જસદણનો મુદ્દો હાઈકમાન્ડ સુધી પહોંચ્યો, જિલ્લા ભાજપ બાવળિયા-બોઘરાનું ‘સમાધાન’ કરાવશે

0
37

રાજકોટ: રાજકોટ લોકસભાની ચૂંટણીમાં જસદણ વિસ્તારમાં ભાજપને માત્ર 2800 જેવી નાની લીડ મળતા તેમજ મતદાન પણ નબળું થયું હતું. આથી અને બાવળીયા અને બોઘરા આમને સામને આક્ષેપો કર્યા હતા. પરંતુ આ મુદ્દો હાઇકમાન્ડ સુધી પહોંચતા બંને વચ્ચે જિલ્લા ભાજપ સમાધાન કરવાશે તેવું જાણવા મળ્યું છે.

ભાજપને કુલ 12000 મતોનું નુકસાન થયું છે

દિવ્યભાસ્કરે કુંવરજી બાવળિયા સાથે આ મુદ્દે વાતચીત થતા તેમણે જૂના અને નવા કાર્યકરો વચ્ચે મનમેળ ન થયો તેમજ બોઘરા જેવા સિનિયર નેતાઓએ ઓછો રસ લેતા સ્થિતિ સર્જાયાનું કહ્યું હતું. તેમના આ ઈન્ટરવ્યૂ બાદ ભાજપમાં ભડકો થયો હતો. ઈન્ટરવ્યૂ બાદ ડો. ભરત બોઘરાએ ચૂંટણીના આંકડાઓ અને પુરાવા સાથે કહ્યું કે, નબળી લીડના જવાબદાર કુંવરજી બાવળિયા છે અને તેમના જ ગામમાં કોંગ્રેસને વધુ મત મળ્યા છે અને ભાજપને કુલ 12000 મતોનું નુકસાન થયું છે, જ્યારે બોઘરાની જવાબદારી વાળા વિસ્તારોમાં ભાજપને 14000 મતોની લીડ મળી છે. બોઘરા પર બાવળિયાએ જવાબદારી ફેંકતા બોઘરાએ તેની તીખી પ્રતિક્રિયા આપી હતી અને હાઈકમાન્ડને દિવ્યભાસ્કરનો ઈન્ટરવ્યૂ અને મતદાનની વિગતો મોકલી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે. સખિયાએ જણાવ્યું હતું કે, આ મુદ્દો હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે અને ત્યાંથી નિર્ણય આવશે. જો કે જિલ્લા ભાજપ બાવળિયા અને બોઘરાને એકસાથે બેસાડીને સમાધાન કરાવશે.

મંત્રીના વિસ્તારમાં ભાજપને નુકસાન થયું છે તે અંગે હાઈકમાન્ડ નિર્ણય લેશે

ભાજપ શિસ્તબધ્ધ પક્ષ ગણાય છે તેમાં આવી આક્ષેપબાજી મુદ્દે સખિયાએ જણાવ્યું હતું કે, ‘બાવળિયાના નિવેદનોથી પક્ષની ઈમેજ બગડી શકે છે. તેઓ હજુ ભાજપની શિસ્તને સમજી શક્યા નથી આવું ન કરવાનું હોય. બંનેને એકસાથે બોલાવી સમાધાન કરાવી લેવાશે. જ્યારે મંત્રીના વિસ્તારમાં ભાજપને નુકસાન થયું છે તે અંગે હાઈકમાન્ડ નિર્ણય લેશે.

બંને નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં ભળ્યા

ડો. ભરત બોઘરા અને કુંવરજી બાવળિયા બંનેનુ રાજકારણ કોંગ્રેસથી શરૂ થયું હતું. કુંવરજી બાવળિયાની ચૂંટણીમાં બોઘરા જ જવાબદારી સંભાળતા હતા. બંને વચ્ચે વિવાદ થતા બોઘરા ભાજપમાં ભળ્યા હતા અને તેમની સામે જ ઉમેદવારી નોંધાવી હતી. જે ચૂંટણીમાં બાવળિયાની હાર થઇ અને બોઘરા જસદણના ધારાસભ્ય બન્યા હતા ત્યારથી આ બંને વચ્ચે વિરોધના બીજ રોપાયા હતા. બાવળિયાએ પણ કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં ભળ્યા ત્યારે તેમાં મુખ્ય ભૂમિકા બોઘરાએ ભજવ્યાની ભાજપના અગ્રણીઓ કહી રહ્યા છે, પણ બંનેએ જે આક્ષેપબાજી કરી છે તે પરથી હજુ પણ ગજગ્રાહ ચાલતો હોવાનું સાબિત થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here