છોટાઉદેપુર : આદિવાસીઓની પેટનો ખાડો પૂરવા પરપ્રાંતમાં હિજરત

0
6

છોટાઉદેપુર જિલ્લાના ગરીબ આદિવાસીઓને પોતાના વિસ્તારમાં રોજીરોટી ન મળતાં પોતાનો તેમજ પોતાના પરિવારનો પેટનો ખાડો પૂરવા માટે પરપ્રાંતમાં દર વર્ષે હિજરત કરવાની ફરજ પડે છે.

ગત વર્ષે કોરોના વાઈરસના કહેરના કારણે લોકડાઉન થઈ જતાં છોટાઉદેપુર જિલ્લાના મોટા ભાગના ગરીબ આદિવાસીઓ કે જેઓ ખેત મજૂરીએ ગયા હોય તેઓ ત્યાં પરપ્રાંતમાં ફસાઈ ગયા હતા. જે તે સમયે પોતાના પરિવારનું પૂરું કરવાનું ઘણી મુશ્કેલી પડી હતી અને આ ગરીબ આદિવાસીઓને બાય બાય ચારણી કરવી પડી હતી. ગત વર્ષની પરિસ્થિતિનું ફરીથી પુનરાવર્તન ન થાય તે હેતુસર આ વર્ષે જેમ કોરોનાના કેસ વધતા ગયા અને લોકડાઉનની શંકા જતાં જ પરપ્રાંતમાં ખેત મજૂરીએ ગયેલા ગરીબ આદિવાસીઓ પોતાના માદરે વતન અનાજ-પાણી લઈને દોડી આવ્યા હતા.

આ ગરીબ આદિવાસીઓ મોટાભાગના નાયક સમાજના હોય છે. જેઓને આ વિસ્તારમાં એનઆરઆઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ગરીબ આદિવાસીઓ ખેત મજૂરીએથી પોતાના માદરે વતન આવે છે. ત્યારે બજારોમાં પણ ગ્રાહકી ખૂબ જ જોવા મળે છે. જેનાથી વેપારીઓ પણ ખૂબ ખુશ થઈ જાય છે. આદિવાસીઓ પોતાના માદરે વતન આવે છે અને દરેક વિસ્તારમાં વેપાર-ધંધા વધતા લોકો ખુશખુશાલ થઈ જાય છે. પરંતુ આ ગરીબ આદિવાસીઓની વેદનાને સમજવા કોઈ જ તૈયાર નથી.

આ ગરીબ આદિવાસીઓને માદરે વતનમાં કોઈપણ પ્રકારની રોજગારની સુવિધાઓ ઉપલબ્ધ ન કરાવવામાં આવતા નાછૂટકે માદરે વતન છોડી પરપ્રાંતમાં રાજકોટ, ગોંડલ, સુરત, કચ્છ, દાહોદ, ધાંગધ્રા વગેરે વિસ્તારમાં ખેત મજૂરીએ જવું પડે છે. ખરેખર છોટાઉદેપુર જિલ્લામાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો વિકસાવવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લાનો પણ વિકાસ થશે તેમજ આ ગરીબ આદિવાસીઓને પોતાના માદરે વતનમાં જ રોજીરોટી મળી રહેશે તો તેઓને પરપ્રાંતમાં હિજરત કરવાની ફરજ પડશે નહીં. આ ગરીબ આદિવાસીઓની વેદનાને છોટાઉદેપુર જિલ્લાના નેતાઓ અને અધિકારીઓ સમજી મોટા પ્રમાણમાં ઉદ્યોગો આ વિસ્તારમાં સ્થપાય તેવું આયોજન કરે તે જરૂરી છે.

એક તરફ મોંઘવારી ચરમ સીમાએ પહોચી ગઈ છે અને બીજી બાજુ કોરોના વાઈરસનો કહેર ચાલી રહ્યો છે. આ બે વચ્ચે સેન્ડવીચ બની ગયેલા ગરીબ આદિવાસીઓને પેટનો ખાડો પૂરવા માટે ચોમાસાના આગમન પૂર્વે પરપ્રાંતમાં ખેત મજૂરી માટે હિજરત કરવાની ફરજ પડી છે. તે પ્રમાણે પાવીજેતપુર બસ સ્ટેન્ડ ઉપરથી દરરોજ સાંજના લક્ઝરી ભરાઈને પરપ્રાંતમાં ખેત મજૂરીએ ગરીબ આદિવાસીઓ રવાના થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here