Sunday, November 28, 2021
Homeજયંતીના પુત્રીને છેલ્લા શબ્દો ‘છેલ્લી પરીક્ષા પૂરી થઈ, હવે બેટા આપણે ફરીથી...
Array

જયંતીના પુત્રીને છેલ્લા શબ્દો ‘છેલ્લી પરીક્ષા પૂરી થઈ, હવે બેટા આપણે ફરીથી બેઠાં થઈ જઈશું’

અમદાવાદઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ટ્રેનમાં હત્યા થઈ તે પહેલાં મુંબઈ રહેતી દીકરી સાથે રાત્રે 11.15 વાગ્યે પોણો કલાક વાત કરી હતી. દીકરીએ પહેલીવાર પિતાને આટલા ખુશ થઈને વાત કરતા સાંભળ્યા હતા. દીકરી ખુશાલી સાથે જયંતી ભાનુશાળીએ જે વાતચીત કરી હતી. તે બાબતે જયંતી ભાનુશાળીના વેવાઈ કરશન ભાનુશાળીએ દિવ્ય ભાસ્કરને જણાવી હતી. ભાનુશાળીઅે દિકરીને કહ્યું હતું કે ‘બેટા, તુ હવે ગભરાઈશ નહિ, ભગવાને તારા બાપ ઉપર અને આપણા કુટુંબની ખૂબ જ પરીક્ષાઓ કરી છે, હવે છેલ્લી પરીક્ષા પૂરી થઈ હવે બેટા આપણે ફરીથી બેઠા થઈશું. આપણી સાથે મા આશાપુરા છે અને સચ્ચાઈની હંમેશાં જીત થાય છે. હવે 2019માં આપણું નામ પહેલાથી ઘણું લોકપ્રિય થશે. દીકરીએ બાપને એવુ કીધું કે પપ્પા હું તમારો દીકરો થઈને રહીશે, હું તમને ભાઈ અનિરુદ્ધની અને નાના ભાઈની ખોટ કયારેય નહિ સાલવા દઉં. જો કે હત્યા થઈ જતાં ભાનુશાળીનો આશાવાદ ઠગારો નીવડ્યો હતો.

એટેન્ડન્ટે ફટાકડા ફૂટ્યાનો અને કોઈ દોડતું હોવાનો અવાજ સાંભળ્યો હતો

જયંતી ભાનુશાળીની હત્યાનું પગેરું શોધવા એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ કચ્છમાં ડેરાતંબૂ નાખ્યા છે. બીજી તરફ, હત્યા બાદ સયાજીનગરી એક્સપ્રેસના એચ-1 કોચને અમદાવાદના કાલુપુર જંક્શન ખાતે રખાયો છે. જ્યાં હત્યા સમયે ફરજ પરના કોચ એટેન્ડન્ટ વિમલને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.

જેમાં હત્યા સમયે ટિકિટ ચેકર અને એટેન્ડન્ટ ક્યાં હતા? આરોપી ક્યાંથી ટ્રેનમાં ચઢ્યા હશે? સહિતના પ્રશ્નોનું પૃથક્કરણ કરી, હત્યામાં બેથી વધારે આરોપીની સંડોવણી હોવાનું અનુમાન સીઆઇડી દ્વારા વ્યક્ત કરાયું હતું. દરમિયાન, પૂછપરછમાં કોચ એટેન્ડન્ટ વિમલે ડબ્બામાં ફટાકડા ફૂટ્યા હોવાનો તેમજ કોઇ દોડતું હોય તેવા અવાજો સાંભળ્યાનું કહ્યું હતું. એટીએસે અન્ય મુસાફરોના નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.

બીજી તરફ આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાનુશાળીની હત્યા અંગે દુ:ખ વ્યક્ત કરી કસૂરવારો સામે કડક પગલાં લેવા સૂચના આપી હતી. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભાનુશાળીના હત્યારાઓને પકડવામાં કોઈ જાતની કચાશ રાખવામાં આવશે નહીં.

જયંતી ભાનુશાળીને છબિલ પટેલ સાથે રાજકીય દુશ્મનાવટ હતી તો સુરજિત ભાઉ સાથે ઉઘરાણીનો વિવાદ ચાલતો હતો

છબિલ નારણદાસ પટેલઃ વર્ષ 2014ની પેટાચૂંટણી અને 2017ની ચૂંટણીમાં હાર માટે છબિલ પટેલ ભાનુશાળીને જવાબદાર ગણાવતા હતા. ભાનુશાળી સામેની દુષ્કર્મની ફરિયાદ પાછળ છબિલ પટેલના દોરીસંચારનો આરોપ મૂકાયો હતો. જેમાંથી ભાનુશાળી મુક્ત થયા બાદ દિલ્હીમાં છબિલ પટેલ સામે દુષ્કર્મની ફરિયાદ નોધાઇ હતી.

જયંતી ઠક્કરઃ ભાનુશાળીનો વ્યાવસાયિક ભાગીદાર રહેલો  જયંતી ઠક્કર અબડાસાના રાજકીય માથાઓ સાથે જોડાઇને જિલ્લા પંચાયતમાં આરોગ્ય સમિતિનો ચેરમેન અને એડીસીસી બેંકનો ડાયરેક્ટર પણ બન્યો. જોકે, છેલ્લા કેટલાક સમયથી જયંતી ભાનુશાળીની સાથે વિખવાદ થતા બન્નેના રસ્તા અલગ થઇ ગયા હતા.

ઉમેશ પરમારઃ મૂળ અમદાવાદનો ઉમેશ વીસેક વર્ષથી કચ્છમાં જ રહે છે. ઇલેક્ટ્રોનિક મીડિયામાં કામ કરતો હતો એ દરમિયાન છબિલ પટેલે ભાગીદારોની સાથે મળીને પોતાની લોકલ ન્યૂઝ ચેનલ શરૂ કરતા તેમાં જોડાયો. આથી છબિલ સાથેના તેના સંબંધો ગાઢ બન્યા. છબિલ પટેલની ચેનલ બંધ થયા પછી તેણે વેબ પોર્ટલ શરૂ કર્યું હતું.

મનીષા ગોસ્વામીઃ નખત્રાણાના મોટા ધાવડા ગામની હાલ વાપીમાં રહેતી મનિષા સામે ભાનુશાળીના ભત્રીજા સુનિલે 10 કરોડ રૂપિયાની ખંડણી માંગ્યાની ફરિયાદ કરતા મનિષાની ધરપકડ કરાઈ હતી. ત્યાર પછી સુરતમાં જયંતી ભાનુશાળીની સામે નોંધાવેલી દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચવાની શરતે સમાધાન થયું.

સિદ્ધાર્થ છબિલ પટેલઃ વિવાદાસ્પદ રાજકીય નેતા છબિલ પટેલના પુત્ર સિદ્ધાર્થે તેના પિતા સામે દિલ્હીમાં થયેલી દુષ્કર્મની ફરિયાદ પાછી ખેંચી લેવાના બદલામાં 2 શખ્સોએ 1 કરોડની ખંડણી માંગ્યાની ફરિયાદ નોંધાવી હતી. નહીંતર તેના અને તેના પરિવારના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી.

સુરજિત ભાઉઃ ભુજમાં થોડા સમય પહેલાંની એક વિવાદસ્પદ ઘટનામા઼ 1.25 કરોડની ઉઘરાણીમાં 75 લાખ રૂપિયાનું ચૂકવણું કરાયું હતું. જ્યારે પૂનાનો સુરજિત ભાઉ ભુજના એક મોટા નેતા પાસેથી 50 લાખની ઉઘરાણી કરતો હતો. આ નેતા ભાનુશાળી હોવાનું મનાય છે. આ કારણે ભાનુશાળીને સુરજિત સાથે મનદુખ થયું હતું.

ભુજ રેલવેકર્મીઓએ હડતાલ પાડી

ભાજપ નેતા જયંતી ભાનુશાલીની ચાલુ ટ્રેને ગોળી મારી હત્યા કરી દેવાના પ્રકરણમાં ફરજ પર તહેનાત ઇલેકટ્રિકલ વિભાગના બબલુરામ મીણા અને બિમલ સાલ્વી નામના 2 કર્મચારીને પોલીસે પૂછપરછના નામે ઉઠાવી લઇ મારપીટ કર્યાના આરોપ સાથે ભુજ રેલવે સ્ટેશને ફરજ બજાવતા 100થી વધુ કર્મચારીઓ બુધવારે સવારે એકાએક હડતાલ પર ઉતરી ગયા હતા. જેને કારણે રેલવેની કામગીરીને અસર થઈ હતી.

મધ્યસ્થી રહેલાં મનજીબાપુને તપાસાશે

રાજકીય હરીફ રહેલાં છબિલભાઇ પટેલ તથા મનીષા ગોસ્વામી સાથે મૃતક જયંતી ભાનુશાળીને થયેલી તકરારમાં સમાધાન કરાવવામાં મનજી બાપુએ મધ્યસ્થી કરી હતી. જયંતી ભાનુશાળી ભૂજથી અમદાવાદ આવતાં પહેલાં પણ તેઓ મનજી બાપુને મળીને નીકળ્યા હોવાની જાણવા મળેલી હકીકતોને ધ્યાનમાં લઇને સીઆઇડી ક્રાઇમ તેમની પણ પૂછતાછ કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments