ચોટીલા : ગુંદા ગામે યુવાને ઝેર પીતા પરિવાર હોસ્પિટલના બદલે મંદિર લઇ ગયા,

0
53

રાજકોટ: આજના ઇન્ટરનેટના યુગમાં પણ અંધશ્રદ્ધાના કિસ્સાઓ અવારનવાર બહાર આવતા હોય છે. ત્યારે ચોટીલાના ગુંદા ગામે રહેતો 28 વર્ષીય જીવરાજ બચુભાઇ રાઠોડ નમાના યુવાને 13 મેના રોજ ઝેરી દવા પી લીધી હતી. આથી પરિવારજનોએ તેને હોસ્પિટલ લઇ જવાના બદલે નજીકના મંદિરે લઇ ગયા હતા. મંદિરે લઇ ગયા બાદ સારૂ પણ થઇ ગયું હતું. પરંતુ આજે તેની તબીયત લથડતા રાજકોટ સિલિવ હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.

ધાર્મિક સ્થળ પર જીવરાજને એક કલાક સુધી રખાયો હતો: ગુંદા ગામે રહેતો જીવરાજ 13 મેના રોજ સાંજે પાંચ-સાડા પાંચે વાડીએથી એકાએક ગાયબ થઇ જતાં સ્વજનોએ તેની શોધખોળ આદરી હતી. તે વાડીના શેઢે નદીના પટમાંથી મળી આવ્યો હતો. તેણે ઝેરી દવા પી લીધાની શંકા ઉપજતા તેને પૂછ્યું હતું. પરંતુ તેણે કંઇ નથી પીધું એવું રટણ કરી રહ્યો હતો. પરિવારજનોએ મોઢુ સુંઘતા દવા પીધી હોય તેવી વાસ આવી હતી. આમ છતાં જીવરાજે પોતાને કંઇ નથી, સારું થઇ જશે, કંઇ પીધું જ નથી…તેવી વાતો કરી હતી. પરંતુ તેને દવા પીધાનું જણાતાં સ્વજનો તે વખતે ચિંતાને કારણે ભાન ભૂલ્યા હોય કે પછી કંઇ પણ હોય જીવરાજને દવાખાને લઇ જવાને બદલે નજીકના ધાર્મિક સ્થાને લઇ ગયા હતાં. જીવરાજના મોટા ભાઇ દિનેશભાઇના કહેવા મુજબ ત્યાં તેને એકાદ કલાક રખાયો હતો અને ત્યાં હાજર વ્યકિતએ આને ખૂબ પાણી પીવડાવો, ઉલ્ટીઓ થઇ જશે એટલે સારું થઇ જશે તેમ જણાવતાં અમે એમ કર્યું હતું. એ પછી જીવરાજે પણ પોતે સંપૂર્ણ સ્વસ્થ હોય એ રીતે વાતો કરી હતી. બાદમાં અમે તેને ઘરે લઇ આવ્યા હતાં અને ઘરે પણ ખૂબ પાણી પીવડાવી તરબુચ ખવડાવ્યું હતું. તેણે થોડી ઉલ્ટીઓ પણ કરી હતી. ગઇકાલે મંગળવારે પણ જીવરાજે પોતે સ્વસ્થ હોય તેવું જ વર્તન કરતાં અમને એમ હતું કે તેને સારું થઇ ગયું છે.

જીવરાજ પાંચ ભાઇ અને પાંચ બહેનોમાં આઠમો હતો: જો કે આજે વહેલી સવારે જીવરાજની તબિયત લથડતા અમે તેને તુરંત જ રાજકોટ સારવાર માટે લાવવાનું નક્કી કર્યું હતું. પહેલા કુવાડવા રોડની ખાનગી હોસ્પિટલે લઇ ગયા હતાં પરંતુ ત્યાંથી સિવિલ હોસ્પિટલમાં લઇ જવા કહેવાયું હતું. અહીં ડોક્ટરે જીવરાજમાં જીવ નહીં રહ્યાનું કહ્યું હતું. જીવરાજે ઝેર શા માટે પીધું તે અંગે સ્વજનો કારણ જાણતા નથી. તે પાંચ ભાઇ અને પાંચ બહેનમાં આઠમો હતો. તેના લગ્ન રેખા નામની યુવતી સાથે થયા હતા. જુવાનજોધ પુત્રના મોતથી માતા રતનબેન, પિતા બચુભાઇ, પત્ની, ભાઇઓ સહિતના સ્વજનો શોકમાં ગરક થઇ ગયા છે. સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે ચોટીલા પોલીસને જાણ કરતા રાજકોટ સિવિલ હોસ્પિટલે દોડી આવી પરિવારજનોના નિવેદનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દાદીએ નવજાત બાળકીને ડામ દીધા હતા: પાંચેક મહિના પહેલા પડધરીના ખાખરાબેલા ગામે અરવિંદસિંહની વાડીમાં ખેતમજૂરી કરતા મધ્યપ્રદેશના વતની સિંગલા પરિવારની પુત્રવધૂ લક્ષ્મી ઇન્દરસિંગ સિંગલાએ પુત્રને જન્મ આપ્યો હતો. પુત્ર જન્મથી પરપ્રાંતીય પરિવારમા ખુશી ફરી વળી હતી. હોસ્પિટલમાંથી રજા અપાતા લક્ષ્મી અને તેના નવજાત પુત્રને ઘરે લઇ જવાયા હતા. જન્મના ચાર દિવસ બાદ પણ નવજાત શિશુએ શૌચક્રિયા નહીં કરતાં બાળકને પેટમાં ગેસ ભરાયાનું સિંગલા પરિવારે માની લીધું હતું. પરંતુ તબીબો પાસે સારવાર કરાવવાને બદલે બાળકની દાદી ગજરાબેને અંધશ્રધ્ધાથી પ્રેરાઇને લોખંડના પાતળા સળિયાને ગરમ કર્યો હતો અને ધગધગતો સળિયો બાળકના પેટ પર મૂકી તેને ડામ દીધા હતા. ડામને કારણે બાળકની તબિયત લથડતાં તેને તાકીદે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો. નવજાત શિશુનો જન્મ મળમાર્ગ વગર થયાનું ખૂલતાં તબીબોએ તાકીદે શસ્ત્રક્રિયા કરી હતી. પરંતુ ડામથી બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here