જયપુરનાં રાજકુમારી દીયા અને નરેન્દ્ર સિંહ 24 વર્ષે અલગ થયાં

0
55

જયપુર: જયપુરના પૂર્વ રાજવી પરિવારના સભ્ય અને સવાઇમાધોપુરના પૂર્વ ધારાસભ્ય દીયા કુમારી અને તેમના પતિ નરેન્દ્ર સિંહ વચ્ચે લગ્નના 24 વર્ષ બાદ છુટાછેડા થઇ ગયા. ફેમિલી કોર્ટે હિન્દુ લગ્ન ધારા હેઠળ કરાયેલી લગ્ન વિચ્છેદની અરજી મંજૂર કરતા ડિવોર્સ ડિક્રી આપી દીધી. કોર્ટે કહ્યું કે બન્ને વચ્ચે 1994ની 14 ફેબ્રુઆરીએ થયેલા લગ્નનો પરસ્પર સમંતિથી અંત લાવીને તેમના લગ્ન વિચ્છેદની ડિક્રી મંજૂર કરાય છે.

કોર્ટના આદેશની કોપી મંગળવારે જારી થઇ. દીયા-નરેન્દ્રના 3 સંતાન છે. તેમના મોટા દીકરા પદ્મનાભ સિંહને મહારાજ ભવાની સિંહે દત્તક લઇને પોતાના ઉત્તરાધિકારી નિયુક્ત કર્યા છે. બીજો દીકરો લક્ષ્યરાજ સિંહ અને એક દીકરી ગૌરવી છે. દીયાએ સંતાનોને પોતાની સાથે રાખવાની ઇચ્છા વ્યક્ત કરી છે, જેથી સંતાનો તેમની સાથે જ રહેશે તેમ મનાય છે. દીયા તેમના કૌટુંબિક વારસા સિટી પેલેસ તથા જયગઢ ફોર્ટ સહિત અન્ય ઇમારતો-હેરિટેજના સંરક્ષણના કામમાં પણ સક્રિય છે. આમ કહીને ડિવોર્સ માગ્યા. દીયા કુમારી અને નરેન્દ્ર સિંહ રાજાવતે પરસ્પર સંમતિથી ડિવોર્સ લેવા અરજી દાખલ કરી હતી, જેમાં જણાવાયું હતું કે દોઢેક વર્ષથી બન્ને અલગ રહે છે અને હવે પરસ્પર સંમતિથી જુદા થવા માગે છે.

ગત વર્ષે 7 ડિસેમ્બરે નરેન્દ્ર-દીયાએ ડિવોર્સ માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે 6 મહિના પછીની તારીખ આપી હતી પણ બન્નેએ સુપ્રીમકોર્ટનો ચુકાદો ટાંકીને સુનાવણી જલદી શરૂ કરવાનો આગ્રહ કર્યો હતો. તેથી ફેમિલી કોર્ટે આ કેસમાં દોઢ મહિનાની અંદર જ ડિવોર્સ ડિક્રી આપી દીધી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here