મંત્રીને બરતરફ કર્યા

0
49

લખનઉઃ લોકસભા ચૂંટણીના પરિણામ પહેલાં અને એક્ઝિટ પોલ જાહેર થયા બાદ રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજ્યપાલ રામ નાઈકને તેમના મંત્રીમંડળમાં સામેલ ઓપી રાજભરને બરતરફ કરવાની ભલામણ કરી છે. જેને રાજ્યપાલે સ્વીકાર કર્યો છે. આ નિર્ણયનું રાજભરેએ સ્વાગત કર્યુ છે.
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના ચીફ ઓપી રાજભર હાલ યોગી સરકારમાં પછાત વર્ગ કલ્યાણ તેમજ દિવ્યાંગ જન કલ્યાણ મંત્રી છે. યોગીએ રાજ્યપાલને ભલામણ કરી છે કે તેઓને તાત્કાલિક રીતે બરતરફ કરવામાં આવે. છેલ્લાં ઘણાં સમયથી રાજભર ભાજપ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિરૂદ્ધ નિવેદનો આપતા રહ્યાં છે જેની ઘણી ટીકા પણ થઈ છે.

લોકસભા ચૂંટણી પહેલાં જ રાજીનામું આપવાની ભલામણ કરી હતીઃ અનેક વખત ઓપી રાજભરે એવા નિવેદનો આપ્યાં છે કે ભાજપ માટે મુસીબતરૂપ બન્યાં છે. અને સપા તેમજ બસપાની તરફેણમાં ગયા છે. એવામાં હવે જ્યારે એક્ઝિટ પોલના પરિણામ સામે આવ્યાં છે અને ચૂંટણી પ્રક્રિયા મોટા ભાગે પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે તેમના વિરૂદ્ધ એકશનની વાત કરી છે.

લોકસભા ચૂંટણી પહેલાં ઓમ પ્રકાશ રાજભરે પછાત વર્ગ મંત્રાલયની જવાબદારી છોડવાની રજૂઆત કરી હતી. જો કે ત્યારે તેમનું રાજીનામું મંજૂર થયું ન હતું. જો કે હવે ચૂંટણી પૂર્ણ થતાં જ તેમના વિરૂદ્ધ એકશન લેવામાં આવ્યા છે.

ઓમ પ્રકાશની નારાજગીઃ ઓમપ્રકાશ રાજભર રાજ્ય સરકાર દ્વારા પછાત વર્ગના વિદ્યાર્થીઓના શિષ્યવૃતિની રકમ ન આપવા અંગે તેમજ પછાત જાતિઓને 27 ટકા અનામત સામાજિક ન્યાય સમિતિના રિપોર્ટ મુજબ ન કરવાને લઈને રોષ હતો. જે બાદથી જ તેઓએ મંત્રાલય છોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

2017ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગઠબંધનઃ ઓપી રાજભરની પાર્ટી સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી 2017ના વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપની સાથે આવ્યાં હતા. જો કે જ્યારથી સરકાર બની છે ત્યારથી ઓમ પ્રકાશ રાજભર સરકાર વિરૂદ્ધ નિવેદનો આપે છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીની રાજભર સમુદાયમાં મજબૂત પકડ છે. ઓમ પ્રકાશ રાજભરની માગ હતી કે લોકસભા ચૂંટણીમાં તેઓને 2થી 3 સીટ આપવામા આવે પરંતુ તેમની માગ સંતોષાઈ ન હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here