Sunday, October 17, 2021
Homeજસદણ યાર્ડમાં રૂ.800ના ભાવે મગફળી ખરીદી 1હજારમાં ટેકાના ભાવે વેચતા હોવાનો પર્દાફાશ
Array

જસદણ યાર્ડમાં રૂ.800ના ભાવે મગફળી ખરીદી 1હજારમાં ટેકાના ભાવે વેચતા હોવાનો પર્દાફાશ

જસદણ : જસદણના યાર્ડના બે એજન્ટ ખેડૂતો પાસેથી રૂપિયા 800ના ભાવે મગફળી ખરીદી રૂપિયા 1000માં ટેકાના ભાવે વેચતા હોવાનો કારસ્તાનનો ‘દિવ્ય ભાસ્કરે’ પર્દાફાશ કર્યો છે. જો કે ટેકાના ભાવની મગફળી ખરીદવાની કાર્યવાહી કરી રહેલા સરકારી અધિકારીઓ મગફળી ખરીદ કરે અને તેનું પેમેન્ટ થાય અથવા તો બેન્કમાં રકમ જમા થાય તે પહેલાં ખાનગી પેઢીના એજન્ટો ‘દિવ્ય ભાસ્કર’ની ટીમના રિપોર્ટર અને ફોટોગ્રાફરને જોઈ જતાં ઢગલો કરેલી મગફળી તેમજ અન્ય એક ટ્રેકટર અને કોથળામાં ભરેલી મગફળી રેઢી મૂકીને નાસી છૂટ્યા હતા.

લાંબા સમયથી ચાલી રહેલા પોલંપોલમાં અન્ય કોણ કોણ સંડોવાયા છે તેની તપાસ ઉચ્ચ અધિકારીએ કરવી જોઈએ

મગફળી કોની છે તે અંગે પણ તપાસ કરાશે

આ ઘટના અંગે પ્રાંત અધિકારી પી.એમ. ભેંસાણિયાને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે તે પહેલાં બન્ને પેઢીના સંચાલકો નાસી છૂટ્યા હોય તેમજ યાર્ડમાં ઢગલો કરાયેલી અને કોથળામાં પેક મગફળી લેવા માટે કોઈ ખેડૂત ન આવતા વધુ કાર્યવાહી કેવી રીતે કરવી તે અંગે ભારે મુંઝવણમાં મુકાઈ ગયા હતા. પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, જે ટ્રેકટર પડ્યું છે તેના માલિક અને ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવશે તેમજ મગફળી કોની છે તે અંગે પણ તપાસ કરાશે. ત્યારબાદ કૌભાંડ છે કે કેમ અને તેમાં કોની કોની સંડોવણી છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવશે.

તુલસી એન્ટરપ્રાઈઝના કાનાણીએ કૌભાંડ કબૂલ્યું

આ બનાવમાં જસદણના તુલસી એન્ટરપ્રાઈઝના માલિક કલ્પેશભાઈ કાનાણી તેમણે જણાવ્યું હતું કે, મેં આ પહેલી-વહેલી માંડવી ભરી છે. આ કૌભાંડ જ કહેવાય તે મને ખબર છે. 11 વર્ષથી મારે દુકાન છે અને આવું થાય તો મારું નામ ખરાબ થાય. આ કૌભાંડ પહેલીવાર છે આમાં એવું છે અમારી માંડવી વેચાણ ખતમાં વઈ ગઈ હતી અને અહીંયાથી ફોન આવ્યો કે તમારી માંડવી લઈને આવો. હું માંડવીનો વેપારી નથી હું દલાલ છું. આ માંડવી નવા યાર્ડમાંથી ભરી અહીં ટેકાના ભાવે વેચવા આવ્યાની પોતે કબૂલાત આપી હતી.હવે જે થયું તે અમને કયો અડધા તમારા અડધા અમારા પૈસા બીજું શું તેમ કહી આ કૌભાંડ ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો. હું કોઈ જગ્યાએ રાજકારણમાં નથી. જો તમે કહો તો અમે માંડવી પાછી ભરી લઇ તેમ અંતમાં તેમણે જણાવ્યું હતું. આ સમગ્ર વાતચીત સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાઈ જતા આ કૌભાંડ ખુલ્લું સાબિત થઈ ગયું હતું.

સવારે મૂકી ગયેલા ટ્રેક્ટર સાંજે 6 વાગ્યા સુધી લેવા પણ ન આવ્યા

જે રજીસ્ટ્રેશન આવ્યુંને તે ખેડૂતના નામનું આવ્યું હતું એટલે હવે ખેડૂત નિવેદન આપે પછી આગળની કાર્યવાહી થાય. ખેડૂતનું નિવેદન લેવાનું બાકી છે. ખેડૂત ભાગી ગયો હોવાથી તે ખેડૂતના નિવેદન લીધા વગર હું શું કહું. ખેડૂત ભાગી ગયો હવે એનું નિવેદન લઈ નિવેદન પ્રમાણે તપાસ કરીને આગળની કાર્યવાહી કરીશું. 6 વાગ્યા સુધી કોઈ આવ્યા ન હતા પ્રયત્ન કર્યા પણ કોઈ ટ્રેક્ટર લેવા પણ આવ્યા ન હતા. મંગળવાર સુધી રાહ જોઈ ખેડૂતનું નિવેદન લીધા પછી કાર્યવાહી કરીશું.- એ.એચ.ચૌધરી, પ્રાંત અધિકારી.

મંગળવાર સુધી વાહન સહિત બધું સીઝ કરી દેવાયું

એ ઢગલા યથાવત  રાખ્યા છે. પ્રાંત અધિકારી મંગળવારે આવશે પછી તે નિર્ણય  લેશે. અત્યારે ત્યાં સિક્યુરીટી હોય છે અને યાર્ડવાળા માણસો પણ ધ્યાન રાખશે. અત્યારે તે સ્થગિત કર્યું છે અને ટ્રેક્ટર વાહન બધુંય ત્યાં રાખી મુક્યું છે.-મૌલિકભાઈ પટેલે, ગોડાઉન મેનેજર

તંત્રની મીઠી નજરતળે મગફળી ભરેલું ટ્રેક્ટર ઠલવાઈ ગયું

જસદણના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે દુકાન નં.S-1માં તુલસી એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા જનરલ મર્ચન્ટ એન્ડ કમિશન એજન્ટના માલિક કલ્પેશભાઈ કાનાણી ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદ કરેલ મગફળી જૂના માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે લઈ જતા હોવાની દિવ્ય ભાસ્કરને ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે તેનું દિવ્ય ભાસ્કર દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો પાસેથી સસ્તા ભાવે ખરીદ કરેલી મગફળીનું ટ્રેક્ટર મજૂરો દ્વારા છલોછલ ભરવામાં આવી રહ્યું હતું. ટ્રેક્ટર ભરાઈ ગયા પછી આ મગફળી ભરેલું ટ્રેક્ટર જસદણના નવા માર્કેટિંગ યાર્ડમાં સરકાર દ્વારા ચાલતી ટેકાના ભાવે મગફળી વેચવા માટે રવાના થયું હતું. અમુક સમય વીત્યા બાદ તે ટ્રેક્ટર જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે આવી પહોંચ્યું હતું.

આ મગફળી ભરેલું ટ્રેક્ટર ટેકાના ભાવે વેચવા માટે જૂના માર્કેટિંગ યાર્ડમાં ઠાલવવામાં પણ આવ્યું હતું છતાં જવાબદાર સરકારી તંત્ર સાવ અજાણ હોવાનું નાટક કરતું જોવા મળ્યું હતું. બાદમાં આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થતા ટ્રેક્ટર ચાલક ટ્રેક્ટર રેઢું મૂકી નાસી ગયા હતા.  બાદમાં તુલસી એન્ટરપ્રાઈઝ નામની પેઢી ધરાવતા જનરલ મર્ચન્ટ એન્ડ કમિશન એજન્ટ કલ્પેશભાઈ કાનાણી યાર્ડ ખાતે દોડી આવ્યા હતા અને આ કૌભાંડને ભીનું સંકેલવા માટે તમામ પ્રયત્નો શરૂ કર્યા હતા.

આ બનાવમાં કમિશન એજન્ટે જ ખુદ આ મગફળી નવા માર્કેટિંગ યાર્ડમાંથી ભરી ટેકાના ભાવે અહીં વેચવા આવ્યા હોવાની કબૂલાત આપતા સમગ્ર કૌભાંડ પરથી પરદો ઉઠી ગયો હતો. જ્યારે બીજા બનાવમાં ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ટ્રેક્ટર ચાલક સહિતના મગફળીનો ઢગલો કરી નાસી જતા તે પણ આ સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાઈ ગયું હતું.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments