છાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલે રાત્રે 12:30 વાગ્યે જાહેર માર્ગ પર આતાશબાજી સાથે બર્થ ડે ઉજવ્યો, કર્ફ્યુના જાહેરનામાના લીરેલીરા ઉડાવ્યા

0
5
પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહે 8થી 10 મિત્રો સાથે રોડ ઉપર કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી
  • પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહે 8થી 10 મિત્રો સાથે રોડ ઉપર કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી
  • બર્થ ડેની ઉજવણીનો વીડિયો વાઈરલ થતાં છાણી પોલીસે તપાસ શરૂ કરી

વડોદરા. વડોદરામાં છાણી પોલીસના કોન્સ્ટેબલે કર્ફ્યુના જાહેરનામાના લીરેલીરા ઉડાવ્યા છે. કોરોના મહામારીના રાત્રે 9 વાગે શરૂ થતાં કર્ફ્યુના સમયમાં છાણી પોલીસ મથકના કોન્સ્ટેબલે જાહેર માર્ગ ઉપર ભારે આતશબાજી સાથે કેક કાપીને બર્થડે ઉજવતો વીડિયો વાઇરલ થયો છે. છાણી પોલીસે વાઇરલ થયેલા વીડિયોના આધારે કાર્યવાહી શરૂ કરી છે.

કાયદાના રક્ષક પણ જાહેર માર્ગ ઉપર ફટાકડા ફોડીને બર્થ ડે ઉજવી રહ્યા છે

કોરોના વાઈરસની મહામારીના પગલે રાત્રે 9 વાગ્યા પછી કર્ફ્યુ શરૂ થાય છે, ત્યારે કર્ફ્યુના સમયમાં જાહેર માર્ગો ઉપર કેક કાપીને બર્થડે ઉજવવાની શરૂઆત થઇ છે. સામાન્ય વ્યક્તિ અને અસામાજિક તત્વો બર્થ ડે ઉજવે તો સમજી શકાય, પરંતુ, કાયદાના રક્ષક પણ જાહેર માર્ગ ઉપર ફટાકડા ફોડીને બર્થ ડે ઉજવી રહ્યા છે. મોડી રાત્રે છાણી પોલીસ મથકના કોન્સ્ટેબલ હરદીપસિંહે જાહેર માર્ગ ઉપર મિત્રો સાથે ભારે આતશબાજી સાથે કેક કાપીને કરેલી બર્થ ડેની ઉજવણી પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બની છે.

ભારે આતશબાજીનો અવાજ સાંભળી આશ્ચર્યમાં મુકાઇ ગયા

બર્થ ડેના દિવસની પૂર્વ રાત્રે 12 વાગે ઉજવણી કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. છાણી પોલીસ મથકના કોન્સ્ટેબલ હરદીપસિંહનો બર્થ ડે ઉજવવા માટે રાત્રે 12:30 કલાકે 8થી 10 મિત્રો છાણી રોડ ઉપર ભેગા થયા હતા. અને હરદીપસિંહને બોલાવી તેની બર્થ ડે ઉજવી હતી. કેક કાપવા સાથે મિત્રોએ ભારે આતશબાજી પણ કરી હતી. રાત્રે 12:30 વાગ્યાના સુમારે ભારે આતશબાજી થતાં વિસ્તારના લોકો પણ આતશબાજીનો અવાજ સાંભળી આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. દરમિયાન લોકોને ખબર પડી કે, કાયદાના રક્ષક કહેવાતા છાણી પોલીસ મથકના કોન્સ્ટેબલનો જાહેર માર્ગ ઉપર બર્થડે ઉજવાઇ રહ્યો છે. અને મિત્રો આતશબાજી કરી રહ્યા છે.

કોન્સ્ટેબલ સામે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરે છે, તે ચર્ચાનો વિષય

ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં નવાયાર્ડના ઝુબેર પઠાણે મિત્રો સાથે જાહેર માર્ગ ઉપર બર્થ ડે ઉજવી હતી. આ બનાવમાં ફતેગંજ પોલીસે ગણતરીના કલાકોમાં જુબેર પઠાણ અને બર્થ ડેમાં હાજર રહેલી 10 વ્યક્તિઓની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. ત્યારે છાણી પોલીસ મથકના કોન્સ્ટેબલ હરદીપસિંહ સામે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે. તે એક પોલીસ બેડામાં અને છાણી ગામ વિસ્તારના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

પી.આઇ. કહે છે કે, કાયદાકીય તમામ કાર્યવાહી કરવામાં આવશે

છાણી પોલીસ મથકના પી.આઇ. આર.એસ. ડોડિયાએ જણાવ્યું હતું કે, પોલીસ મથકના કોન્સ્ટેબલ હરદીપસિંહે મિત્રો સાથે ઉજવેલા બર્થ ડેની વિગતો મારી પાસે આવી છે. તેઓ સામે કાયદાકીય તમામ કાર્યવાહી કરવામાં આવશે.