જમ્મુ કાશ્મીરમાં સેનાએ અલ બદ્ર આતંકી જૂથના ટોચના કમાન્ડરને કર્યો ઠાર

0
38

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાકર્મીઓએ અલ બદ્ર નામના આતંકવાદી જૂથના ટોચના કમાન્ડર ઝિનત -ઉલ-ઇસ્લામ અને તેના સાથીદારને ઠાર મારવામાં સફળતા મળી હતી. પોલીસ અને સેનાએ ગુપ્ત બાતમીના આધારે કુલગામ જિલ્લામાં આ ઓપરેશન હાથ ધર્યું હતું. ઝિનતના મોત પછી દક્ષિણ કાશ્મીરના શોપિયાન જિલ્લામાં અનેક સ્થળે હિંસક તત્ત્વોએ સેનાના જવાનો પર પથ્થરમારો કર્યો હતો. જિનતની અંતિમવિધિ શોપિયાનમાં આવેલા તેના વતન સુગન ગામમાં કરવામાં આવી હતી.

પોલીસે કહ્યું હતું કે, કુલગામના કાતપોરામાં બે ખૂંખાર આતંકવાદી છુપાયા હોવાની બાતમીના આધારે અમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન ઝિનત-ઉલ-ઇસ્લામ અને તેનો સાથીદાર શકીલ અહેમદ દર ઠાર મારવામાં આવ્યા હતા. આ બંને પર આતંકવાદને લગતા અનેક કેસ હતા. જિનત એ++ કેટેગરીનો આતંકવાદી હતો, જે નવેમ્બરમાં હિઝબુલ મુજાહિદ્દિન છોડીને અલ બદ્ર નામના આતંકવાદી જૂથમાં જોડાયો હતો. આ બંને આતંકવાદી સંગઠનોએ સુરક્ષા એજન્સીઓથી બચીને ઓપરેશન પાર પાડવા માટે અલ બદ્રની સ્થાપના કરી હતી.

એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, જવાનોએ બંને આતંકવાદીને શરણે આવવાનું સૂચન કર્યું હતું, પરંતુ તેમણે પડકાર ફેંકીને સુરક્ષાકર્મીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. કાશ્મીરમાં આતંકવાદને લગતી નીતિના આધારે સેના કે પોલીસ હંમેશા આતંકવાદીઓને શરણે આવવાની તક આપે છે. જોકે, આ આતંકવાદીઓને પણ છેવટે ઠાર મારવાની ફરજ પડી હતી. આ બંને આતંકવાદીઓએ ૨૦૦૬થી સેનાનાઅનેક મથકો પર હુમલા કર્યા હતા તેમજ નાગરિકો પર અત્યાચાર કર્યો હતો. ઝિનત પર જવાનોના હથિયારો ચોરી જવાના કેસ પણ નોંધાયા હતા.

આ બંને આતંકવાદીને ઠાર માર્યા પછી ઝિનતના વતન શોપિયાન જિલ્લામાં તંગદિલી સર્જાઈ હતી. અનેક સ્થળોએ યુવાનોએ જવાનો પર પથ્થરમારો કર્યો હતો. આ દરમિયાન કરાયેલી કાર્યવાહીમાં અનેક લોકો ઘાયલ થયા હતા. સેનાએ અનેક લોકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયા હતા. ઝિનતની અંતિમવિધિમાં અનેક આતંકવાદીઓ હથિયારો લઈને ખુલ્લેઆમ હવામાં ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા. આ લોકોને રોકવા જવાનોએ પણ હવામાં ફાયરિંગ કર્યું હતું, જેનો મહેબૂબા મુફ્તીએ વિરોધ કર્યો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here