જસદણ : 22મીએ લગ્ન હતા તે યુવકે ઝાડ સાથે દોરી બાંધી ફાંસો ખાઇ લીધો, પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી

0
26

રાજકોટ:જસદણના ભાડલા તાબેના રામરિયા ગામના યુવકની ઝાડ સાથે લટકતી હાલતમાં લાશ મળી આવી હતી. લાશ મળી તે યુવકના લગ્ન આગામી તા.22ના નિર્ધારવામાં આવ્યા હતા. રામરિયા ગામે રહેતો અને ત્રંબામાં પીજીવીસીએલની ઓફિસમાં મીટર ફિટિંગનું કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતો આશિષ અમરશીભાઇ ચણિયારા (ઉ.વ.21) સોમવારે સાંજે વાડીએ સુરાપુરાને અગરબત્તી કરવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. મોડીસાંજ સુધી આશિષ પરત નહીં આવતા તેના પરિવારજનો શોધમાં વાડીએ પહોંચ્યા હતાં. ત્યારે આશિષ બદામના ઝાડમાં લટકતો જોવા મળ્યો હતો. આશિષને નીચે ઉતારી હોસ્પિટલમાં ખસેડાયો હતો, પરંતુ તેનું મોત નીપજ્યું હતું.

પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી:બનાવની જાણ થતાં ભાડલા પોલીસ દોડી ગઇ હતી. આશિષના પિતા અમરશીભાઇએ હત્યાની શંકા વ્યક્ત કરતા કહ્યું હતું કે, આશિષના મોઢા પર પટ્ટી ચોંટાડેલી હતી અને તેના પગ પણ દોરડાથી બાંધેલા હતા અને આશિષ ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. અમરશીભાઇની શંકા પરથી પોલીસે લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બે ભાઇ અને એક બહેનમાં મોટા આશિષની દોઢ વર્ષ પૂર્વે રાજકોટના લાલજીભાઇ ચારોલાની પુત્રી સાથે સગાઇ થઇ હતી અને આગામી તા.22ના રોજ લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. આશિષને તેના મિત્રોને કંકોતરી આપવા જવું હતું, પરંતુ લગ્ન લેવાય ગયા હોવાથી પરિવારજનોએ બહાર જવાની ના કહેતા તેણે ફાંસો ખાઇ લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here